ભાસ્કર વિશેષ:જંક્શન ન્યૂ ગરબીનું જાહેર માર્ગ પર થતું આયોજન આ વર્ષે કોરોનાને ધ્યાને લઈ ફ્લેટના પાર્કિંગમાં કરાયું

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી 10 થી 20 વર્ષ સુધીના ભાગ લઈ શકતા, આ વર્ષે માત્ર 18+ને જ એન્ટ્રી

જંક્શન ન્યૂ ગરબી મંડળ દ્વારા આ વર્ષે ગરબીનું આયોજન ફ્લેટના પાર્કિંગમાં જ કરવામાં આવ્યું છે જે કોરોના પહેલા જાહેર માર્ગ પર કરવામાં આવતું હતું. આ ઉપરાંત ગરબીમાં પહેલા 10 વર્ષથી લઈને 20 વર્ષ સુધીની બાળા અને ભાઈઓ ભાગ લેતા હતા. જેમાં આ વર્ષે ફેરફાર કરી 18 વર્ષથી મોટી ઉંમરના જ લોકો અને રસી લીધી હોય તેવા દીકરા-દીકરીને રાસ રમવા દેવામાં આવશે. આ વર્ષે સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં પહેલા 9થી 12 વાગ્યા સુધી 3 કલાક ગરબી યોજાતી હતી જેમાં ઘટાડો કરી આ વર્ષે 8.30 થી 10.30 વાગ્યા સુધી 2 કલાકનો સમય કરી દેવામાં આવ્યો છે.

ગેબનશાહ પીર દરગાહ રોડ પર છેલ્લા 51 વર્ષથી દિલાવરસિંહ જાડેજાની “જંક્શન ન્યૂ ગરબી મંડળ” દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 51 વર્ષથી આ ગરબી મંડળ દ્વારા ભાદરવો પૂર્ણ થતાં ગરબીમાં ભાગ લેનાર બાળાઓની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવતી હોય છે. જેમાં 75 જેટલી બાળાઓમાં 16 બાળાનું એક ગ્રૂપ એવા પાંચ જેટલા ગ્રૂપ બનાવી 20-25 રાસની કૃતિ રજૂ કરવામાં આવતી જે આ વર્ષે માત્ર પાંચ જેટલી જ કૃતિ રજૂ કરાશે. મહત્ત્વનું છે કે ગરબી મંડળના પ્રખ્યાત રાસ એવા અઠંગો રાસ, હુડો રાસ, પાંચાલી રાસ, હાલારી રાસ, કાનગોપીનો રાસ સહિતના રાસ જોવા પહેલાના સમયમાં લોકો દૂર-દૂરથી આવતા હતા.

પરંપરા જાળવી રાખવા નાના પાયે આયોજન
ગરબી મંડળ દ્વારા ગોલ્ડન જ્યુબિલીનું આયોજન મોટા પાયે ગયા વર્ષે કરવું હતું પરંતુ કોરોનાના કારણે ગયા વર્ષે આરતી કરી પરંપરા જાળવી રાખી હતી. જ્યારે આ વર્ષે સરકારે થોડી છૂટછાટ આપતા નાના પાયે આયોજન કરાયું છે જેના કારણે ખર્ચમાં પણ ઘટાડો થયો છે. તેમજ સરકારી ગાઈડલાઈનનું પાલન જાહેર સ્થળ પરથી કરાવી ન શકાય માટે નાના પાયે આયોજન કરાયું. > અશ્વિન સેદાણી, જનસંપર્ક સભ્ય, જંક્શન ન્યૂ ગરબી મંડળ

અન્ય સમાચારો પણ છે...