અંતિમધામ બનશે આધુનિક:મોવિયા ગામના કૈલાસધામની થઇ રહી છે કાયાપલટ, 80 લાખના ખર્ચે થશે જીર્ણોધ્ધાર

મોવિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપાઉન્ડ વોલ, શાંતિરથ, ગોડાઉન,પાર્કિંગ સહિતની સગવડ ઊભી કરાશે

રાજકોટ નજીક આવેલા મોવિયા ખાતે આવેલું સ્મશાન આધુનિક અને લોકોપયોગી બનાવવા કવાયત આરંભવામાં આવી છે. અહીંના કૈલાશધામને નવા રંગરૂપ આપવા અને ધરમૂળથી કાયાપલટ કરવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે અને 80 લાખના ખર્ચે કૈલાશધામના જીર્ણોધ્ધારનું કામ શરૂ કરી દેવાયું છે. જે ટૂંક સમયમાં લોકાર્પિત કરવામાં આવશે.

મોવિયામાં કૈલાશધામ સેવા સમિતિના સેવાભાવીઓ, ગામના દાતાઓ અને લોકોના સહકારથી મોક્ષધામની કાયાપલટ કરવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે સગવડો ઉપલબ્ધ ન હતી એ તમામ અહીં બનાવવા કસરત શરૂ કરવામાં આવી છે. દાતાઓ અને સેવાભાવીઓના સહકારથી કૈલાશધામમાં વિશાળ પ્રવેશદ્વાર, કમ્પાઉન્ડ વોલ, કોલમ બીમ સાથે સરપણ રાખવા આરસીસી ગોડાઉન, લાકડાને નોખા કરવા પ્રેસ મશીન ઉપરાંત ગેસ ભઠ્ઠી, શિવમંદિર, શાંતિરથ, ડાઘુઓને બેસવા માટે વિશાળ મઢુલીઓ, શૌચાલય, બગીચો, વિશાળ પેવર બ્લોક સાથે પાર્કિંગ સહિતની સુવિધાઓ તૈયાર કરવા માટેનું ક્રમબધ્ધ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે કામ આરંભી દેવામાં આવ્યું છે અને નજીકના ભવિષ્યમાં પૂર્ણ થઇ જશે.

મોવિયામાં આકાર લઇ રહેલા આધુનિક કૈલાશધામ માટે મુખ્ય દાતા રોહિતભાઇ અશ્વિનભાઇ ભાલાળાએ સાત લાખ, મનસુખભાઇ ગોરધનભાઇ કાથરોટિયાએ સાડા છ લાખ,મનસુખભાઇ ભાલાળાએ પાંચ લાખ શાંતિ રથ માટે આપ્યા છે તો વિઠ્ઠલભાઇ કાનજીભાઇ રાદડિયાએ શિવમંદિર માટે 3 લાખ રૂપિયાનું દાન ઉદાર હાથે આપ્યું છે જેમાંથી આ આધુનિક સુવિધા લોકોને સાંપડશે.

આ તમામ સેવાકાર્ય માટે સમિતિના પ્રમુખ મનસુખ ખુંટ, ઉપપ્રમુખ રસિકભાઇ ચારણીયા, મંત્રી અમૃતભાઇ ગોંડલિયા, બટુકલાલ ઠુંમર, જયસુખભાઇ ભાલાળા, દિનેશ કાલરિયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.દાતાઓ પાસેથી દાન એકઠું કરવામાં મનિષભાઇ ઘરસંડિયા, ચિરાગભાઇ દુદાણી, કૈલાશધામ સર્વ સમિતિ તેમજ મોવિયા ગ્રામ પંચાયતનો સહકાર સાંપડ્યો છે અને કાર્ય વેગવંતુ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...