ક્રાઇમ બ્રાન્ચ પર આરોપ:જામનગરના સ્કૂલ-સંચાલકે કહ્યું- પોલીસ ઉઠાવી મને રાજકોટ CP ઓફિસે લાવી, PI ગઢવીએ ઢોર મારી 10 લાખનો ચેક લખાવ્યો

રાજકોટ6 મહિનો પહેલા
પોલીસથી પીડિત જામનગરના સ્કૂલ-સંચાલક હિંમતભાઈ ભદ્રા અને તેમની પત્નીએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી. - Divya Bhaskar
પોલીસથી પીડિત જામનગરના સ્કૂલ-સંચાલક હિંમતભાઈ ભદ્રા અને તેમની પત્નીએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી.
  • રાજકોટની રૂપા મકવાણાએ 10 લાખ પડાવવા ક્રાઈમ બ્રાન્ચમાં રાજકીય દબાણ કર્યાનો આક્ષેપ

રાજકોટ શહેર પોલીસ છેલ્લા કેટલાક સમયથી ફરિયાદ લેવાને બદલે માત્ર અરજીઓ લેતી હોવાની વાત હવે ઊડીને આંખે આવી રહી છે. પોલીસ કમિશનર ભલે આ વાતનો ઇનકાર કરે, પરંતુ હવે અરજદારો મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જણાવી રહ્યા છે. રાજકોટ પોલીસ અરજીના કામે ખોટી રીતે ઉઠાવી જઇ માર મારવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જામનગરના સ્કૂલ-સંચાલક હિંમતભાઈ ભદ્રા આજે મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મને જામનગરમાં મારી સ્કૂલથી મને ઉઠાવ્યો હતો. બાદમાં રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ લાવી હતી. અહીં મને ક્રાઈમ બ્રાન્ચના PI ગઢવીએ ઢોરમાર માર્યો હતો અને 10 લાખનો ચેક પણ પડાવ્યો હતો.

મારી પત્નીને ફોન કરાવતાં ચેકબુક લઈને રાજકોટ આવી
હિંમતભાઈએ રડતાં રડતાં વધુમાં જણાવ્યું હતું કે 15 ફેબ્રુઆરી 2020ના રોજ જામનગરના દિગ્વિજય પ્લોટમાં આવેલી સંકલ્પ સ્કૂલમાંથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મને ઉઠાવી ગઈ હતી. બાદમાં રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે લીમડાના વૃક્ષ પાસે લાવી PI ગઢવી દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. બાદમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PSI જોગરાણાએ ઉપરથી દબાણ છે કે રૂપાબેન મકવાણાના 10 લાખ તારે આપવા જ પડશે કહી મારી પત્નીને ફોન કરાવ્યો હતો. મારી પત્ની રેખા ભદ્રા જામનગરથી ચેકબુક લઇ આવતાં પોલીસે મારી પાસેથી રૂપિયા 10 લાખના ચેક લખાવી લીધા હતા.

શું છે સમગ્ર મામલો?
પોલીસ પીડિત ફરિયાદી હિંમતભાઇ ભદ્રા જામનગરમાં NIOS ઓપન ઇન્સ્ટિટ્યૂટનું કેન્દ્ર ધરાવે છે, માટે રાજકોટની રૂપા મકવાણાએ તેનો સંપર્ક કર્યો હતો. બાદમાં વિદ્યાર્થીઓનું દિલ્હી ખાતેથી એડમિશન કરાવવા હિંમતભાઇ અને તેમનાં પત્ની રૂપા સાથે દિલ્હી ગયા હતા. અહીં વિદ્યાર્થીઓની ફીની પ્રોસેસ રૂપાએ તેના બેન્ક એકાઉન્ટમાંથી કરી હતી. જોકે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા ન જતાં તમામ નપાસ થયા હતા. વિદ્યાર્થીઓ નપાસ થતાં તેમના વાલીઓએ રૂપા પાસે રૂપિયા પરત આપવા માગ કરી હતી, આથી રૂપાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં રાજકીય દબાણ લાવી રૂપિયા પડાવવા કાવતરું રચ્યું હતું.

રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ અર્જુન પટેલે મીડિયા સાથે વાત કરી.
રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ અર્જુન પટેલે મીડિયા સાથે વાત કરી.

આ એક પ્રકારનું અપહરણ જ કહેવાયઃ બાર એસો.ના પ્રમુખ
રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડનો મામલો સામે આવતાં રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ અર્જુન પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે પોલીસે ફરિયાદના બદલે અરજીઓ કરવાની સિસ્ટમ શરૂ કરી, એ તોડ કરવાની મોડેસ ઓપરેન્ડી છે. કાયદામાં જોગવાઈ મુજબ પોલીસે ફરિયાદીની FIR જ નોંધવાની રહે છે, ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી શકે નહીં. એટલું જ નહીં, ઓન અરજી પરથી ઉઠાવી લાવી માર મારવો કે તોડ કરવો એ પણ એક પ્રકારનું અપહરણ-જુલમ જ કહેવાય છે. ત્યારે રાજકોટ પોલીસની નીતિ સામે બાર એસોસિયેશને પણ ઝંપલાવ્યું છે.

પોલીસથી પીડિત લોકો મીડિયા સમક્ષ રોષ ઠાલવી રહ્યા છે
એક તરફ રાજકોટ શહેર પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીઓ સામે ખુદ ભાજપના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ દ્વારા પૂરાવા સાથે તોડ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેની તપાસ ચાલુ છે, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમયે તપાસ ચાલુ હોવાનું કહી ભીનું સંકેલવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપના પ્રતિનિધિએ કરેલા આક્ષેપ બાદ પ્રજામાં હિંમત આવી હોય એ રીતે એક બાદ એક પોલીસથી પીડિત લોકો પોલીસ સામેનો રોષ મીડિયા સામે ઠાલવી રહ્યા છે.

ટ્રાન્સપોર્ટરે કોન્સ્ટેબલને રૂપિયા 12.50 લાખની મદદ કરી, ઉઘરાણી કરતાં પોલીસમેને ફિટ કરાવી દેવાની ધમકી આપી
પોલીસના અવનવા કરતૂતોનો દરરોજ ભાંડા ફોડ થઇ રહ્યો છે, કુવાડવા રોડ પર રહેતા અને બેડી ગામ પાસે ધીરજ એન્ટરપ્રાઇઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતાં મેહુલ મગનભાઇ બુસાએ આક્ષેપ કર્યો હતો કે, અગાઉ તેમનો પરિચય ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ અજિતસિંહ જેમુભા પરમાર સાથે થયો હતો, પોલીસમેન અવારનવાર તેની ઓફિસે આવતા હતા, મેહુલ બુસાએ કહ્યું હતું કે, જુલાઇ મહિનામાં અજિતસિંહે ટ્રાન્સપોર્ટર બુસાને કહ્યું હતું કે, પીએસઆઇ સોનારાના રૂ.1 કરોડ પોતાની પાસે પડ્યા હતા જેમાંથી રૂ.55 લાખ વિક્રમભાઇ વાંકને ટ્રકનો ધંધો કરવા આપ્યા હતા, પીએસઆઇ સોનારાને રૂ.1 કરોડ પરત આપવાના છે તેમાં રૂ.20 લાખ ઘટતા હોય તે 10 દિવસ માટે આપવાનું કહ્યું હતું, મેહુલ પાસે તે સમયે રૂ.12.50 લાખ હોય તે રકમ આપી હતી, ત્યારબાદ અનેક વખત ઉઘરાણી કરવા છતાં પોલીસમેન પરમારે રકમ પરત આપી નહોતી અને કોઇપણ ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી, મેહુલ બુસાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ મામલે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પૂર્વે રાવ કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થઈ.

