કોરોના ઇફેક્ટ:કોરોનામુક્તિ માટે જૈનો આજે 1 અબજ નવકારમંત્રના જાપ કરશે, લાખો ભાવિકો ઓનલાઈન જોડાઈ વિક્રમ સર્જશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 8.41થી 12.41 સુધી લાખો ભાવિકો ઓનલાઈન જોડાઈ વિક્રમ સર્જશે

કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન જો સમૂહમાં કરવામાં આવે તો એની તાકાત અનેક ગણી વધી જાય છે જેમ કે 1 ઉપવાસ કર્યા પછી જો બીજા દિવસે પણ ઉપવાસ કરીએ તો 2 નહીં પણ 11 ઉપવાસનો લાભ મળે છે અને અઠ્ઠાઈ કરીએ તો 1,11,11,111 ઉપવાસનો લાભ મળે છે. કોરોના મહામારીના સમયમાં તેનાથી મુક્ત થવા અનેક ઉપાયો અજમાવામાં આવ્યા છે.

ટેક્નોલોજી અને વિજ્ઞાન પણ આ સમસ્યા સામે હાર માની ગયું છે ત્યારે નવકાર ગ્રૂપ અને જૈન વિઝન દ્વારા સમગ્ર વિશ્વના લોકો માટે આવતીકાલે રવિવારે સવારે સામૂહિક 99,99,99,999 નવકારમંત્રના જાપનું ઐતિહાસિક અને દિવ્ય આયોજન કર્યું છે. સમગ્ર વિશ્વની માનવજાતિના રક્ષાર્થે 99,99,99,999 નવકાર મહામંત્રના સામૂહિક જાપનું ઓનલાઈન આયોજન આવતીકાલે રવિવારે સવારે 8:41 કલાક થી 12:41 દરમિયાન કરવામાં આવ્યું છે.વિશ્વ ફલક પર યોજાનાર આ સામૂહિક મંત્ર જાપમાં દેશ-વિદેશના જૈન જૈનેતરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યૂ–ટ્યૂબ અને ટેલિગ્રામના માધ્યમથી જોડાઈ શકશે.

જૈન વિઝનના મિલન કોઠારીએ જણાવ્યું હતું કે “આવતીકાલે યોજાનારા આ ઐતિહાસિક અને માનવતાના સત્કાર્યમાં દેશવિદેશના જૈન જૈનેતર અને અઢારે આલમના લોકોને જોડાવવાનો અમે પ્રયાસ કર્યો છે.નવકાર મંત્રની આરાધનાથી અનંતા આત્માઓ સિદ્ધ ગતિને પામ્યા છે ત્યારે આ મહામારીના કઠિન કાળમાં પણ નવકારની સામૂહિક આરાધના ચોક્કસ માનવજાતિને આ મહામારીમાંથી મુક્ત કરશે. આ મહોત્સવમાં જૈન ધર્મના ચારેય ફિરકાના ગચ્છાધિપતિઓ, આચાર્ય ભગવંતો, અન્ય સંપ્રદાયના સંત મહાત્માઓ અનેક ગચ્છ નાયકો અને 1,000 થી પણ વધારે સાધુ સાધ્વીઓ જોડાશે.

આ જાપ કર્યા બાદ નવકાર પરિવારની વેબસાઈટ www.navkarpariwar.com પર તમારું નામ અને તમારા પરિવારે ગણેલી કુલ નવકાર વાળીની સંખ્યા મોકલ્સો એટલે ઓટોમેટિક તમારા નામે વર્લ્ડ રેકોર્ડ બુકનું પાર્ટિસિપેશનનું ઇ-સર્ટિફિકેટ બની જશે જે તમે પ્રિન્ટ પણ કરી શકશો.

અન્ય સમાચારો પણ છે...