માગણી:કોંગી MLA કગથરાએ કહ્યું- મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સારવાર સરકાર મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડમાં ફ્રીમાં કરે, માત્ર મહામારી જાહેર કરી બેસી ન રહે

રાજકોટ5 મહિનો પહેલા
કોંગ્રેસના ધારાસભ્ય લલિતિ કગથરા.
  • કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ નામની મહામારીમાં લોકો ઇન્જેક્શન માટે ભટકી રહ્યાં છેઃ કગથરા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મુ્યકોરમાઇકોસિસની મહામારીને લઇ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, આ રોગ માટેના ઇન્જેક્શનની અછત સરકાર દૂર કરે. સૌથી વધુ કેસ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જોવા મળી રહ્યાં છે. ઇન્જેક્શનના અભાવે દર્દીઓના ઓપરેશન અટક્યા છે. કોરોના કરતા ગંભીરતાના કારણે મહારોગમાં દર્દીઓના સ્વજનો ઇન્જેક્શન માટે ભટકે છે. બ્લેક ફંગસના દર્દીઓની સારવાર મા કાર્ડ અને આયુષ્યમાનકાર્ડમાં ફ્રી કરે. સરકાર માત્ર મહામારી જાહેર કરી બેસી ન રહે સારવાર ફ્રીમાં કરાવો.

દર્દીના સગાઓ શેરીએ શેરીએ અને દુકાને દુકાને ફાંફા મારે
લલિત કગથરાએ જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારીમાંથી થોડી રાહત મળી છે. પરંતુ ખબર નથી પડતી કે ગુજરાત પર આ કંઇ જાતની પનોતી બેઠી છે. કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ નામની મહામારીમાં લોકો ઇન્જેક્શન માટે ભટકી રહ્યાં છે. શેરીએ શેરીએ અને દુકાને દુકાને ફાંફા મારે છે. અમને આ ઇન્જેક્શન અમને આપો અમારા સંબંધીને અમારે બચાવવા છે.

ગુજરાતના મુખ્યમંત્રીને હૃદયપૂર્વકની અપીલ
વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દર્દીઓ રાજકોટ તરફ પ્રયાણ કરે છે. તેમ છતાં ઇન્જેક્શન મળતા નથી. ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રીને લખુ છું કે, મુખ્યમંત્રી આપ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પનોતા પુત્ર છો. ત્યારે આ મહામારામાંથી બચાવવા માટે લોકોને આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવો. તાત્કાલિક સારવાર મળે તેના માટે આપ પ્રયત્ન કરો. સાહેબ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે અત્યારે. તમે વિચાર તો કરો કે લોકો જાય તો જાય ક્યાં. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને હૃદયપૂર્વકની અપીલ છે કે આ મહામારીમાં માણસો પોતાના સબંધી ગુમાવે છે, આંખ ગુમાવે છે અને સાહેબ ઘર આખુ ખર્ચાય જાય છે.