તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કપલીન બનાવી ટાટા સ્ટીલના નામે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • સ્ટિકર મારી ગુજરાત અને અન્ય રાજ્યોમાં વેચતો’તો
  • ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં આવેલા ક્રિષ્ના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પોલીસનો દરોડો

રાજકોટ શહેરમાં બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી વસ્તુ વેચાતી હોવાની વાતને વધુ એક વખત સમર્થન મળ્યું છે. બોરવેલમાં ઉપયોગમાં લેવાતી કપલીનને રાજકોટમાં બનાવી તેના પર ટાટા સ્ટીલના નામના સ્ટિકર મારી વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી 600 કપલીન અને સ્ટિકરનો જથ્થો જપ્ત કરી પોલીસે કારખાનેદારને ઝડપી લીધો હતો. ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં આવેલા ક્રિષ્ના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ટાટા સ્ટીલના નામે કપલીન વેચાતી હોવાની કંપનીના ઓથોરાઇઝ્ડ મંગલ પાંડેએ જાણ કરતાં પીએસઆઇ અંસારી અને હેડ કોન્સ્ટેબલ ઝહીરભાઇ ખફી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે કારખાનામાં તપાસ કરતાં ત્યાંથી કંપનીના 1100 સ્ટિકર અને કંપનીના સ્ટિકર સહિતની 600 કપલીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કપલીન અને સ્ટિકર સહિત કુલ રૂ.27200નો મુદ્દામાલ જપ્ત કરી કારખાનેદાર નાનામવા રોડ પરની રાજનગર સોસાયટીમાં રહેતા પરષોત્તમ ડાયા પાંભર (ઉ.વ.60)ની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પરષોત્તમ પાંભર 30 વર્ષથી પોતાના કારખાનામાં કપલીન બનાવે છે, પરંતુ બ્રાન્ડેડ વસ્તુની બજારમાં માંગ હોવાથી તેનો ધંધો બરોબર ચાલતો નહોતો,

એટલે છેલ્લા બે વર્ષથી પરષોત્તમે પોતાના કારખાનામાં બનતી કપલીન પર ટાટા સ્ટીલના સ્ટિકર મારી તેનું વેચાણ શરૂ કરી દીધું હતું અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં કપલીન મોકલતો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વિશેષ પૂછપરછ શરૂ કરી હતી. આ પ્રકારની ઘટના આગામી દિવસોમાં ન ઘટે તે માટે તંત્ર સજ્જ થયું છે. અને ગેરરીતિ આચરતા ઉદ્યોગકારો કે અન્ય કોઇને બક્ષવામાં નહીં આવે .

અન્ય સમાચારો પણ છે...