રાજકોટીયન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં છેલ્લા 2 વર્ષથી કોરોનાને પગલે વહીવટી તંત્ર દ્વારા રદ કરવામાં આવતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ફરી યોજાશે. આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની મહામારીની નવી લહેર ન આવે તો જ રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. આ અંગે આગામી સમયમાં જ બેઠક આયોજીત કરવામાં આવશે.
વહીવટી તંત્ર કમર કસવા લાગ્યું છે
હવે કોરોના વાઇરસની મહામારી નામશેષ થતા જ જનજીવન ફરી રાબેતા મુજબ ધબકતુ બનેલ છે તેમજ ધંધા-રોજગારની ગાડી પાટા પર ચડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવે આગામી ઓગસ્ટ માસમાં બે વર્ષના સમયગાળા બાદ હવે તા. 17 થી 21 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસનો જન્માષ્ટમીનો લોકમેળો યોજવા માટે વહીવટી તંત્ર કમર કસવા લાગ્યું છે.
રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે
આ અંગે કલેક્ટર અરુણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ આયોજીત કરવામાં આવશે. આગામી સમયમાં આ મેળા માટે તૈયારીઓ શરુ થશે. અહીં એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનાં નગરજનો એ ઉત્સવ પ્રિય છે. અહીં તમામ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં કાઠીયાવાડની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો જન્માષ્ટમીનો લોકમેળો એ અનોખી ભાત પાડી રહ્યો છે.
પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે 2 લાખ લોકોને રોજીરોટી મળે છે
સાતમ-આઠમના તહેવારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. દર વર્ષે રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળાનો પ્રારંભ રાંધણ છઠ્ઠના દિવસે કરવામાં આવતો અને દશમ સુધી એટલે કે પાંચ દિવસ ચાલતો હોય છે. જેમાં રાઈડ્સ, રમકડા, આઇસ્ક્રિમ સહિતના વેપારીઓ સહિત 2 લાખ લોકોને પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળે છે. પાંચ દિવસ સુધી યોજાતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ લોકો મેળો માણવા આવતા હતા.
બે વર્ષ જૂની ફાઈલો પરથી ધૂળ ખંખેરવાનું શરુ
આ મેળાને મલાહવા માટે સૌરાષ્ટ્ર- ગુજરાતભરમાંથી લોકો રાજકોટમાં ઉમટી પડે છે અને હૈયે હૈયુ દળાઇ એટલી માનવ મેદની આ મેળામાં મહાલવા માટે આવે છે. જન્માષ્ટમીનો આ લોકમેળો લોકમેળા ઉત્સવ સમિતિના નેજા હેઠળ વહીવટી તંત્ર દ્વારા આયોજીત કરાય છે. આગામી સમયમાં આ મેળા અંગેની તૈયારીઓનો દોર વહીવટી તંત્રે હાથ પર લઇ પ્રાંત કચેરીઓમાં બે વર્ષ જૂની ફાઈલો પરથી ધૂળ ખંખેરવાનું શરુ કરી લીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.