વિરોધ:રાજકોટમાં ભાજપની જન આશીર્વાદ યાત્રાને લઇ કોંગ્રેસની મ્યુનિ. કમિશરને રજુઆત, સરકારી મિલકત પર ઝંડા લગાવતા મનપાના કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવા માગ

રાજકોટ4 મહિનો પહેલા
સરકારી મિલકત પર ઝંડા લગાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
  • શહેર કોંગ્રેસના કાર્યકરે પોતાના મોબાઇલમાં પૂરાવારૂપે વીડિયો ઉતાર્યો હતો

ભાજપની જન આશીર્વાદ યાત્રા નીકળવાની હોય રાજકોટમાં ભાજપ પક્ષના ઝંડા અને ઝંડી લગાડતા મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે ફોજદારી દાખલ કરવા અને તેની વિરૂદ્ધ પગલા લેવા અંગે કોંગ્રેસે મનપાના કમિશનરને રજુઆત કરી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકર ગોપાલભાઈ ચાવડા આ કર્મચારીઓને પૂછપરછ કરી અને તેના પૂરાવારૂપે એક વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો છે. આ કર્મચારીઓનો વીડિયો ઉતારતા ઉતારતા તેઓને પૂછ્યું કે, તમે કોર્પોરેશનના કર્મચારીઓ છો? કે ભાજપના કાર્યકરો છો? ત્યારે તે લોકોએ જવાબમાં જણાવ્યું કે અમો રાજકોટ મહાનગરપાલિકાના જગ્યા રોકાણ શાખાના કર્મચારીઓ છીએ તેવું તેઓએ જણાવી સ્વીકાર્યું હતું અને કોર્પોરેશનના કર્મચારી હોવાની ઓળખ આપી હતી.

મનપાના વીજળીના થાંભલાઓ પર ઝંડાઓ લગાડી રહ્યાં છે
રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ મનપા કમિશનરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરની અંદર ભાજપ પક્ષ દ્વારા જન આશીર્વાદ યાત્રા કરવાની હોય તે યાત્રાની પૂર્વ તૈયારી માટે શહેરની અંદર ભાજપે સરકારી મિલકતો ઉપર પોતાના પક્ષના ઝંડા-ઝંડી અને બેનરો લગાડેલા છે. તે ઝંડા-ઝંડી અને બેનરો રાજકોટ મહાનગરપાલિકાના જગ્યા રોકાણ શાખાના કર્મચારી અને રોશની વિભાગની ગાડી સાથે કોર્પોરેશનના વીજળીના થાંભલાઓ ઉપર ઝંડાઓ લગાડી રહ્યાં છે.

કોંગ્રેસના કાર્યકરે વીડિયો ઉતાર્યો.
કોંગ્રેસના કાર્યકરે વીડિયો ઉતાર્યો.

બંધારણ મુજબ સરકારી કર્મચારીઓ કોઇ રાજકીય પક્ષનું કામ ન કરી શકે
વધુમાં જણાવ્યું છે કે, ભારતીય બંધારણ મુજબ અને બી.પી.એમ.સી. એક્ટ અને સરકારી કર્મચારીના નીતિ નિયમો મુજબ કોઈ પણ કર્મચારી કોઈ પણ રાજકીય પક્ષનું કામ ન કરી શકે અને સરકારી વાહનનો ઉપયોગ પણ ન કરી શકે તેમ છતાં આ કર્મચારીઓએ આવું ગેરકાયદેસર કામ કર્યું હોય તેઓની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે. જો તેઓ સરકારી કર્મચારી ન હોય તો તેઓની સામે ફોજદારી રહે પગલા લેવા જોઈએ. કારણ કે ખોટી ઓળખ આપી હોય તે ગુનાનો એક ભાગ જ છે અને આ કર્મચારીઓને ક્યાં અધિકારી અને પદાધિકારીએ સુચના આપી છે. જે રાજકોટ મહાનગરપાલિકાના નામવાળી ગાડી વાપરવામાં આવી છે ત્યારે આ તમામ હકીકતો, પુરાવાઓ ધ્યાને રાખીને તમામની સામે પગલા લેવા અને ફોજદારી ફરિયાદ પણ કરવા માગ છે.

અન્ય સમાચારો પણ છે...