ફરિયાદ:ધર્મના માનેલા ભાઈએ જ બહેનની મિત્ર સાથે પરિચય કરાવ્યો, મિત્ર દીવ લઈ જઈ હોટલમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પ્રથમ વખત ઓક્ટોબર 2019માં નરાધમ યુવતીને દીવ લઇ ગયો ત્યારે યુવતીની બહેન અને ધર્મનો ભાઇ પણ સાથે હતાં

રાજકોટ PGVCLમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતી જસદણની યુવતીએ જામનગરના કેતન દામજીભાઈ કાસુન્દ્રા નામના શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, જસદણથી બસમાં અપડાઉન કરતી હતી ત્યારે રાજુ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. બાદમાં યુવતી રાજુને ધર્મનો ભાઈ માનતી હતી. એક વખત બસમાં વીડિયો કોલ મારફત રાજુના જામનગર રહેતા મિત્ર કેતન સાથે સંપર્ક કરાવ્યો હતો. બાદમાં કેતન સાથે યુવતીને પ્રમસંબંધ બંધાયો હતો. કેતન લગ્ન કરવાની લાલચ આપી યુવતીને દીવ લઈ ગયો હતો અને હોટલમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં કેતને તારી જ્ઞાતિ અલગ હોવાથી તારી સાથે લગ્ન ન કરી શકું તેવું કહેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
રાજકોટ તાલુકા પોલીસે આ બનાવમાં ભોગ બનેલી યુવતીની ફરિયાદ પરથી જામનગર સત્યમ્ કોલોની બહુચરાજી કૃપા એરપોર્ટ રોડ ખાતે રહેતાં કેતન દામજીભાઇ કાસુન્દ્રા સામે IPC 376, 406, 504 મુજબ ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર યુવતી સાથે વર્ષ 2019માં મિત્રતા કેળવી કેતને લગ્નની લાલચ આપી હતી. બાદમાં વાંરવાર દીવ લઇ જઇ ત્યાંની ઘોઘલા બીચ પાસે સી વ્યુ હોટેલમાં બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. બાદમાં યુવતીને લગ્ન કરવાનો ઈન્કાર કરી વિશ્વાસઘાત કર્યાનો ગુનો નોંધાયો છે.

રાજુએ જ યુવતીનો કેતન સાથે પરિચય કરાવ્યો હતો
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું જસદણ તરફથી રાજકોટ નોકરી માટે બસમાં આવતી ત્યારે રાજુભાઇ કે જેને મેં ધર્મના ભાઇ બનાવ્યા હતા. રાજુભાઇ પોતાના ફોનમાં વીડિયો કોલથી કેતન સાથે વાત કરતા હતા. તે સમયે કેતન મને પણ વીડિયોમાં જોઇ ગયો હતો અને આ કોણ છે? તેમ પૂછતાં રાજુભાઇએ એ મારી બહેન છે અને તો મારી બહેન સાથે ફ્રેન્ડશીપ કરવી છે? તેમ પુછતાં કેતને હા પાડી હતી. એ પછી કેતન સાથે રાજુભાઇએ મારી પ્રથમ ઓળખાણ કરાવી હતી અને એકબીજાના નંબર લીધા હતા. કેતને પોતે જામનગરનો હોવાનું કહી પોતાના વિશે માહિતી આપી હતી.

18 ઓક્ટોબર 2019ના રોજ કેતન અને રાજુ દીવ લઈ ગયા હતા
સપ્ટેમ્બર-2019માં કેતન રાજકોટ આવ્યો અને મને આત્મિય કોલેજ પાસે મળવા બોલાવી હતી. હું ત્યાં ગઈ અને બગીચામાં ફરવા જવાનું કહેતાં તેની કારમાં બેસી પ્રદ્યુમનપાર્ક ગયા હતા. કેતને હું તેને ગમતી હોવાની વાત કરતાં મેં પણ તું ગમે છે તેમ કહેતાં કેતને પોતે લગ્ન કરશે તેમ કહ્યું હતું. 18 ઓક્ટોબર 2019ના રોજ કેતને મને ફોન કરી રાજકોટ ગોંડલ રોડ ચોકડીએ બોલાવતાં હું અને મારી બહેન ત્યાં ગયા હતા. કેતન તેની કારમાં આવ્યો હતો સાથે રાજુભાઇ પણ હતો. મને અને મારી બહેનને તેઓ દીવ લઇ ગયા હતા. દીવની હોટલમાં મારી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.