સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમય બાદ સેનેટ ચૂંટણી માટેની ચૂંટણીની પ્રક્રિયા શરુ થઇ છે. જેમાં ગઇકાલે જિલ્લા પંચાયતના પ્રમુખની સેનેટ બેઠક પર જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનિયારા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેની સાથે સાથે અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણીની પણ બિનહરીફ વરણી થવા પામી છે. ત્યારે પ્રથમ વખત સેનેટ સભ્ય બનેલા બન્ને સભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો ખરા અર્થમાં સેનેટમાં ઉઠાવી શિક્ષણનું સ્તર સુધારવા મહેનત કરશે કે પછી રાજકીય ઈશારે થયેલી બિનહરીફ વરણીથી સભ્યપદ મેળવી સંતોષ માનશે તે જોવું મહત્વનું રહેશે.
સુવિધાઓ માટે સૂચના આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખની સેનેટ બેઠક પર જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા બાદ ધરમશીએ જણાવ્યું હતું કે, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ભણતા વિદ્યાર્થીઓને વધુ શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે સૂચનો મેળવાશે. આ ઉપરાંત શિક્ષણ જગતના તજજ્ઞો પાસેથી વધુ પ્રશ્નોને જાણીને તેને વાચા આપવા સક્રિય રીતે કામ કરવામાં આવશે.
વિવાદો વચ્ચે રહેવું મોટો પડકાર
જયારે બીજી તરફ નગરપાલિકાની સેનેટ બેઠક પર અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણીની બિનહરીફ વરણી થવા પામી છે જેઓ છેલ્લા દોઢ વર્ષથી નગરપાલિકાના પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે, સેનેટ બેઠકમાં અમરેલીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ શિક્ષણને લગતા પ્રશ્નો ઉઠાવશે અને શિક્ષણનો વ્યાપ વધે અને સમસ્યાઓનો ઉકેલ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. જો કે અમરેલી સેન્ટરનું શિક્ષણ સ્તર ખુબ જ નીચું છે અને વારંવાર વિવાદોમાં પણ આવી ચૂક્યું છે તે પણ મોટો પડકાર છે.
પૂર્વ શિક્ષણમંત્રીના માનીતા! ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકા પ્રમુખ માટેની એક એક સીટ સેનેટ માટે રાખવામાં આવે છે જેમાં ગઈકાલે અમરેલી અને જામનગરને સ્થાન મળતા ઇન્ચાર્જ કુલપતિ અને પૂર્વ શિક્ષણમંત્રીના વતનના માનીતાને સ્થાન મળ્યાની ચર્ચાએ શિક્ષણ જગતમાં જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.