રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ફરી વિવાદમાં:જમાદારે બૂટલેગરને કહ્યું, લાખમાં નહીં પતે અહીં DCP, ACP, બે PI, બધાને સાચવવાના હોય તો અમારે ભાગમાં શું આવે ?

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બૂટલેગર સાથેની વાતચીતની ક્રાઇમ બ્રાંચના જમાદારની ઓડિયો ક્લિપ ફરતી થયા બાદ પોલીસ કમિશનરે DCBના DCPને તપાસ સોંપી

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ફરી એક વખત વિવાદમાં આવી છે. ડીસીબીમાં ફરજ બજાવતા વિજયગીરી ગોસ્વામી નામના જમાદારે દારૂના દરોડા બાદ ફરાર થઈ ગયેલા બૂટલેગર હરપાલ ડોડિયાને પકડવા માટે એક વિવાદાસ્પદ બૂટલેગર પ્રતીક ચંદારાણાનો સંપર્ક કરી રૂપિયા 5 લાખની ડિમાન્ડ કર્યાની ક્લિપ ફરતી થઈ છે. જોકે આ ઘટના અંગે ડીસીબીના જમાદારનો સંપર્ક કરતા પોતે પૈસાની માગણી ન કરી હોવાનું અને ભાગી ગયેલો બૂટલેગર સામેથી પોલીસમાં હાજર થઈ જાય તે માટે સંપર્ક કર્યાનો બચાવ કર્યો હતો.

ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને તપાસ કરવાનો આદેશ કર્યો
બીજી બાજુ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ ઘટના અંગે ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને તપાસ કરવાનો આદેશ કર્યો છે. વાતચીતમાં જમાદાર ગોસ્વામી ચોંકાવનારી હકીકત વિવાદાસ્પદ બૂટલેગરને જણાવી રહ્યા હતા અને કહ્યું હતું કે, ‘અમારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી, એસીપી, બે પીઆઈ, પીએસઆઈ તેમજ સ્ટાફને રૂપિયા આપવાના હોય છે.’

ક્રાઇમ બ્રાન્ચના જમાદાર વિજયગીરી ગોસ્વામી અને વિવાદાસ્પદ બૂટલેગર પ્રતિક ચંદારાણા વચ્ચે થયેલી વાતચીતના અમુક અંશો અહીં પ્રસ્તુત

કથિત ક્લિપ: 01

બૂટલેગરનો મિત્ર : હેલ્લો

પોલીસમેન : હા, બોલ

બૂટલેગરનો મિત્ર : ગીરીબાપુ મેં એની સાથે વાત કરી એ કહે છે કે રૂ.50 હજાર દઉં

પોલીસમેન : 50 હજારમાં કંઇ ન થાય, 50માં કંઇ ન થાય, ન પતે ભાઇ

બૂટલેગરનો મિત્ર : સાહેબ કેટલા કહે છે

પોલીસમેન : અહીં બધા અધિકારીને ફોન આવે છે, બીજા પણ સાહેબને ફોન ચાલુ છે બધાના સીએમના ને એના, આ તો તમારા મિત્ર છે તો પૂછી લ્યો, આવવાનું તો છે જ. આમા શું છે પાંચની વાત થઇ છે. ચોખ્ખું તને કહું

બૂટલેગરનો મિત્ર : કેટલા...

પોલીસમેન : પાંચ...

બૂટલેગરનો મિત્ર : પાંચ લાખ....

પોલીસમેન : એવું કાંઇ હોય તો મને કે, તું વાત કર, એટલે હું રજૂ કરાવી દઉં

પોલીસમેન : જેનો માલ છે ઇ ખબર જ છે હો..કોઇ બીજો માણા આવી જાય એવું નહિ હો..જે નામ દેશે એ જ માણા જોશે.

બૂટલેગરનો મિત્ર : હમમમમ

પોલીસમેન : (બીપ) ગમે તેને અંગત મોકલી દઇ, જા ભાઇ જઇ આવ, આમા કંઇ નથી, રિમાન્ડ પતી જશે. એમ નહિ.

બૂટલેગરનો મિત્ર : હા

પોલીસમેન : તું મને જાણીને કે તો ખબર પડે અહીં કાગળ ચાલુ થઇ ગયા છે. આ તો શું છે એનો છોકરો આવી જતો હોય તો એના બાપાને રવાના કરી દઇ. એની ઉપર જ કરી નાંખીએ

બૂટલેગરનો મિત્ર : જો જો હો એના બાપા માનસિક છે, એની માનસિકની ફાઇલ લઇને એ લોકો આવે છે

પોલીસમેન : એ ભલેને આવતા હોય, મોકલ તો ખરો એ અત્યારે દેખાડવું તો પડે ને...માનસિક બરોબર છે, તું મને વાત કરીને કે હાલ ફોન કરીને પૂછી લે...ફોન કર

બૂટલેગરનો મિત્ર : કહું હાલો બાપુ તમને

કથિત ક્લિપ: 02​​​​​​​
બૂટલેગરનો મિત્ર
: ઇ છેલ્લા લાખ રૂપિયા કે છે ભાઇ

પોલીસમેન : ના ભાઇ ના, તું મૂકી દે ફોન, વાંધો નહિ, તારે જ્યાં જવું હોય ત્યાં ભાગી જા તું તારે અમે તને ગોતી લઇશું

બૂટલેગરનો મિત્ર : હ...હ...

પોલીસમેન : લાખમાં નહિ પતે

બૂટલેગરનો મિત્ર : મેં કીધું કે આ થોડી લોકલ પોલીસ સ્ટેશન છે ભાઇ,

પોલીસમેન : પ્રતિક્યા ઇ જ વાત છે, લોકલ હોય તો તારું માન રાખી લઇ, ડિવિઝનમાં પીઆઇ એક જ હોય, અહીં ડીસીપી, એસીપી, બે પીઆઇ, બધાને સાચવવાના છેલ્લે પીએસઆઇ હોય અને અમારી ટીમ હોય, તો અમારા ભાગે શું (અપશબ્દ) આવે. અમારે શું......

બૂટલેગરનો મિત્ર : આમા તમારે ડીસીપી સાહેબ સુધી દેવું પડે

પોલીસમેન : ઇ અમારે ઇન્ચાર્જ છે, મેઇન ઓફિસ એની જ છે,

બૂટલેગરનો મિત્ર : હ.....

પોલીસમેન : શું કાલ સવારે તેને ખબર પડે કે લીધા છે, મને કંઇ કર્યું નથી. તો વાંધો આવે ને

બૂટલેગરનો મિત્ર : હ.....

પોલીસમેન : એટલે તને કહી છીએ આ અમારા એક પૂરતું નથી, અહીં ઉપર કેટલાય બેઠા છે, બધાયનું થતું હોય આમા, અમારા એક પૂરતું હોય તો તે કીધું તેમ 70 હજારમાં પૂરું કરી નાંખત, હાલ ભાઇ લઇ લે...

બૂટલેગરનો મિત્ર : સારું તો અહીંથી વધારે દે એમ નથી લાગતું

પોલીસમેન : તો કંઇ વાંધો નહિ, વધારે ન દે તો, છેલ્લે 3 લગી છે

બૂટલેગરનો મિત્ર : છેલ્લા ત્રણ લાખ રૂપિયા

પોલીસમેન : તો મને એટલું થાય તો કે એટલે સાહેબને કહું...

અન્ય સમાચારો પણ છે...