વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા પ્રમાણે લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા રાજકોટના વર્તમાનપત્રોના તંત્રીઓ, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધિઓને નારદ સન્માન પારિતોષિકથી સન્માનવાનો કાર્યક્રમ રાજકોટ ખાતે તા.11ને બુધવારના રોજ રાષ્ટ્રીય શાળા ખાતે આયોજન કરાયું છે. વિશ્વ સંવાદ કેન્દ્ર એ રાષ્ટ્રીય મીડિયા નેટવર્ક છે, જે માધ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતના સમાચારો, લેખો, શ્રાવ્ય, દૃશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે. આ રાષ્ટ્રવ્યાપી નેટવર્કના સૌરાષ્ટ્ર કેન્દ્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન જાણીતા પત્રકાર અને લેખક વિષ્ણુભાઈ પંડ્યા - ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ કે જેઓએ 3 નવલકથા, 15 ઈતિહાસ વિષયક, 15 રાજકીય વિશ્લેષણ, 15 પત્રકારત્વ, 10 સર્જક નિબંધ, કેટલાંક ચરિત્રો, પત્ની ડો.આરતી પંડ્યા સાથે મળીને કુલ 93 પુસ્તકનું સહલેખન કર્યું છે. જેઓને જેલમાં લખાયેલ મિસાવાસ્યમ પુસ્તકોને કાકાસાહેબ કાલેલકર સન્માન, સ્વાતંત્ર્ય જંગના ઈતિહાસ લેખન માટે નર્મદ ચંદ્રક, 15 પુસ્તકને પરિષદ, અકાદમીના પારિતોષિક, વર્ષ 2017માં રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય પત્રકારત્વ અને શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરવા માટે સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય વક્તા તરીકે હાલ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજીની જવાબદારી વહન કરી રહેલા ડો. જયંતીભાઈ ભાડેશિયા, અતિથિ વિશેષ તરીકે પ્રમોદજી બાપટ-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ કેન્દ્ર મુંબઈ ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.