તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:જસદણ, પડધરી અને લોધિકામાં ભારે પવન-ગાજવીજ સાથે વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી, વલસાડમાં 3 કલાકમાં 3 ઈંચ

3 મહિનો પહેલા
ગોંડલના મોટાદડવામાં ધોધમાર વરસાદ.
  • લોધિકામાં દોઢ, જસદણમાં એક, ધોરાજીમાં પોણો અને કોટડાસાંગાણીમાં એક ઇંચ વરસાદ નોંધાયો

રાજકોટ જિલ્લામાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધીકા, પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વલસાડ શહેરમાં 3 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત આજે રાજકોટ શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને પગલે શહેરના અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી.

સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ
રાજકોટ જિલ્લામાં આજે બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. જેમાં લોધીકામાં 1 ઇંચ, જસદણમાં 7 મિમી, ધોરાજીમાં પોણો ઇંચ અને કોટડાસાંગાણીમાં 0.5 ઇંચ સહીત રાજકોટ જિલ્લામાં કુલ 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

પડધરીમાં ધોધમાર વરસાદ.
પડધરીમાં ધોધમાર વરસાદ.

વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા
સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા. મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

લોધિકામાં ધોધમાર વરસાદ.
લોધિકામાં ધોધમાર વરસાદ.

રાજકોટ અને સરધારમાં ઝાપટા વરસ્યા
રાજકોટના મોરબી રોડ, આજીડેમ, ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ ભીના થયા હતા. જ્યારે સરધારમાં વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા છે. તેમજ વાદળછાયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે. આજે સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ગોંડલના મોટાદડવામાં ધોધમાર વરસાદ
ગોંડલના મોટા દડવામાં પણ ધોધમાર વરસાદ વરસતા શેરીઓ પાણી પાણી થઇ ગઈ હતી. આખો દિવસ અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. પરંતુ બપોર બાદ ધોધમાર વરસાદથી વાતાવરણ ઠંડુ થઈ જતા લોકોએ ગરમીમાંથી રાહત મળી ગઈ છે.

(બ્રિજેશ વેગડા, મોટાદડવા)

વલસાડ શહેરમાં 3 કલાકમાં 3 ઈંચ વરસાદ
વલસાડ શહેરમાં આજે મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી. શહેરમાં 3 કલાકમાં 3 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.શહેર ના મોગરવાડી વિસ્તારમાં જતા અંદરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ 4 થી 5 કિલોમીટર નો ચકરાવો કરી પોતાના ઘરે જવું પડી રહયું છે. દર વર્ષે પાણી ભરાઈ જતું હોવાને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.વલસાડ શહેર ઉપરાંત જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી છે.

વલસાડના ગરનાળામાં ગોઠણડૂબ પાણી ભરાયા
વલસાડના ગરનાળામાં ગોઠણડૂબ પાણી ભરાયા

ભાવનગરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તળાજા, અલંગ અને ગ્રામ્ય વિસ્તારમાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી વાદળો વરસાદી માહોલ જામ્યો હતો, ભાવનગરમાં શહેરમાં આજે સવારથી જ અસહ્ય બફારો વચ્ચે ઢળતી સાંજે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને રોડ પર પાણી ફરી વળ્યાં હતા. તળાજા તાલુકામાં આવેલ અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડયો હતો તળાજા ના અલંગ, મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો તો બીજી તરફ મહુવા તાલુકાના દરિયા કિનારે આવેલ ગામોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાં ઓ વરસી રહ્યાં હોવાના વાવડ મળી રહ્યાં છે.

ભાવનગરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
ભાવનગરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

કચ્છના વાગડ પંથકમાં ભારે પવન સાથે વરસાદ
કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં આજે બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાપર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં તો ભારે પવનના કારણે લોકોના ઘરના છાપરા ઉડ્યા હતા.આજે ગુરુવારે મધ્યાહને બપોરના 2 વાગ્યાથી ભચાઉ તાલુકાની ઉત્તર દિશાએ આવેલા ખારોઇ, ચોબારી, મનફરા અને કણખોઈ સહિતના વિસ્તારમાં મેઘમહેર થતા ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. જેના પગલે જગતના તાત એવા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે.

કચ્છમાં ભારે પવનના કારણે મકાનના છાપરા ઉડ્યા
કચ્છમાં ભારે પવનના કારણે મકાનના છાપરા ઉડ્યા