ગુજરાતમાં પ્રથમ:રાજકોટમાં કર્મકાંડી બ્રાહ્મણોની ક્રિકેટ ટુર્નામેન્ટ, સંસ્કૃતમાં કોમેન્ટરી, ચોગ્ગા-છગ્ગા પર વૈદિક મંત્રોનું ઉચ્ચારણ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં આજથી બે દિવસ કર્મકાંડી બ્રાહ્મણો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યું છે. રાજકોટ મોરબી રોડ પર રતનપર નજીક રુદ્રશક્તિ ગ્રાઉન્ડ ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે અને આ ટૂર્નામેન્ટને વેદનારાયણ કપ નામ આપવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટરી કરવામાં આવી રહી છે અને એની સાથે સાથે ચોગ્ગા, છગ્ગા પર વૈદિક મંત્રો પણ બ્રાહ્મણો દ્વારા બોલવામાં આવી રહ્યા છે.

8 ટીમ ભાગ લઈ રહી છે
8 ટીમ ભાગ લઈ રહી છે

વૈદિક મંત્રોચ્ચારથી ગ્રાઉન્ડ ગુંજી ઊઠશે
આ ટૂર્નામેન્ટનું આયોજન કરનાર તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કર્મકાંડી બ્રાહ્મણો માટેનું આ પ્રકારનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. શહેરના મુખ્ય આઠ કર્મકાંડી શાસ્ત્રીઓને ટીમના માલિક બનાવવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં શહેરભરના કર્મકાંડીઓને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. જે ખેલાડીઓ આ ક્રિકેટ રમશે તેઓ નીચે ધોતી અને ઉપર ઝભ્ભો પહેરીને મેદાન પર ઊતરશે. એટલું જ નહીં, કોમેન્ટરી પણ સંસ્કૃતમાં બોલવામાં આવશે. જ્યારે પણ ખેલાડીઓ ચોગ્ગા કે છગ્ગા મારશે ત્યારે સંસ્કૃતના વૈદિક મંત્રોચ્ચારથી ગ્રાઉન્ડ ગુંજી ઊઠશે.

કર્મકાંડી શાસ્ત્રીઓની ટીમ.
કર્મકાંડી શાસ્ત્રીઓની ટીમ.

ધોતી-ઝભ્ભામાં ખેલાડીઓ મેદાનમાં ઊતરશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજ અને આવતીકાલ એમ કુલ બે દિવસ માટે ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. આજે 3 માર્ચના રોજ 8 ટીમ વચ્ચે ચાર મેચ મળીને દરેક ટીમ એક-એક મેચ રમશે. જે જીતશે તે ટીમ બીજા દિવસે પહેલા સેમી-ફાઇનલ અને ત્યાર બાદ ફાઇનલ મેચ રમશે. અત્યારસુધી ઝભ્ભા અને ધોતિયામાં બ્રાહ્મણોને મંદિર કે કોઇ ધાર્મિક પ્રસંગોમાં મંત્રોચ્ચાર સાથે જોયા હશે, પરંતુ રાજકોટમાં આજે કર્મકાંડી બ્રાહ્મણો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.

બે દિવસ માટે ટૂર્નામેન્ટનું આયોજન.
બે દિવસ માટે ટૂર્નામેન્ટનું આયોજન.

સંસ્કૃતમાં કોમેન્ટરી
આ ટૂર્નામેન્ટમાં સંસ્કૃતમાં કોમેન્ટરી કરનાર ઉદ્ઘોષક આકાશ પંડ્યાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે અંગ્રેજી હિન્દી અને ગુજરાતીમાં તો પ્રેક્ષકોએ ક્રિકેટ મેચ દરમિયાન કોમેન્ટરી સાંભળી જ હશે, પરંતુ પ્રથમવાર અમે લોકો સંસ્કૃતમાં કોમેન્ટરી કરીશું અને હું ખૂબ જ ભાગ્યવાન છું કે મારા ફાળે કોમેન્ટરી કરવાનો અવસર આવ્યો.

આ બધા સંસ્કૃત શબ્દોનું ઉચ્ચારણ થશે
વધુમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેઓ ચોગ્ગા અને છગ્ગાના ઉચ્ચારણ કઈ રીતે કરી રહ્યા છે એ અંગે તેમણે જણાવ્યું હતું કે ખેલાડીઓ માટે સંસ્કૃતમાં શબ્દ છે ક્ષેત્રકા: બોલર જ્યારે ઓવર ફેંકવા માટે આવે ત્યારે તેને ક્ષિપ્તી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 4 લગાવે ત્યારે અમે કહીએ છીએ ચતુષ્ટકમ પ્રાપ્તમ, જ્યારે દોડે છે ત્યારે કહીએ છીએ ધાવનકા:, જ્યારે આઉટ થાય ત્યારે કહીએ છીએ બહિષ્કૃતમ. જ્યારે કેચઆઉટ થાય ત્યારે કહીએ છીએ ગૃહીતમ, જ્યારે વાઈડ બોલ થાય ત્યારે કહેવાય છે દૂરગ્ર:. આ બધા સંસ્કૃત શબ્દોનું ઉચ્ચારણ આ બે દિવસ દરમિયાન થયા થશે.

ઋષિકુમારોનાં નામ પરથી ટીમનાં નામ
વૈદિક પૂજા ચાલતી હોય એ પ્રકારના ધાર્મિક વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આ ટુૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ, આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 8 ટીમનાં નામ પણ ઋષિકુમારોનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે.

ધાર્મિક વાતાવરણમાં ટૂર્નામેન્ટનું આયોજન.
ધાર્મિક વાતાવરણમાં ટૂર્નામેન્ટનું આયોજન.

8 ટીમનાં નામ

  • ભારદ્રાજ ઇલેવન (શાસ્ત્રી વિજય જોષી)
  • વિશ્વામિત્ર ઇલેવન (શાસ્ત્રી હરીશ ભોગાયતા)
  • અત્રિ ઇલેવન (શાસ્ત્રી હિરેન જોષી)
  • શાંડિલ્ય ઇલેવન (શાસ્ત્રી ગોપાલ જાની)
  • વશિષ્ઠ ઇલેવન (શાસ્ત્રી હિરેન ત્રિવેદી)
  • જમદગ્નિ ઇલેવન (શાસ્ત્રી અસિત જાની)
  • કશ્યપ ઇલેવન (શાસ્ત્રી જસ્મિન જોષી)
  • ગૌતમ ઇલેવન (શાસ્ત્રી જયેશ પંડ્યા)
અન્ય સમાચારો પણ છે...