સ્વામી આનંદ પર શિવભક્તો આગબબુલા:રાજકોટમાં કરણીસેનાએ કડક સજા કરવા માંગ કરી, બાર એસો.ના વકીલોએ પોસ્ટર સળગાવી કેસ લડવાની ખાતરી આપી

રાજકોટએક મહિનો પહેલા
શિવભક્તોમાં રોષની લાગણી જોવા મળી

તાજેતરમાં પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીએ ભગવાન શંકર વિશે વિવાદિત નિવેદન કર્યું હતું. જેને લઈને દેશભરનાં હિન્દૂ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ આ મુદ્દે વિવિધ હિન્દૂ સંગઠનો અને શિવભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને બી-ડિવિઝન પોલીસમાં અરજી કરવામાં આવી છે. જ્યારે કરણી સેના દ્વારા સ્ટેજ પરથી માફી નહીં માંગે તો ટીંગાટોળી કરી કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહીં રાજકોટ બાર એસો. દ્વારા પણ આ મુદ્દે સ્વામીના પોસ્ટર સળગાવી તેના વિરુધ્ધ સુત્રોચાર કરી વિરોધ કરાયો હતો.

બી-ડિવિઝન પોલીસમાં અરજી કરાઈ
પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામીએ 'ભગવાન શંકર નિશિતભાઈના દર્શન કરીને ધન્ય થયા' અને 'તેને પગે લાગ્યા' જેવા વિવાદિત નિવેદનો પોતાના પ્રવચન દરમિયાન કર્યા હતા. જેમનો વીડિયો વાયરલ થતા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં "ભગવાન શિવ સ્વામીની સેવા કરતા " જેવી ટિપ્પણીથી શિવ ભક્તિમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અને આ મામલે બી-ડિવિઝન પોલીસમાં અરજી કરવામાં આવી છે.

પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ વિડીયો પણ જાહેર કરી માફી માગી.
પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ વિડીયો પણ જાહેર કરી માફી માગી.

ટીંગાટોળી કરવાની ફરજ પડશે: કરણીસેના
સ્વામી આનંદ સાગરનાં નિવેદનને લઈને કરણીસેના આક્રમક મોડમાં જોવા મળી રહી છે. અને રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાએ કહ્યું છે કે, સ્વામી આનંદ સાગરે કરેલી ટિપ્પણીથી હિન્દૂ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. દેવાધિદેવ મહાદેવને લઈને આવી ટિપ્પણી કરનાર આનંદ સાગર જાહેર સ્ટેજ પરથી માફી નહીં માંગે તો ટીંગાટોળી કરવાની ફરજ પડશે. કરણીસેના મહાદેવ વિશે આવી ટિપ્પણી કરી સમગ્ર હિન્દૂ સમાજ અને શિવભક્તોની લાગણી દુભાવનાર સ્વામીને કડક સજા થાય તેવી માંગ કરતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બાર એસોસિએશન દ્વારા સિવિલ કોર્ટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું
બાર એસોસિએશન દ્વારા સિવિલ કોર્ટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું

વિરોધ વધુ ઘેરો બને તેવી શક્યતા
બીજી તરફ સમગ્ર મામલે રાજકોટ બાર એસોસિએશન દ્વારા સિવિલ કોર્ટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં વકીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમજ સ્વામી વિરોધી નારા લગાવી તેના ફોટાની હોળી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ ભગવાન શિવ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામી આનંદ સાગર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ વકીલો દ્વારા કરવામાં આવી હતી. સાથે જ આ મુદ્દે મફત કેસ લડવા ખાતરી પણ વકીલોએ આપી હતી. જો કે સ્વામીએ પોતાનો માફી માંગતો વીડિયો પણ જાહેર કરી દીધો છે છતાં આગામી સમયમાં આ મુદ્દે વિરોધ વધુ ઘેરો બને તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...