ફિલ્મ થ્રિ ઈડિયટ્સમાં જ્યારથી ડ્રોન ટેકનોલોજીને દર્શાવવામાં આવી છે ત્યારથી જગતભરમાં ડ્રોનના ઉપયોગથી અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રથી લઈને ફિલ્મ ઉદ્યોગમાં તો ડ્રોનનો બહોળા પ્રમાણમાં ઉપયોગથાય જ છે પરંતુ શું ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરી શકાય આ નવતર અભિગમ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જોવા મળ્યો. જ્યાં ખેડૂતે ડ્રોનના મારફત થી યુરિયા ખાતરનો કપાસના પાકમાં છટકાવ કર્યો હતો અને માત્ર 30 જ મિનિટમાં 1 એકરમાં તેમણે કપાસના પાક પર દવાનો છંટકાવ કરીને સમય અને પૈસા બન્નેનો બચાવ કર્યો હતો.
દવા ખેડૂતોને નુકશાન પહોંચાડે છે
આ અંગે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામના ખેડૂત લક્ષ્મણભાઈ ધડૂકે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેતીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી ખૂબ જ પડકાર જનક છે.ખેડૂતોને સહુથી મોટી મુશ્કેલી કોઈ હોય તો તે છે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી. કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરે છે ત્યારે તે દવા ખેડૂતના શરીર સાથે ચોંટી જવા ઉપરાંત શ્વાસમાં પણ જતી હોવાના લીધે ખેડૂતોને મોટું શારીરિક નુકશાન થાય છે અને ખેતરમાં દવાનો છંટકાવની કામગીરીથી ખેડૂતો પરેશાન થઈ ઉઠતાં હોય છે. ઓછું હોય તેમ શ્રમિકોને પણ શોધવા પડે છે.
દવાનો છંટકાવ કરવામાં 2-3 દિવસનો સમય વીતી જાય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રમિકો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તો તેમાં પણ 2-3 દિવસનો સમય વીતી જાય છે. જયારે અધ્યતન ડ્રોન ટેકનોલોજી ના ઉપયોગથી સમય તથા પાણીનો બચાવ કરવાની સાથે છંટકાવ કરવામાં આવતા પાક સંરક્ષક રસાયણ અને ખાતરના છંટકાવની અસરકારકતા પણ વધુ મેળવી શકાય છે તથા મજુરોની અછત જેવી સમસ્યાઓ પણ નિવારી શકાય છે. મને મારા એક સંબંધી પાસેથી માહિતી મળી હતી કે ગુજરાત સરકારની ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી અંતર્ગત ખેડૂતોને દવા-ખાતર છંટકાવ માટે ડ્રોન પ્રદાન કરવામાં આવે છે.
કપાસના પાકમાં યૂરિયા-ખાતરનો છાંટકાવ કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે બાદ મેં મારા પુત્ર રાજેશને જાણ કરી હતી. અમે એ પછી તેમણે વિલેજ ઓપરેટર મારફતે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી. અમારું ખેતર 30 વીઘામાં સમાયેલું છે. જેથી તેને અંતર્ગત અમારે 17,500ની રકમ આ યોજના હેઠળ જમા કરાવવાની હતી. સરકારે એક ખેડૂતને એક એકર દીઠ ખર્ચના 90 ટકા અથવા તો વધુમાં વધુ રૂપિયા 500ની રકમ ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ પાંચ એકર સુધીની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે. અમારી રકમ અને અરજી જમા થયા બાદ ડ્રોન ચલાવતી કંપનીના અધિકારીઓ ખેતરમાં આવ્યા હતા. અને એક કલાકમાં તેમણે 5 વીઘા જમીનમાં મારા કપાસના પાકમાં યૂરિયા-ખાતરનો છાંટકાવ કર્યો હતો.
દવાની હાનિકારક અસરથી ખેડૂતને રક્ષણ મળે છે: રાજેશભાઈ ધડૂક
આ અંગે તેમના પુત્ર રાજેશભાઈ ધડૂકે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ટેકનોલોજીથી ખેડૂતોનો સમય, ઉર્જા અને કૃષિખર્ચ બચશે અને કૃષિમાં સમૃદ્ધિ માટે યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ ટેક્નોલોજીથી ચોક્કસ પણે ફાયદો થયો છે. પરંતુ જો ડ્રોનની ટેન્ક મોટી કરવામાં આવે તો ખેડૂતોને વધુ ફાયદો થઇ શકે છે. ડ્રોનમાં 10 લીટર ટેન્ક કરતા વધુ પાણી સમાય શકે તો વધુ ફાયદો થઇ શકે છે. ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાનો છંટકાવ ખૂબ જ સારી રીતે થાય છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાની હાનિકારક અસરથી ખેડૂતને રક્ષણ મળે છે.
આ રીતે અરજી કરી શકશો
આ અંગે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.એલ.સોજીત્રાના જણાવ્યા પ્રમાણે, આ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 20 ખેડૂતો દ્વારા 67 એકરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમને સહાય ચૂકવવાની કામગીરી ગતિમાં છે. અત્યાર સુધીમાં રૂપિયા 96 હજાર જેટલી સહાય ચૂકવવામાં આવી છે. અત્યારે પણ ડ્રોનથી દવા છંટકાવ માટે અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે. ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર 28મી જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પાસે પણ જઇને અરજી કરી શકાય છે. અરજી માટે આધારકાર્ડ, સાત-બારના ઉતારા તેમજ બેન્કની પાસબુક જેવા પુરાવા હોવા જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.