રાજકોટની સોનીબજારની ચમક વધી:ધનતેરસ પહેલાં જ રાજકોટના લોકોએ 51 કિલો સોનાનું એડવાન્સ બુકિંગ કર્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિટેઈલ વેપારીઓએ હોલસેલર પાસેથી બધો સ્ટોક ખરીદ કરી લીધો, શણગાર અને દાગીના ગોઠવવા માટે વેપારીઓએ આખી રાત કામગીરી કરી
  • આજે 150 કિલોથી વધુ સોના-ચાંદીના વેચાણનો અંદાજ, સિક્કાથી લઇને ગણેશજી, લક્ષ્મીજીની મૂર્તિ, સોના- ચાંદીના વાસણોના ખાસ ઓર્ડર દઈને લોકોએ બનાવડાવ્યા

દિવાળીના તહેવારના અનુસંધાને રાજકોટની સોનીબજારની ચમક વધી છે. ગુરુ પુષ્ય નક્ષત્રમાં પણ 125 કિલોથી વધુ સોનું વેચાયું હતું. આ દિવસ બજારમાં ભારે ભીડ અને સ્ટોક ખૂટી પડતા કેટલાક લોકો સોનું- ચાંદી ખરીદ કર્યા વગર પરત ફર્યા હતા. ત્યારે આ ધનતેરસે સમયસર સોનું મળી રહે તે માટે રાજકોટના લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. એક અંદાજ મુજબ ધનતેરસ પૂર્વે રાજકોટની સોનીબજારમાં 31 કિલો સોનાના દાગીના અને 21 કિલો સોનાની લગડી-બિસ્કિટનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. તેમજ આજના દિવસે 150 કિલો સોનું વેચાય તેવો અંદાજ છે. હોલસેલર વેપારીઓ પાસેથી રિટેઈલર વેપારીઓએ એડવાન્સમાં જ સ્ટોક ખરીદ કરી લીધો છે. તેમજ સોના-ચાંદીના સિક્કાથી લઇને વાસણો, લક્ષ્મીજી- ગણેજીની મૂર્તિ ખાસ ઓર્ડર દઈને બનાવડાવ્યા છે.તેમજ ડેકોરેશન અને દાગીના ગોઠવવા માટેની કામગીરી આખી રાત ચાલુ રહી હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે.

આજે સોનીબજારની સાથે- સાથે ચાંદી બજારમાં પણ સવારથી સાંજ સુધી ખરીદી રહેશે. હોલસેલર વેપારીઓ પાસેથી રિટેઈલર વેપારીઓએ ખરીદી કરી લેતા તેમની પાસે જૂનો સ્ટોક પણ વેચાઈ ગયો છે. જ્યારે દાગીનામાં હોલમાર્કિંગ માટેની કામગીરી છેલ્લા એક માસથી આખી રાત ચાલુ રહી હતી.વેપારીઓના જણાવ્યાનુસાર નાના અને મધ્યમ વર્ગના લોકો તરફથી સોનાની ચૂંક, એક -બે ગ્રામના દાગીના, રોઝગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ છે, તો ઉચ્ચતર મધ્યમ વર્ગના લોકોએ ખાસ ઓર્ડર દઈને દાગીના તૈયાર કરાવ્યા છે. જ્યારે રોકાણકારો સોનાના બિસ્કિટ અને સિક્કાની ખરીદી કરે તેવી સંભાવના છે.

આજે સવારથી જ સોનીબજારમાં ખરીદી માટે લોકો ઊમટી પડશે અને રાત સુધી ખરીદી યથાવત્ રહેશે. કોરોના બાદ સોનાની સૌથી વધુ ખરીદી પહેલીવાર થઇ રહી છે. ત્યારે ડિમાન્ડને પહોંચી વળવા માટે વેપારીઓએ પણ બધી તૈયારી કરી લીધી છે.દિવાળી અને નવા વર્ષ નિમિત્તે અનેક મંદિરોના દાગીના- આભૂષણો ખાસ ઓર્ડર દઈને બનાવવામાં આવ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પ્રતિવર્ષ ધનતેરસના દિવસે સોના-ચાંદીમાં ધૂમ ખરીદી થતી હોય છે, ગત વર્ષે કોરોનાને કારણે લોકો સુકનવંતી ખરીદી કરી શક્યા ન હોવાથી આ વર્ષે ખરીદી કરશે.

આજે દરેક બજારમાં ખરીદી રહશે
ધનતેરસ એ ખરીદી માટે શુભ મનાઈ છે.આ દિવસે પિત્તળના વાસણોથી લઈને સોના-ચાંદીની ખરીદી થતી હોય છે. આ સિવાય ઇલેક્ટ્રોનિક માર્કેટમાં પણ મોટા પ્રમાણમાં ખરીદી થવાની સંભાવના છે. જ્યારે રિયલ એસ્ટેટ માર્કેટમાં શુભ મુહૂર્તમાં સોદા પડશે. જોકે કોરોના બાદ પહેલીવાર મોટા પ્રમાણમાં ખરીદી નીકળી છે. ગુરુ પુષ્ય નક્ષત્રમાં સોનાની મોટા પ્રમાણમાં ખરીદી થયા બાદ હવે ધનતેરસમાં મોટા પ્રમાણમાં ખરીદી નીકળે તેની તૈયારી વેપારીઓએ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...