આપઘાત રોકવા નવી પહેલ:સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનનો ‘જીવન ઉજાસ’ કાર્યક્રમ, 21 દિવસ શાળા-કોલેજોમાં જઈ છાત્રોની સમસ્યાઓનું કાઉન્સેલિંગ કરશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓની અંદર હકારાત્મકતા કેમ લાવવી તેવા પ્રયાસો કરાશે - Divya Bhaskar
વિદ્યાર્થીઓની અંદર હકારાત્મકતા કેમ લાવવી તેવા પ્રયાસો કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજથી ‘જીવન ઉજાસ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં વધતા જતાં આપઘાતના બનાવોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા આપઘાત નિવારવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓમાં વધતા આપઘાતના કારણોના ઉકેલ માટે ’જીવન ઉજાસ કાઉન્સેલિંગ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 21 દિવસ સુધી શાળા-કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું કાઉન્સેલિંગ કરશે.

1 હજાર વિદ્યાર્થીઓને હકારાત્મક જીવન શૈલી શીખવવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શરૂ કરાયેલ જીવન ઉજાસ કાર્યક્રમમા પહેલા દિવસે 1000થી વધુ વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક જુદી જુદી 18 પદ્ધતિ થકી હકારાત્મક જીવન શૈલી શીખવવામાં આવી હતી. આજથી શરૂ કરાયેલો આ કાર્યક્રમ સતત 21 દિવસ સુધી ચાલુ રાખી જુદી જુદી શાળા-કોલેજોમાં ચલાવવામાં આવશે. જેમાં મનોવિજ્ઞાન ભવનના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ અને MAના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માટે અગાઉ અનેક શાળામાં જઇ વિદ્યાર્થીઓ પાસેથી પ્રશ્નો મંગાવ્યા હતા. જેના પરથી નક્કી કરી એક તારણ શોધી વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે તૈયારી કરી છે. આજથી 21 દિવસમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને આત્મહત્યા તરફ ન ધકેલાય તે જ મુખ્ય ઉદ્દેશ્ય સાથે મનોવિજ્ઞાન ભવન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને માનસિક વ્યાધિઓમાંથી મુક્તિ અપાવશે
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ પછીના સમયમાં વિદ્યાર્થીઓમાં વધતું જતું આપઘાતનું પ્રમાણ વાલી જગત અને શૈક્ષણિક સંસ્થાઓ માટે એક પડકારરૂપ સમસ્યા બની છે. તેના નિવારણ માટે સમસ્યાના મૂળ સુધી પહોંચવું ખૂબ જરૂરી બની જાય છે. વિદ્યાર્થીઓ અત્યારે નકારાત્મક વિચારો, નિરાશા, લાગણીની સમસ્યાઓ, એકાગ્રતાનો અભાવ અને હતાશાને લીધે પોતાની અમૂલ્ય જિંદગીને ટૂંકાવી નાખવાની હદ સુધી પહોંચી જાય છે. આવા સમયે વાલીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના મનને સમજી શકે તેવા મનોવૈજ્ઞાનિકો સાથે મળીને પ્રયત્ન કરી આ સમસ્યાને નિવારવાના ઉપાયો શોધવા જરૂરી છે. ’જીવન ઉજાસ કાઉન્સેલિંગ કાર્યક્રમ’ ચોક્કસપણે વિદ્યાર્થીઓને તેમની માનસિક વ્યાધિઓમાંથી મુક્તિ અપાવશે તેવો મને વિશ્વાસ છે.

મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી કાઉન્સેલિંગ કરી રહ્યા છે.
મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી કાઉન્સેલિંગ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓની અંદર હકારાત્મકતા કેમ લાવવી તેવા પ્રયાસો કરાશે
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, જીવન ઉજાસ કાર્યક્રમ અંતર્ગત મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ જે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ક્લિનિક કાઉન્સેલિંગના વિદ્યાર્થીઓ છે તે જુદા જુદા 18 જે ટેકનિક છે તેનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓની અંદર એક પ્રકારના હકારાત્મક વિચારો લાવશે. જેમાં ખાસ કરીને ચક્રોની અસર, મુદ્રાઓની અસર, મ્યુઝિક થેરાપી અસર, યોગાસનોની અસર, ખોરાકની અસર, આમ જુદા જુદા પ્રકારની જે ભારતીય પરંપરા પ્રમાણેની અસરો છે એ અસરો પ્રમાણે એ વિદ્યાર્થીઓની અંદર એ હકારાત્મકતા કેમ લાવવી એ માટેના પ્રયાસો મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કરી રહ્યા છે.

મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ 10 દિવસથી મહેનત કરતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લગભગ છેલ્લા દસેક દિવસથી વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હતા અને આ તૈયારીની અંદર વિદ્યાર્થીઓએ ખૂબ તનતોડ મહેનત કરેલી છે. બધા જ વિદ્યાર્થીઓની અંદર નવજાગૃતિ આવે અને આપઘાત જેવા વિચારો ન આવે એ માટેના આ પ્રયાસો છે. તેમજ પાયામાંથી ખાસ કરીને જે હતાશા અને સંઘર્ષોને દૂર કરવામાં આવશે. આવા બાળકો આગળ આપઘાતના વિચાર તરફ નહીં જાય જે મનોવૈજ્ઞાનિક અસરો છે એ અસરો પ્રમાણે તેને ઉપચાર કરવાનો પ્રયાસ મનોવૈજ્ઞાનિક ભવન કરી રહ્યું છે.

સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓને પુરૂ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓને પુરૂ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

માતા-પિતા ખૂબ સ્ટ્રીક અને બેજવાબદારીભર્યું પાલનપોષણ કરે છે
ખાસ કરીને આપઘાત કરવાના વિચારો જે બાળકોની અંદર આવે છે, જે પેરેન્ટિંગ સ્ટાઇલની ખામી, વધારે પડતા બાળકનું લાલન પાલન કરે છે એ પણ એક પ્રકારની ખામી છે. કેટલાક માતા-પિતા ખૂબ સ્ટ્રીક અને બેજવાબદારીભર્યું પાલનપોષણ કરે છે, આ બે બાબતો અસર કરે છે અને બીજી અસર જે છે એ ધીરજની ખામી. આજનું બાળક જે છે એ ધીરજ અને સહનશક્તિ ભૂલી ગયું છે. નાની નાની વાતમાં પણ અહમનો પ્રોબ્લેમ આવી જાય છે અને ઇન્સ્ટન્ટ જે બાબતો જોઈએ છે જે ફાસ્ટ કોમ્યુનિકેશન જોઈએ એની માનસિકતામાં જે સુધારો લાવવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...