રાજકોટના ગોંડલ રોડ પર કાઠિયાવાડ બાલાશ્રમના ગેટ પાસે રાખેલ પારણામાં દસ દિવસના બાળકને મૂકીને જનેતા ફરાર થઈ ગઈ હતી. જે અંગે બાલાશ્રમના સ્ટાફને જાણ થતાં બીમાર બાળકને તાત્કાલીક સારવારમાં ખસેડવામાં આવ્યું હતું તેમજ ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી તપાસ હાથ ધરી હતી.
સ્ટાફે બહાર આવી તપાસ કરતા બાળક રડતું હતું
પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે ગોંડલ રોડ પર આવેલ કાઠિયાવાડ બાલાશ્રમના સૂર્યકાંત હોટેલની સામે આવેલ વાલી ગેટ પર રાખવામાં આવેલ પારણામાં કોઈ અજાણી મહિલા દસ દિવસના બાળકને મૂકી એલાર્મ વગાડીને પલાયન થઈ ગઈ હતી. જે બાબતે બાલાશ્રમના સ્ટાફે બહાર આવી તપાસ કરતા બાળક રડતું હતું. અને તે બીમાર હોવાનું માલુમ પડતા તાત્કાલીક સારવારમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બનાવ અંગે ભક્તિનગર પોલિસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને અજાણી માતા વિરુદ્ધ બાળકને તરછોડવા અંગેની કલમ લગાડવામાં આવશે.
અમે યશોદા બનીને ઉછેર કરશું
નોંધનીય છે કે, બાલાશ્રમની બહાર એક પારણું રાખેલ છે. જેમાં ખાસ લખવામાં આવ્યું છે કે ’તમારા બાળકને રસ્તે છોડવા કરતા પારણામાં મુકો અમે તેમનો યશોદા બનીને ઉછેર કરશું’ પરણાની અંદર એક બેલ રાખવામાં આવ્યો છે જે બાળક મુકવા આવે તે બાળકને મૂકી બેલ વગાડે એટલે બાલાશ્રમનો સ્ટાફ આવી બાળકને તાત્કાલીક તબીબી તપાસ માટે લઈ જાય છે અને ત્યારબાદ સમાજ સુરક્ષા, પોલીસ સહિતના સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવે છે.તેમજ ત્રણ માસ બાદ વાલી વારસ અંગે અખબારોમાં જાહેરાત આપવામાં આવે છે. જે બાદ બાળકને દત્તક દેવા અંગેની કામગીરી પણ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.