રાજકોટ:જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળશે, સોશિયલ મીડિયામાં મારા નામે ખોટા મેસેજ ફરી રહ્યાં છે: મહંત

2 વર્ષ પહેલા
મંદિર પરિસરમાં જ રથયાત્રા નીકળશે-મહંત
  • પોલીસ બંદોબસ્ત સાથે પરિસરમાં જ ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા નીકળશે: મહંત

કોરોના મહામારીને પગલે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર કોર્ટે રોક ફરમાવી છે. ત્યારે રાજકોટમાં સાદગીથી પણ શુકન સાચવવા માટે રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય કરાયો છે. કૈલાસધામ આશ્રમથી મોકાજી સર્કલ સુધી 1 કિ.મીની રથયાત્રા નીકળશે તેવી સોશિયલ મીડિયામાં અફવા ફેલાતા નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસગુરુએ જણાવ્યું છે કે, સરકારી નિયમ અનુસાર રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળશે. સોશિયલ મીડિયામાં મારા નામે ખોટા મેસેજ ફરી રહ્યાં છે. પરંતુ સરકારી નિયમ અનુસાર અને પોલીસ બંદોબસ્ત સાથે પરિસરમાં જ ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા નીકળશે. 

સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિકોને દર્શન કરવા દેવાશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સરકારના નિયમોનું પાલન કરાશે. ભાવિકોને ભેગા થવા દેવામાં આવશે નહિં. મહત્વનું છે કે કોરોના મહામારીને લીધે સરકારે હાલ કોઈપણ ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા, સંમેલન કરવા પર મનાઈ ફરમાવી છે. દર વર્ષે અષાઢી બીજે રાજકોટમાં નીકળતી પરંપરાગત રથયાત્રા અંગે પણ આ વર્ષે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી, પરંતુ સરકારી નિયમો સાથે રથયાત્રા નીકળશે અને લોકોને પણ નિયમોનું પાલન કરાવવામાં આવશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન જગન્નાથના દર્શન કરવા દેવાશે. કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાનના રથ પણ તૈયાર કરી દેવાયા છે. 

અગાઉ રથયાત્રા નીકળવાના અહેવાલો વહેતા થયા હતા
રાજકોટમાં અષાઢી બીજે સવારે 8 કલાકે કૈલાસધામ આશ્રમથી મોકાજી સર્કલ સુધી 1 કિ.મીની રથયાત્રા નીકળશે તેવા અહેવાલો વહેતા થયા હતા. કૈલાસધામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસગુરુએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં મારા નામે ખોટા મેસેજ ફરી રહ્યાં છે. 

રથયાત્રાને લઈને મંજુરી આપવામાં આવી નથી:કમિશનર
રથયાત્રાને લઈને પોલીસ કમિશનરે જણાવ્યું છે કે રથયાત્રાને લઈને કોઈ મંજુરી આપવામાં આવી નથી. રથાયાત્રા કે ધાર્મિક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. મંદિરમાં પ્રવેશ કરતી વખતે સેનિટાઈઝ અને થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે. આ સાથે જ માસ્ક પહેરવું ફરજીયાત છે.

ભાવનગરમાં પણ રથયાત્રા નીકળશે નહિં
ભાવનગર શહેરમાં અષાઢીબીજ પર્વે નીકળતી રાજ્યની બીજા નંબરની રથયાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે માર્ગો પર નીકળશે નહિં. સર્વજન હિતાય, સર્વજન સુખાયને ધ્યાને લઇ સરકારની ગાઈડ લાઈન મુજબ આ વર્ષે રથયાત્રાનું શુકન પૂરતા પૂજન માટે મંદિર પરિસરમાં જ રાજવી પરિવાર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. પણ રથયાત્રા તેમના માર્ગો પર નીકળશે નહિ. ભાવનગર રથયાત્રા સમિતિ દ્વારા જણાવ્યું હતું કે આ વર્ષે પારંપરિક રથયાત્રા સરકારની મંજૂરી ન મળતા બંધ રાખવાના નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગરની રથયાત્રા પણ બંધ રાખવા તેમજ 23મીના રોજ સવારે 4 કલાકે મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં પૂજન અને સવારે 7 કલાકે રાજવી પરિવારનાં હસ્તે પહિંદ વિધિ મંદિર પરિસરમાં યોજી રથને શુકન પૂરતો ત્યાં જ ખેચી ત્યાં જ તેનું સમાપન કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...