વિવાદ:ગોંડલ અને રીબડાના જૂથ વચ્ચે સોશિયલ મીડિયામાં જામી વોર

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય એમ ન થવાય, પિતા અને દાદા સુધીના કવેણ લખાયાં

સૌરાષ્ટ્રભરના લોકોની હંમેશા જેના પર નજર રહેતી હોય છે તે ગોંડલ ફરીથી ચર્ચામાં આવ્યું છે, એક સમયે એકબીજાની તાકાત ગણાતા ગોંડલ અને રીબડાના જૂથ વચ્ચે છાનેખૂણે ચાલતો વિવાદ હવે જાહેરમાં આવવા લાગ્યો છે અને બંને જૂથે સોશિયલ મીડિયામાં એકબીજા પર પ્રહારો શરૂ કર્યા હતા અને એ પ્રહાર પિતા-દાદા સુધી પહોંચતા આગામી દિવસોમાં આ વોર વધુ વકરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

ગોંડલમાં રાજકીય પ્રભુત્વ ધરાવતું જૂથ અને રીબડાનું શક્તિશાળી જૂથ એકબીજાની તાકાત હતું અને આ બંને જૂથના સમન્વયથી ગોંડલમાં યોજાતી તમામ ચૂંટણીમાં તેમનો દબદબો રહેતો હતો, એક પેઢી સુધી તો બંને જૂથ એકબીજાના પુરક હતા પરંતુ બંને જૂથના પરિવારની બીજી પેઢી આ વખતે મેદાને ઉતરી છે અને બંને જૂથ પોતાના પુત્રને રાજકીય સ્ટેજ આપવા મથી રહ્યા છે અને મામલે બંને જૂથ હવે એકબીજા સામે આવી ગયું છે, લાંબા સમયથી બંને જૂથ વચ્ચે ખટરાગ ચાલે છે પરંતુ તે બંધબારણે ચાલતો હતો.

પરંતુ કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં બંને જૂથની યુવા પેઢી સામસામે આવી ગઇ છે અને એકબીજા પર એવા પ્રહાર કરી રહી છે કે આગામી દિવસોમાં આ વોર ચરમસીમાએ પહોંચે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં ગણેશ ગોંડલ નામની આઇડી પરથી મેસેજ ફરતા થયા હતા જેમાં ધારાસભ્ય એમ ન થવાય, તે સહિત સામેના જૂથના દાદા સુધીની વાતો લખવામાં આવી હતી.

તો સતુભા જાડેજા નામની આઇડી પરથી તારા પિતા ઘોડિયામાં હતા ત્યારે અમારા દાદા ધારાસભ્ય હતા તે સહિતના મેસેજ ફરતા થયા હતા, આ બંને આઇડી સાચી છે કે ફેક આઇડી પર કોઇ વ્યક્તિ માહોલ બગાડવાની કોશિશ કરી રહી છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે, વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યા છે ત્યારે આ બે બળિયા જૂથ વચ્ચે શરૂ થયેલો આંતરકલહ આગામી દિવસોમાં નવાજૂની કરશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...