ચૂંટણીની કામગીરીમાંથી પરવારીને હાશકારો અનુભવતી પોલીસની ઠંડી ઉડાડવા અને દોડતી જ રાખવાનું તસ્કરોએ નક્કી કરી લીધું હોય એમ ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે જ ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવી હતી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જ્વેલરી શોપમાં ત્રણ મહિલા આવી હતી અને તેમણે નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મુદ્દે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એ બાદ પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં જ એક મહિલાને ઝડપી લીધી હતી. જ્યારે અન્ય બે મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે.
...એટલે તફડંચીની ખબર પડી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણના ચીતલિયા રોડ પર આવેલી એક જ્વેલર્સ શોપમાંથી દાગીના ખરીદવાના બહાને આવેલી ત્રણ મહિલા ‘કારીગરી’ કરી ગઈ હતી. માલિકની નજર ચૂકવીને સોનાની બે બૂટી, જેની કિંમત 35,000 આસપાસ થવા જાય છે, તે ચોરી ગઇ હતી. મહિલાઓ નીકળી ગયા પછી માલિકને આ તફડંચીની ખબર પડી હતી અને તેમણે CCTV ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ત્રણ મહિલા ચોરી કરતી સ્પષ્ટ દેખાતાં આ અંગે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી હતી, જ્યારે તેમની અન્ય બે સાગરીતની શોધખોળ આરંભાઈ છે.
સોનાની બે બૂટીની ચોરી કરી
જસદણમાં ચીતલિયા રોડ પર અવસર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઈ વઘાસિયાએ ત્રણ અજાણી મહિલા સામે જસદણ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણેય મહિલા ગ્રાહક બની દુકાનમાં આવી અલગ-અલગ દાગીના જોવા માગી ફરિયાદીની નજર ચૂકવી સોનાની બૂટી નંગ-2 કિં.રૂ.35,000 ચોરી કરી ગઈ હતી. દરમિયાન આ ફરિયાદ બાદ જસદણના PI પી.બી.જાની તથા ASI ભૂરાભાઈ માલીવાડે CCTV ફૂટેજના આધારે તપાસ કરી સોનાના દાગીના ચોરનારી સવિતા હકાભાઇ ભોજવિયાને ઝડપી લીધી હતી, જ્યારે અન્ય બે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ઓઈલ મિલમાં રૂ.1.30 લાખની ચોરી
જસદણમાં જાણે તસ્કરો બેફામ બન્યા હોય એમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. આજથી 19 દિવસ પહેલાં મોડી રાત્રિના બે અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ વીરનગર ગામે આવેલી મહાદેવ ઓઈલ મિલ અને નીલકંઠ ઓઈલ મિલને નિશાન બનાવી હતી, જેમાં બન્ને અજાણ્યા તસ્કરોએ ઓઈલ મિલના શટર તોડી અંદર પ્રવેશી રૂ.1.30 લાખની રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અગાઉ સ્મશાનનો ખાટલો ચોરાયો હતો. ચોરીના બનાવ વધતાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો નથી
નોંધનીય છે કે જસદણ તાલુકાના વીરનગર ગામે છેલ્લા 2 મહિનામાં 6 ચોરીના બનાવો બની ચૂક્યા છે. જોકે આ ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં છાશવારે ચોરીના બનાવો બની રહ્યા હોવાથી સ્થાનિક પોલીસતંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. આ ગામમાં દિન- પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે છતાં સ્થાનિક પોલીસતંત્ર દ્વારા આજદિન સુધીમાં એકપણ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો નથી.
બે જ મિનિટમાં ATMનું મશીન ખોલી નાખ્યું
નોંધનીય છે કે આજથી 3 મહિના પહેલાં જસદણમાં જ ATMમાં ચોરી થવાની ઘટના સામે આવી હતી. જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ ખોલી એમાંથી અજાણ્યા 3 શખસોએ રૂ.17.33 લાખની રોકડ ચોરી કરી લીધી હતી, જેમાં ત્રણ શખસમાંથી એકે તો માત્ર બે જ મિનિટમાં ATMનું મશીન ખોલી નાખ્યું હતું અને 17.33 લાખની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને જેને જોઈ તમે પણ દંગ રહી જશો અને સવાલ થશે કે ગઠિયાએ કેવી રીતે પળવારમાં મશીન ખોલ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.