દર્દીના ખબર અંતર પૂછ્યા:રાજકોટ સિવિલમાં ડિસ્ચાર્જ થયેલા કોરોનાના રિક્ષામાં બેઠેલા દર્દીને જીતુ વાઘાણીએ પૂછ્યું-કેવી લાગી સારવાર, દર્દીએ કહ્યું- સંતોષજનક

રાજકોટ5 મહિનો પહેલા
ડિસ્ચાર્જ થયેલા દર્દી ઘરે જતો હતો અને જીતુ વાઘાણીએ રિક્ષામાં ખબરઅંતર પૂછ્યા.
  • જીતુ વાઘાણીએ રાજકોટ જિલ્લાની કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી

કોરોનાના કેસ વધતા આજે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી આવ્યા છે. તેઓએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. બાદમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન જામનગર રોડ પરના પરા પીપળિયાના દર્દીને 3 દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સારૂ થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યારે રિક્ષામાં ઘરે જઇ રહ્યા ત્યારે જીતુ વાઘાણીએ તેને રિક્ષામાં જ તેના ખબર અંતર પૂછ્યા હતા સારવાર સંતોષજનક લાગી તો દર્દીએ કહ્યું હા સિવિલની સારવાર સંતોષજનક છે.

સિવિલ હોસ્પિટલનો અનુભવ બહુ સારો રહ્યોઃ દર્દી
આ અંગે હસરતખાન પઠાણે જણાવ્યું હતું કે, મંત્રી જીતુભાઈ વાઘાણીએ મને પૂછ્ય કે, સિવિલ હોસ્પિટલની ટ્રીટમેન્ટ અને અંદરનું કામકાજ કેવું છે? આથી મે જવાબમાં કહ્યું કે, સિવિલની ટ્રીટમેન્ટ ઉત્તમ છે અને મજા આવી, કામગીરી સારી છે. મારો કોરોનાનો રિપોર્ટ 3 દિવસ પહેલા પોઝિટિવ આવ્યો એટલે દાખલ થયો હતો. ધીમે ધીમે સારવાર ચાલુ થઇ અને સારૂ થઇ ગયું, આજે મને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. લોકોને અપીલ છે કે, ધ્યાન રાખો તમારા માટે નહીં તો તમારા પરિવાર માટે તો ધ્યાન રાખો. સિવિલ હોસ્પિટલનો અનુભવ બહુ સારો રહ્યો.

જીતુ વાઘાણીએ દર્દીને પ્રણામ કર્યા.
જીતુ વાઘાણીએ દર્દીને પ્રણામ કર્યા.

વેક્સિનેશનનો વ્યાપ વધારવા આરોગ્ય વિભાગને આદેશ
જીતુ વાઘાણી અને અરવિંદ રૈયાણીએ રાજકોટ જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી બાબતોના કેબિનેટ મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણીએ રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધવાની પરિસ્થિતિમાં સરકારી તંત્રની સજ્જતા વિશે સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ કોરોનાનો સામનો કરવા માટે વેક્સિનેશનનો વ્યાપ વધારવા આરોગ્ય તંત્રને જરૂરી આદેશો કર્યા હતા.

દર્દીો ત્રણ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
દર્દીો ત્રણ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જીતુ વાઘાણીએ પી.ડી.યુ. હોસ્પિટલની મુલાકાત લીધી
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટેની રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની તમામ કામગીરીથીથી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને વાકેફ કર્યા હતા. રાજકોટ શહેરની કોરોના સંબંધિત પરિસ્થિતિથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને રાજકોટ ગ્રામ્યની પરિસ્થિતિથી જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ મંત્રી વાઘાણીને માહિતગાર કર્યા હતા. બંને મંત્રીઓએ જાહેર જનતાને કોરોનાની પરિસ્થિતિથી ગભરાયા વગર પૂરતી સાવચેતી રાખવા અને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો હતો. બંને મંત્રીઓ તથા અધિકારીગણે પી.ડી.યુ. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

વહીવટી તંત્ર પ્રતિદિન 7000 ટેસ્ટ કરવાની તૈયારી દર્શાવી
સમીક્ષા બેઠકમાં રજૂ કરાયેલી માહિતી મુજબ જિલ્લા વહીવટીતંત્રએ પ્રતિદિન 7000 ટેસ્ટ કરવાની તૈયારી રાખી છે. જરૂર પડ્યે વધારાના 2000 ટેસ્ટ પ્રતિદિન વધારવાની ક્ષમતા પણ જિલ્લા વહીવટી તંત્રની છે. કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પી.ડી.યુ. મેડિકલ હોસ્પિટલ સહિત કુલ 165 આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં 8320 બેડ, 600 વેન્ટિલેટર, 574 એમ્બ્યુલન્સ ખડેપગે તૈયાર રાખવામાં આવી છે. ઓક્સિજનની 24 ટેન્ક તૈનાત કરવામાં આવી છે, જેની ક્ષમતા 15.6 મેટ્રિક ટન છે.

સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓની જાણકારી મેળવી હતી.
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓની જાણકારી મેળવી હતી.

100 ધન્વંતરી રથ અને 30 સંજીવની રથ દોડી રહ્યા છે
રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા વધારે સંક્રમણની શક્યતાવાળા હોટસ્પોટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે વધારવામાં આવી રહ્યા છે. હોમ આઇસોલેશનના દર્દીઓને ઈ-સંજીવની દ્વારા દરરોજ એક વખત ફોન મારફતે તબિયતની દેખરેખ રાખવામાં આવે છે. જિલ્લા તથા શહેરમાં 100 ધન્વંતરી રથ અને 30 સંજીવની રથ ભ્રમણ કરી રહ્યા છે. હેલ્પલાઇન નંબર ઉપર અંદાજે રોજના 90થી વધુ ફોન કોલ આવી રહ્યા છે, જેમને જરૂરિયાત મુજબ સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...