ઇજનેર જોશી આપઘાત કેસ:આપઘાત કરી લેનાર જોશીને ખાનગી એજન્સી અને મનપાના એન્જિનિયર ગોસ્વામીએ ફોન કર્યા હતા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સિટી એન્જિનિયર ગોસ્વામી અને એજન્સીના ઈજનેર ચંદારાણાના નિવેદન લેવાયા

મનપાના ઇજનેર પરેશભાઇ ચંદ્રકાંતભાઇ જોષી (ઉ.વ.50)એ ગુરુવારે સાંજે ન્યારી ડેમમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો, તે વખતે ડેમની સાઇટ પર ફરજ બજાવતા ચોકીદાર કાળુભાઇએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પરેશભાઇએ ડેમમાં ઝંપલાવ્યું તે પહેલા તેની કારમાં બેઠા હતા અને જોરજોરથી મોબાઇલ પર કોઇની સાથે વાતચીત કરતા હતા.

જોષીના આપઘાત અંગે મનપાના વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી, નવાગામમાં બની રહેલા સીસીરોડમાં ઇજનેર જોષી સેમ્પલ લેતા હોય તે બાબતે તેમને ગ્રામજનો પાસે માર ખવડાવવાની ધમકી મળતી હતી તેમજ ઉપરી અધિકારી પણ જોષીને ધમકાવતા હતા, જોષીએ આપઘાત કર્યો તે પહેલા પોતાનો મોબાઇલ ડેમમાં ફેંકી દીધો હતો. પોલીસે મોબાઇલનું સીડીઆર કઢાવતા છેલ્લો ફોન મધુરમ એજન્સીના એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ કર્યાનું ખુલ્યું હતું તેમજ તે પહેલા મનપાના સિટી એન્જિનિયર વાય.કે.ગોસ્વામીએ ફોન કર્યો હતો.

પોલીસે બંનેને આ મામલે નિવેદન માટે બોલાવ્યા હતા, હાર્દિક ચંદારાણાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે બિલ મુક્યા હતા તે માટે જરૂરી કાર્યવાહી માટે ગુરુવારે સવારે જોષીને મનપા કચેરીએ મળ્યા હતા, બાદમાં જોષી મિટિંગમાં અને ત્યાંથી જમવા જતા રહ્યા હોય સાંજ સુધી તેમની રાહ જોઇ હતી, જે બાબતે તેમને છ વખત ફોન કર્યા હતા, જ્યારે વાય.કે.ગોસ્વામીએ કહ્યું હતું કે ચંદારાણાએ ફરિયાદ કરી હતી કે જોષી જમવા જતા રહ્યા છે અને તેમની સહીની જરૂરિયાત છે જે બાબતે તેની પૃચ્છા કરવા જોષીને ફોન કર્યો હતો.

એજન્સી અને મનપાના સિટી એન્જિનિયર વચ્ચે સાઠગાંઠ હોવાના આક્ષેપો થયા છે તેમજ ઇજનેર જોષી રોડના જ્યારે સેમ્પલ લેતા અને જ્યારે જ્યારે બિલ મુકાતા ત્યારે ત્યારે તેમને ધમકી અપાતી હતી આવી અનેક ચર્ચાઓ થઇ રહી છે ત્યારે પોલીસ માત્ર આરોપીના નિવેદનને યથાર્થ સમજીને ઊંડાણપૂર્વક તપાસ નહીં કરે તો આ મામલો સમેટાઇ જશે તેવી પણ લોકોમાં ચર્ચાઓ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...