ક્રાઇમ:કણકોટના શ્યામલ રેસિડેન્સી પાસે દારૂની ભઠ્ઠી પર જનતા રેડ, હથિયારો પણ મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેકારો મચી જતા તાલુકા પોલીસ દોડી, ઝૂંપડપટ્ટીમાંથી દેશી દારૂનું વેચાણ થતું’તું

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી છેલ્લા બે દિવસથી પોલીસ દેશી દારૂના ધંધાર્થીઓ પર દરોડા પાડવાની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે પોલીસની નજરમાં ન આવેલા કણકોટ મેઇન રોડ પરની ઝૂંપડપટ્ટીમાંથી બેરોકટોક થતા દેશી દારૂના હાટડાઓ પર લોકોએ જ રવિવારે રાતે દરોડો પાડતા દેકારો મચી ગયો હતો. લોકોના ટોળાં એકઠા થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.

કણકોટ મેઇન રોડ, શ્યામલ ઉપવન નજીક દસ દિવસ બાદ જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમૃત મહોત્સવ યોજાવવાનો છે. તે સ્થળ પાસેની ઝૂંપડપટ્ટીમાં બેરોકટોક દેશી દારૂનું વેચાણ થતું હોય અને વિસ્તારના લોકોએ અનેક વખત પોલીસને રજૂઆત તેમજ અરજી કરવા છતાં કોઇ પગલાં નહિ લેતા રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોએ રવિવારે રાતે દેશી દારૂના હાટડાઓ પર દરોડા પાડ્યા હતા. લોકોનું મોટું ટોળું જોઇ દારૂના ધંધાર્થીઓ ત્યાંથી નાસી ગયા હતા. રાત્રીના સમયે વિસ્તારના લોકોએ દારૂના હાટડાઓ પર જનતા રેડ કર્યાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો દોડી ગયો હતો. તપાસ દરમિયાન મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો, આથો સહિતનો જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહિ ઝૂંપડપટ્ટીમાંથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા.

જનતા રેડ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું કે, દેવદિવાળીની રાતે અહીંથી ઝૂંપડપટ્ટીમાંથી દારૂ પીને કેટલાક અસામાજિક તત્ત્વોએ વિસ્તારની મહિલાઓની છેડતી પણ કરી હતી. જે અંગે પોલીસ તંત્રે કોઇ કાર્યવાહી નહિ કરતા આજે જનતા રેડ કરવાની ફરજ પડી છે. તાલુકા પોલીસે દારૂનો જથ્થો, આથો વગેરે કબજે કરી નાસી ગયેલા દારૂના ધંધાર્થીઓને પકડવા દોડધામ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...