તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘નંદ ઘેર આનંદ ભયો’:રાજકોટમાં જન્માષ્ટમીએ 200 લોકો સાથે શોભાયાત્રા નીકળશે, મુખ્ય રથની સાથે માત્ર 4 વાહનને જ મંજૂરી, મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ

રાજકોટએક મહિનો પહેલા
શોભાયાત્રાનું રૂટ.
  • ગાઇડલાઇન મુજબ રાજકોટમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવવાની તૈયારી લોકોએ શરૂ કરી દીધી

છેલ્લા 35થી વધુ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના દિવસે રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળે છે. ગત વર્ષે કોરોનાના કારણે શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નહોતી. પરંતુ આ વર્ષે પોલીસ પાસે મંજૂરી માગતા રાજકોટ પોલીસ કમિશનરે જન્માષ્ટમીની શોભાયાત્રાને લઇને જાહેરનામું બહાર પાડી મંજૂરી આપી છે. જેમાં 200 લોકો સાથે શોભાયાત્રા નીકળશે અને મુખ્ય રથની સાથે માત્ર 4 વાહનને જ મંજૂરી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સની તકેદારી સાથે શોભાયાત્રા નીકળશે. શહેરના વિવિધ વિસ્તારોમાં કૃષ્ણ જન્મની ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ.

રાજકોટને ગોકુળ નગરી બનાવવા તૈયારી શરૂ
કોરોના મહામારીની બીજી લહેર બાદ રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ રાજકોટમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવવાની તૈયારી લોકોએ શરૂ કરી દીધી છે. શહેરના મુખ્ય ચોકો તેમજ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવને લગતા જુદા-જુદા ફ્લોટ્સ તૈયાર થવા લાગ્યા છે. જેમાં કૃષ્ણની જુદી-જુદી લીલાઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય ચોક ઉપર ધ્વજા-પતાકા બાંધવાની કામગીરી પણ ભાવિકોએ શરૂ કરી દીધી છે.

2019માં નીકળેલી શોભાયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ.
2019માં નીકળેલી શોભાયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ.

1237 પોલીસ જવાનો ખડેપગે રહેશે
શોભાયાત્રાને લઇને ડીસીપી 2, એસીપી 8, PI 15, PSI 42, મહિલા PSI 8, પોલીસ જવાનો 441, મહિલા પોલીસ 122, એસ.આર.પી. કંપની 1 કંપની 2 પ્લાટુન(77 જવાનો), બી.ડી.ડી.એસ.ની ટીમ-2(14), હોમગાર્ડ-162 અને ટીઆરબી 331 સાથે કુલ 1237 પોલીસ ફોર્સથી પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. સરકારની ગાઇડલાઇન મુજબ શોભાયાત્રામાં 200થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. આથી આમ પ્રજાજનોએ શોભાયાત્રામાં જોડાવું નહીં અને બહારથી જ શોભાયાત્રાના દર્શન કરવાના રહેશે.

શોભાયાત્રાનો રૂટ
આ શોભાયાત્રા સવારે 8.30 વાગ્યે કિશાનપરા ચોક, જુની કેન્સર હોસ્પિટલની દિવાલ પાસેથી શરૂ થશે. અને જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી.એસ. ટી પોઇન્ટ, ત્રીકોણ બાગ, માલવીયા ચોક, લોધાવાડ ચોક, ભુતખાના ચોક, કેનાલ રોડ, બોમ્બે આર્યન ચોક, જિલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા જુની જેલ ચોક, ચુનારાવાડ ચોક, ડીલક્સ ચોક, કે.ડી. ચોક, બાલકદાસજી હનુમાન ચોકથી પારૂલ ગાર્ડન ખાતે 12 વાગ્યે પૂર્ણ થશે.

કૃષ્ણોજન્મોત્સવની તૈયારી.
કૃષ્ણોજન્મોત્સવની તૈયારી.

પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું
કોરોનાની ત્રીજી લહેરની અસર આગામી તહેવારો પર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જે જાહેરનામાનો જન્માષ્ટમી તેમજ ગણેશ મહોત્સવ એટલે કે તા.28-8થી તા.15-9 સુધી અમલમાં રહેશે. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં આગામી 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે. શોભાયાત્રામાં માત્ર 200 જ વ્યક્તિ સાથે રહી શકશે. તેમજ મંદિર પરિસરમાં પણ 200 ભાવિકો ઉપસ્થિત રહી શકશે.

ઇસ્કોન મંદિરે જન્માષ્ટમીની ઉજવણી થશે
ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ધૂમધામપૂર્વક તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ કરવામાં આવશે. આ અંગે મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈન મુજબ અમે મંદિરના હોલમાં માત્ર 200 દર્શનાર્થીઓને એક સમયે દર્શન કરવા દેવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે મંદિરમાં સવારે ચાર વાગ્યે મંગળા આરતીથી મંદિરના કાર્યક્રમની શરૂઆત થશે. સવારે આઠ વાગ્યે ભગવાનના ખાસ શ્રૃંગાર દર્શન થશે. સવારે 9 વાગ્યે ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવશે અને સવારે ૯થી રાતના 9 સુધી 56 ભોગ દર્શન દર્શનાર્થીઓ માટે રાખવામાં આવશે.

શહેરના માર્ગો પર આકર્ષક ફ્લોટ્સ મુકવામાં આવ્યા.
શહેરના માર્ગો પર આકર્ષક ફ્લોટ્સ મુકવામાં આવ્યા.

દર્શન કરવા આવતા તમામ ભાવિકોએ માસ્ક પહેરવું ફરજિયાત
દર્શન કરવા આવતા ભાવિકોએ માસ્ક પહેરવું ફરજિયાત તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. જ્યારે રાત્રિના બાર વાગ્યે શહેરના વિવિધ વિસ્તારોમાં કૃષ્ણ જન્મની ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ. જોકે, શહેરમાં આઠમની ભાવભેર ઉજવણી થઇ શકે તે માટે રાત્રિના એક વાગ્યા સુધી લોકોને કર્ફ્યૂમાં મુક્તિ આપવામાં આવી છે.

આ વર્ષે મટકી ફોડના કાર્યક્રમો નહિ યોજી શકાય.
આ વર્ષે મટકી ફોડના કાર્યક્રમો નહિ યોજી શકાય.

ગણેશ મહોત્સવને લઇને CPનું જાહેરનામું
જ્યારે 9 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો હોય તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં બાપ્પાની મૂર્તિ 4 ફૂટ અને ઘરમાં બિરાજતા બાપ્પાની 2 ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકશે. સાર્વજનિક મહોત્સવમાં કોઇ કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહિ. અહીં માત્ર પૂજા, આરતી, પ્રસાદનું વિતરણ કરી શકાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન સમયે માત્ર 15 જ વ્યક્તિઓ રહી શકશે.

અન્ય સમાચારો પણ છે...