સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બનેલા જેતપુર તાલુકાના જેતલસર પંથકના સૃષ્ટિ રૈયાણી મર્ડર કેસમાં 722 દિવસ બાદ જેતપુર સેશન્સ કોર્ટે અભૂતપૂર્વ કહી શકાય એમ રાત્રિના 12 વાગ્યે ચુકાદો આપ્યો હતો અને ન્યાયાધીશે સગીરા પર છરીના 36 ઘા મારનાર એકતરફી પ્રેમી જયેશને દોષિત જાહેર કર્યો હતો. 10 માર્ચના રોજ તેની સજા જાહેર કરવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે ચુકાદો જાહેર થયો ત્યાં સુધી ફરિયાદ પક્ષના સમર્થકોથી કોર્ટમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી.
શું છે સમગ્ર બનાવ
જેતલસર ગામે રહેતો જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના યુવાન ગામની સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી નામની તરુણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો, જેથી તેને પામવા માટે વારે વારે પ્રયાસો કરતો હતો. અને સૃષ્ટિ ધોરણ 11માં જેતપુરમાં અભ્યાસ કરતી હતી. ત્યાં તે તેની પાછળ પાછળ જતો. એમાં ગત તારીખ 16 માર્ચ 2021ના રોજ તરુણીના પિતા કિશોરભાઈ અને માતા શીતલબેન ખેતમજૂરીએ ગયાં હતાં. ત્યારે બપોરના સમયે મોકો જોઇ ઘરમાં ઘૂસી તરુણીને લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ તરુણીએ જયેશને તાબે થઈ ન હતી.
મારી નહિ તો કોઈની નહિ
ઉશ્કેરાઈ ગયેલા જ્યેશે તરુણીને પ્રથમ ઢોરમાર માર્યો હતો. તેમ છતાં તે એકની બે ન થઈ અને લગ્ન માટે ના જ પાડતી રહી. અંતે, 'મારી નહિ તો કોઈની નહિ' એવા આશય સાથે શેતાન બની ગયેલા જયેશે પડઘામાંથી છરી કાઢી એક નહિ, બે નહિ, પરંતુ 32 જેટલા ઘા મારી આખી વીંધી નાખી. આ દરમિયાન ઘરમાં હાજર સગીર ભાઈ હર્ષ બેનને લોહીલુહાણ હાલતમાં કણસતી જોતા બચાવવા વચ્ચે પડ્યો, પરંતુ જેના પર શેતાન સવાર થયો હતો તે જ્યેશે હર્ષને પણ છરીના ઘા માર્યા હતા. મરણોતલ ઇજાથી તડપતી બેન ભાઈને બચાવવા વચ્ચે પડતાં જ્યેશે સૃષ્ટિને વધુ ચાર છરીના ઘા મારી દેતાં તેને છરીના કુલ 36 ઘા લાગ્યા હોવાથી ત્યાં જ ઢળી પડી.
હર્ષ પાડોશીના ઘરની બહાર ફસડાઈ પડ્યો
આ બાજુ લોહીલુહાણ થઈ ગયેલી સગીર હર્ષ પોતાના જીવ બચાવવા શેરીમાં ભાગતાં જ્યેશે તેને વધુ ઘા મારી દેતાં 8 જેટલા ઘાથી હર્ષ પાડોશીના ઘરની બહાર ફસડાઈ પડ્યો હતો. આમ, આખી શેરીમાં લોહીની નદી વહેતી હોય એવું દૃશ્ય સર્જાઈ ગયું અને બંને ભાઈ-બેન લોહીથી લથબથ જમીન પર પડેલાં જોઈ જયેશ હાથમાં લોહી નીતરતી છરી સાથે આરામથી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
હર્ષ લોહી નીતરતી હાલતમાં કણસતો હતો
નાનાએવા ગામમાં બપોરના સમયે ખૂની ખેલ ખેલાતાં થોડીવારમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને સૃષ્ટિનાં માતા-પિતાને પણ જાણ કરાતા તેઓ તરત જ ઘરે પહોંચતાં સૃષ્ટિ નિર્જીવ બની ચૂકી હતી. જ્યારે હર્ષ લોહી નીતરતી હાલતમાં કણસતો હોવાથી સૃષ્ટિને પીએમ માટે અને હર્ષને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયાં હતાં. હર્ષને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ આરોપી જયેશ ઝડપાઈ જતાં પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કર્યો હતો.
હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા
બીજી તરફ, તરુણીની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. એ સમયે MLA જયેશ રાદડિયા, ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ, તત્કાલીન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, એનસીપીનાં રેશમા પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓએ સ્વર્ગસ્થ તરુણીના પરિવારની મુલાકાત લઈ અને સરકાર આ બનાવમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરી કેસ ફાસ્ટટ્રેકમાં ચલાવે એવી માગ કરી હતી. આ કેસમાં પાટીલ દ્વારા ન્યાય મેળવવામાં સરકાર તમામ પ્રકારની મદદ કરશે એવી બાંયધરી આપવામાં આવી હતી.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી
આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી અને તેના વડા તરીકે તત્કાલીન એલસીબી પીઆઇ અજયસિંહ ગોહિલ, જેતપુર તાલુકા પીએસઆઈ પીજે બાંટવા, ધોરાજીનાં મહિલા પીએસઆઇ કદાવલા, એલસીબીના રાઇટર રસિકભાઈ જમોડ, જેતપુર તાલુકા પોલીસના રાઇટર વિજયસિંહ જાડેજા, ગોંડલ પીટીના હરેન્દ્રસિંહ, ઉપલેટા સિટી પોલીસના રાઇટર ભાવેશભાઈ અને મહિલા કોન્સ્ટેબલ રાધિકાબેન અને સરકાર તરફથી કેસ લડવા સ્પેશિયલ સરકારી વકીલ તરીકે જનકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
200 પેજની ચાર્જશીટ બની
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસના અંતે 200 પેજની આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી અને બે વર્ષ ચાલેલા આ કેસમાં 51 સાક્ષીઓને તપસ્યા બાદ આજે સેશન્સ કોર્ટના જજ આર.આર.ચૌધરીએ આરોપીને તમામ કલમ હેઠળ દોષિત જાહેર કર્યો અને તેને સજા 10 માર્ચે સંભળાવશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.