કરૂણાંતિકા:જન્મ સાથે જ જનેતાએ બાળકીને તરછોડી, બાળકીના મૃતદેહને શ્વાને ફાડી ખાધો, લોકોએ શ્વાનના મોંમાંથી મૃતદેહ છોડાવ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભોમેશ્વર પાસે સાંઢિયા પુલ નીચે શ્વાન મૃતદેહ લઇને નીકળ્યું

શહેરના જામનગર રોડ પર ભોમેશ્વર નજીક સાંઢિયા પુલ પાસેથી શનિવારે બપોરે ચાર વાગ્યે એક શ્વાન બાળકીને મોંમાં લઇને જતું હતું, આ દૃશ્ય જોઇ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા હતા, લોકોએ પથ્થરમારો કરી શ્વાનના મોંમાંથી બાળકીને છોડાવી હતી, બાળકીનો મૃતદેહ છોડીને શ્વાન નાસી જતાં લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. ઘટના અંગે જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યું હતું.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળાએ જણાવ્યું હતું કે, એરપોર્ટની દીવાલની સામે ભોમેશ્વરના કાચા રસ્તા પર સાંઢિયા પુલ નીચે બાવળની ઝાડીમાંથી શ્વાન મૃત બાળકીને મોંમાં લઇને નીકળ્યું હતું, લોકોએ શ્વાનના મોંમાંથી મૃતદેહ છોડાવ્યો હતો. બાળકીના મૃતદેહને શ્વાને ફાડી ખાધો હતો અને તેનો અડધો પગ શ્વાન ખાઇ ગયા હતા. બાળકીને જન્મની સાથે જ તરછોડી દેવાતા તેનું મૃત્યુ થયું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ બાળકીના મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

બાળકીને જન્મ સાથે તેની ક્રૂર જનેતાએ તરછોડી દેતા બાળકીનું મૃત્યુ થયાની અને બાળકીનો મૃતદેહ શ્વાને ફાડી ખાધાની વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોએ ક્રૂર મહિલા સામે ફિટકાર વરસાવ્યો હતો. પોલીસે મૃતદેહ મળ્યો તેની નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું, બાળકીને તરછોડવા કોઇ વાહનનો ઉપયોગ થયો હશે તો પોલીસને આરોપી સુધી પહોંચવાની કડી મળવાની સંભાવના રહેશે.

અંબાને તરછોડનાર જનેતાને પોલીસ હજુ શોધી શકી નથી
બે વર્ષ પહેલા ઠેબચડા ગામની સીમમાંથી એક જીવિત બાળકીને શ્વાન ઉઠાવીને જતું હતું તે વખતે ત્યાંથી પસાર થયેલા રાજકોટના એક યુવકે શ્વાનના મુખમાંથી બાળકીને છોડાવીને હોસ્પિટલમાં ખસેડી હતી, બાળકીને ત્વરિત સારવાર મળી રહેતા તેનો બચાવ થયો હતો, આ બાળકીનું નામ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અંબા પાડ્યું હતું, અંબાને ઇટાલીની મહિલાએ દત્તક લીધી છે અને આગામી મહિનાઓમાં અંબા વિદેશ જશે, પરંતુ હજુ સુધી રાજકોટની કહેવાતી જાંબાઝ પોલીસ અંબાની માતાની શોધખોળ કરી શકી નથી, ભોમેશ્વર નજીકથી બાળકીના મળેલા મૃતદેહમાં પોલીસ બાળકીની માતાને શોધી શકશે કે અંબાના પ્રકરણમાં થયું તેમ પોલીસ સમય જતાં ભૂલી જશે.

અન્ય સમાચારો પણ છે...