રાજકોટ જિલ્લામાં આજે હોળીકા પર્વ પર સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે મહામહેનતે વરસતા વરસાદ વચ્ચે રાજકોટીયન્સે હોળી ઉજવી હતી. જ્યાં શહેરના કાલાવડ રોડ અને લક્ષ્મીનગરમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.જયારે રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરધારની બજારોમાં ચોમાસાની જેમ પાણી ભરાયા હતા. નોંધનીય છે કે જંકશન વિસ્તારમાં હોલિકા દહનનું આયોજન કરનાર ગ્રુપ દ્વારા તાલપત્રીથી હોળી ઢાંકવામાં આવી હતી. છતાં વરસાદ અટકાયો ન હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ યોજાનાર હોળી/ધુળેટી પર્વના અનુસંધાને યોજાનાર હિન્દી હાસ્ય કવિ સંમેલન “હોલી કે રંગ રાજકોટ કે સંગ” કાર્યક્રમ વરસાદને પગલે રદ કરવામાં આવ્યો છે.
હોલિકા દહન કાર્યક્રમમાં વિઘ્ન આવ્યું
રાજકોટ શહેરમાં પંચનાથ મંદિર ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વરસાદી છાંટા વચ્ચે હોળી પ્રગટાવવામાં આવી હતી. જ્યાં હોળી દરમિયાન વરસાદી વિઘ્ન જોવા મળ્યું હતું. વરસાદના કારણે હોલિકા દહનના દર્શન કરવામાં લોકોની પંખી હાજરી જોવા મળી હતી. તો અનેક વિસ્તારમાં વરસાદ અને વીજળી ગુલ થતા હોલિકા દહન કાર્યક્રમમાં વિઘ્ન આવ્યું હતું.
રાજકોટ શહેરમાં 6.40 થી 8 વાગ્યા સુધી વરસેલા વરસાદ આંકડા
મોઢે આવેલો કોળિયો છિનવાતા ખેડૂતો નિરાશ
આજે પડધરીમાં કમોસમી વરસાદથી ચણાના પાથરા પલળ્યા હતા.હાલ જીરૂ, ઘઉં, ચણા, ધાણા સહિતના રવિ પાક તૈયાર થઈ ચૂક્યા છે અને ખેડૂતો લલણીમાં વ્યસ્ત છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છિનવાતા ખેડૂતોને જાણે આખા વર્ષની કમાણી તણાઇ રહી હોય તેવો ભાસ થતો હતો. હાલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું હતું અને મહતમ તાપમાનમાં મોટો ઘટાડો આવ્યો હતો.
હોળી આયોજકોની ચિંતા વધી
ગાજવીજ સાથે પવનની ગતિ પણ વધી છે. કાળા ડિબાંગ વાદળોએ શહેરને ઘેરી લીધું છે. ઉનાળાની શરૂઆતમાં જ આવું વાતાવરણ જોવા મળતા શહેરીજનો આશ્ચર્યમાં ગરકાવ થયા છે. આજે હોળી છે ત્યારે શહેરના અનેક ચોકમાં છાણા ગોઠવી દેવાયા છે જે વરસાદના કારણે પલળી ગયા છે. જો હજુ રાત્રે પણ વરસાદ પડે તો હોળી આયોજકોની ચિંતા વધી.
અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રાજકોટ શહેરમાં સાંજ પડતા અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન ફૂંકાયો હતો.પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ભારે પવનથી દુકાનોનાં બોર્ડ ઊડ્યાં
રાજકોટમાં કાલાવડ રોડ પર મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં તેમજ ધૂળની આંધી ફૂંકાતાં વાહનચાલકો પરેશાન બન્યા હતા.
બુધવાર સુધી માવઠાની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી પણ કેટલાક વિસ્તારોમાં માવઠું અને પવન તેમજ વીજળીના ચમકારાની આગાહી કરવામાં આવી છે. અત્યારે નોર્થ સાઉથ ટ્રફ તેમજ હવાના હળવા દબાણનો પટ્ટો હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે, આથી બુધવાર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.
વરસાદ વરસતા જ ફીડર બંધ
નોંધનીય છે કે રવિવારે પણ રાજકોટ-કોટડા સાંગાણી રોડ પર કરાનો વરસાદ વરસ્યો હતો અને રોડ પર બરફના થર જામી ગયા હતા. બીજીબાજુ રાજકોટ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ વરસતા જ ફીડર બંધ પડી ગયા હતા અને વીજળી ગુલ થઇ ગઈ હતી.
ભારે પવનને કારણે ફોલ્ટ સર્જાયો
રાજકોટ શહેરના HT-1 ડિવિઝન હેઠળ આવેલા કુવાડવા, લાતી પ્લોટ અને માર્કેટિંગ યાર્ડ ફીડર ભારે પવનને કારણે બંધ પડી ગયો હતો. આ ઉપરાંત HT-2 ડિવિઝન હેઠળ મોટી ટાંકી ચોક અને દીનદયાળ ફીડરમાં પણ ફોલ્ટ સર્જાયો હતો. HT-3 ડિવિઝન હેઠળ ગાયત્રી, પુષ્કરધામ, વાવડી, આલાપ, નાનામવા, શાંતિવન, વિદ્યુતનગર ફીડરમાં ભારે પવનને કારણે ફોલ્ટ સર્જાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.