વીડિયો વાઈરલ:જસદણમાં ચાર યુવાનો જાહેરમાં દારૂ ઢીંચીને ફિલ્મી ગીત પર ઝૂમ્યા, એકબીજા પર દારૂ ઉડાડ્યો, એકની અટકાયત

રાજકોટ22 દિવસ પહેલા
દારૂની મહેફિલનો તમાશો

એક તરફ સમગ્ર સૌરાષ્ટ્ર બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડથી સ્તબ્ધ છે જ્યારે બીજી તરફ જસદણમાં જાણે દારૂબંધી છે જ નહીં તેમ ચાર યુવાનોએ જાહેરમાં દારૂની મહેફિલ માણી હતી. આ વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે. આ વીડિયોમાં ચારેય યુવક એકબીજા ઉપર દારૂ ઢોળી રહ્યા હતા અને દારૂ ગટગટાવીને ફિલ્મી ગીત ઉપર ડાન્સ કરી ઝૂમી રહ્યા હતા. જ્યારે એક યુવાન આ તમાશાનો વીડિયો ઉતારતો હતો. આ દારૂની મહેફિલ દરમિયાન નાના બાળકો પણ પાછળ ઊભા હતા અને આ દારૂની મહેફિલનો તમાશો જોતા હોવાનું પણ વીડિયોમાં જોવા મળ્યું હતું. વીડિયોમાં દેખાતા એક શખસની અટકાયત કરવામાં આવી છે.

વીડિયોમાં દેખાતા 4 યુવાનોની ઓળખ થઈ, એકની અટકાયત
પોલીસે સામાજિક સોર્સથી ખાનગી રાહે હકિકત મેળવી વીડિયોમાં 4 શખસ દેખાય છે. તેમાં રાહુલ મનોજભાઇ સોલંકી (ઉં.વ. 23 રહે, મફતીયાપરા, પશુ દવાખાનાની પાસે, જસદણ)ની અટકાયત કરી પૂછપરછ કરતા વીડિયો આજથી ત્રણેક મહિના પહેલા રાહુલે તથા તેના મિત્ર હાર્દિક ધીરૂભાઇ કુકડીયા (રહે, જસદણ), કેવલ બ્રાહ્મણ (રહે, આંબરડી) અને હાર્દીકનો મિત્ર એમ ચારેય જણાયે સાથે મળીને જસદણ મફતીયાપરામાં હાર્દીકના ઘર પાસે ઉતાર્યો હતો. આ અંગે તપાસ કરી ચાર પૈકી એકની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બાકીના ત્રણનીની શોધખોળ ચાલુ હોય તેઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે તપાસ શરૂ કરી
આ વીડિયો જસદણના મફતિયાપરા વિસ્તારનો હોવાનું અને આ વીડિયો અંદાજે ત્રણ મહિના પહેલાનો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં આ દારૂની જાહેરમાં મહેફિલ થઈ હતી તે જસદણ પોલીસ સ્ટેશન સામેનો જ વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે હાલ જિલ્લા પોલીસ વડાએ ધરપકડના આદેશ આપ્યા છે. અને દારૂબંધીના ધજીયા ઉડાવતા આ વીડિયોમાં દેખાતા યુવાનો કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે એકની અટકાયત કરતા ચારેય યુવાનોની ઓળખ થઈ ગઈ છે.

પોલીસની નાક નીચે ચાલતા દારૂના અડ્ડા
પોલીસની નાક નીચે ચાલતા દારૂના અડ્ડા

..તો રાજકોટમાં લઠ્ઠાકાંડ સર્જાશે
નોંધનીય છે કે ગઈકાલે પણ રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશનથી નજીક આવેલા કુબલિયા પરામાં વિસ્તારમાં દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં પોલીસના ભય વગર દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા હતા. અને ત્યાં હજ્જારો લીટર દેશી દારૂ પણ મળી આવ્યું હતું.દિવ્યભાસ્કરની ટીમ ઘટના સ્થળે પહોંચતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને પોલીસની નાક નીચે ચાલતા દારૂના અડ્ડાનો ભાંડો ફૂટી જતા હવે પોલીસ પોતાની આબરૂ બચાવવા મથી રહી હોય તેમ દેશી દારૂના હાટડાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. ત્યારે જો રાજકોટમાં દેશી દારૂનું વેચાણ અટકાવવામાં નહીં આવે તો બોટાદના રોજિદ ગામની જેમ લઠ્ઠાકાંડ સર્જાવવાની શક્યતા છે.

(દિપક રવિયા,જસદણ)

અન્ય સમાચારો પણ છે...