અરજીના આધારે અટકાયત એ ગુનો છે
રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સામે છેલ્લા ઘણા સમયથી તેમની તોડ કરવાની કાર્યપ્રણાલી સામે ધારાસભ્યે આક્ષેપો કર્યા છે. આક્ષેપ બાદ પોલીસ અધિકારીઓના તોડકાંડનો ભોગ બનેલા એક પછી એક લોકો સામે આવી રહ્યાં છે. ત્યારે અરજીના આધારે તપાસ કરી કોઇની પોલીસ અટકાયત કરે છે તે અપહરણનો જ ગુનો બનતો હોવાનું રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલે જણાવ્યું છે. કારણ કે, કાયદામાં માત્ર એફઆઇઆર જ નોંધવાની જોગવાઇ છે. અરજીના આધારે તપાસ કરવાની કામગીરી માત્ર રાજકોટ પોલીસ જ કરી રહી છે. ફરિયાદ નોંધવાને બદલે અરજીના આધારે ખાનગી રાહે તપાસ કરી પૈસા કટકટાવવાની આ નીતિ કલંકરૂપ છે. જેથી સરકારે પણ પોલીસની આવી કાર્યપ્રણાલી સામે ગંભીરતા દાખવી એસીબીમાં ગુનો નોંધાવી ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસ કરાવવી જોઇએ. કાયદાના રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોના માનસ પર પોલીસ તંત્રની ખરાબ છાપ ઊભી થાય છે.

કોન્સ્ટેબલનો ઇજાફો બંધ કરી દીધો, DCB અંગે કમિશનર મૌન
માલવિયાનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની હેડ ક્વાર્ટરમાં બદલી કરી નાખનાર પોલીસ કમિશનરે ત્રણ દિવસ પૂર્વે આ કર્મચારીના બે વર્ષ માટે ઇજાફા પણ બંધ કરી દીધા હતા. સપ્ટેમ્બર 2019માં કન્ટ્રોલ રૂમ પરથી રાત્રીના કોલ આવ્યો હતો કે અમીનમાર્ગ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર મશીનથી કામ ચાલુ છે અને લોકો હેરાન થઇ રહ્યા છે, પીસીઆરવેનના ચાલક આઉટસોર્સના કર્મચારી અને કોન્સ્ટેબલ રૂસ્તમ શેખ ત્યાં પહોંચ્યા હતા, બિલ્ડરે પોલીસનું રાખીએ જ છીએ તેમ કહેતા કોન્સ્ટેબલ રૂસ્તમે બિલ્ડર પોલીસપ્રેમી હોવાનું સમજી પીસીઆરવેનમાં રૂ.8 હજારનો ખર્ચ છે તે કરાવી આપજો તેમ કહીને ત્યાંથી જતા રહ્યા હતા, બાદમાં આ મામલે રાજકીય અગ્રણી મારફત પોલીસ કમિશનર સુધી મામલો પહોંચતા અગ્રવાલે આઉટ સોર્સના કર્મચારીને કાઢી મૂક્યો હતો અને કોન્સ્ટેબલને હેડ ક્વાર્ટરમાં મૂકી દીધા હતા, અને એસીપી કક્ષાની તપાસ સોંપી હતી અને ત્રણ દિવસ પૂર્વે નવો આદેશ કર્યો હતો અને બે વર્ષ માટે કોન્સ્ટેબલ શેખના ઇજાફા રોકી દીધા હતા, ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને પીએસઆઇ સહિતનાઓ સામે લાખો રૂપિયાના તોડના ખુદ ધારાસભ્યએ આક્ષેપ કર્યા છે આ મામલે ગૃહવિભાગ તપાસ કરી રહ્યું છે છતાં જવાબદારો સામે કોઇ કાર્યવાહી કરવાને બદલે કોન્સ્ટેબલ સામે આકરા પગલાં લઇને પોતાને નિષ્ઠાવાન બતાવવાના પોલીસ કમિશનરના આ પગલાંની પોલીસબેડામાં પણ ચર્ચાઓ શરૂ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...