ભાસ્કર વિશેષ:સગર્ભા બનતા ખુશ થયેલી દેરાણીને જેઠાણીએ કહ્યું, ‘મારા પેટમાં પણ તારા પતિનું જ બાળક ઉછરી રહ્યું છે’

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં ત્રણ માસથી માવતરે રહેતી સગર્ભાએ રાજુલા રહેતા સાસરિયાઓ સામે કરી ફરિયાદ

પતિ સહિતના સાસરિયાઓએ વધુ એક પરિણીતા પર અત્યાચાર ગુજારતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. રેલનગર, કૃષ્ણકુંજમાં છેલ્લા ત્રણ મહિનાથી માવતરે રહેતી સગર્ભા જિંકલ નામની પરિણીતાએ રાજુલા રહેતા પતિ પરેશ, સસરા અજયભાઇ ધીરજભાઇ જગડા, સાસુ સોનલબેન, જેઠ ઘનશ્યામભાઇ, જેઠાણી અંજલિબેન સામે ફરિયાદ નોંધાવી છે.

ગ્રેજ્યુએટ જિંકલની ફરિયાદ મુજબ, રાજુલામાં જ્વેલર્સનો શો રૂમ ધરાવતા પરેશ સાથે તેના લગ્ન એક વર્ષ પહેલા થયા છે. લગ્ન બાદ આઠ મહિના સુધી પતિ અને સાસરિયાઓ સરખી રીતે સાચવ્યા બાદ પતિ યેનકેન પ્રકારે પોતાની સાથે ઝઘડા કરતા હતા અને સાસરિયાઓ પોતાની સાથે અસભ્ય વર્તન કરતા હતા. પતિ પોતાને સરખી રીતે રાખતા ન હોય આ મુદ્દે સસરાને વાત કરતા તેઓ કહેતા કે, તારે પિયરમાં ફોન નહિ કરવાનો, ઘરમાં કંઇ લેવું કરવું હોય તો પહેલા મને જ કહેવાનું તેમ કહી ધમકાવતા રહેતા હતા.

સાસુને પણ પતિની ફરિયાદ કરતા તેઓ પરેશનું ઉપરાણું લઇ મારો દીકરો જેમ કહે તેમ કરવું પડશે નહિતર તું તારા પિતાના ઘરે જતી રહે. જેઠ પણ સાસુ સાથે સૂર પુરાવી તું એક સ્ત્રી છો, એટલે તારે સ્ત્રીની જેમ જ રહેવાનું તેમ કહી ગાળો ભાંડતા રહેતા હતા. દરમિયાન પતિને જેઠાણી અંજલિબેન સાથે આડાસંબંધ હોવાની ખબર પડતા બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ બંને લાજવાને બદલે પોતાના પર ગાજવા લાગી ઝઘડો કર્યો હતો. ત્યારે જેઠાણી અંજલિબેને પતિને કહ્યું કે, મારા પેટમાં પણ તારું બાળક છે, જેથી મને અને મારા બાળકની દેખરેખ રાખવાની તારી જવાબદારી છે, જિંકલ આપણા વચ્ચે ક્યાંય આડી આવવી જોઇએ નહીં તેમ કહી પતિને ચડામણી કરતા હતા. પોતે પણ સગર્ભા હોય પતિ પોતાના પર આક્ષેપો કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. અંતે પતિ-જેઠાણી સંબંધથી કંટાળી પોતે પિયર આવી ગઇ હતી.

મધ્યસ્થી કરનારને પણ અજાણ્યા નંબર પરથી ધમકી
પરિણીતાની ફરિયાદમાં વધુ જણાવ્યા મુજબ, પિતાએ ધર્મની બહેન બનાવેલા રૂપલબેન મહેતા મારા અને સાસરિયાઓ વચ્ચે ચાલતી ઘરેલું બાબતમાં સાથે રહ્યા છે. આ વાતની સાસરિયાઓને જાણ થઇ હતી. ત્યારે રૂપલબેનને મોબાઇલમાં વીઆઇપી નંબર પરથી કોલ આવ્યો હતો અને સામે વાળી વ્યક્તિએ તેનું નામ જણાવ્યા વગર તમે આ જિંકલ અને પરેશની મેટરમાંથી નીકળી જાવ, તમારા માટે સારું રહેશે તેવી ગર્ભિત ધમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...