તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય:રાજકોટની ડિસેબલ ITIમાં દિવ્યાંગોને ડિગ્રી જ નહીં તાલીમબદ્ધ કરી રોજગારી માટે પણ મદદ કરાય છે, દર વર્ષે 60-70 દિવ્યાંગ પ્રવેશ મેળવે છે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં 2009થી ડિસેબલ ITI કાર્યરત - Divya Bhaskar
રાજકોટમાં 2009થી ડિસેબલ ITI કાર્યરત
  • દિવ્યાંગોને ITI અને સમાજ કલ્યાણ વિભાગ તરફથી 200થી લઈને 400 રૂ. સુધીનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે

સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાને ભારતના બંધારણના હાર્દસમા આમુખમાં સમાવવામાં આવી છે. દરેક વ્યક્તિને રોજગાર કે સ્વરોજગાર મેળવવાની સમાનતા અને સ્વતંત્રતાનો મુળભૂત હક્ક આપવામાં આવ્યો છે. જેના આધારે દિવ્યાંગ વ્યક્તિ પણ અન્યોની જેમ તાલીમબધ્ધ થઈને રોજગાર મેળવી શકે તેવા હેતુથી ગુજરાતના રાજકોટ જિલ્લામાં વર્ષ 2009થી ડિસેબલ આઇ.ટી.આઇ.ની શરૂઆત કરવામાં આવી છે. અહીં દિવ્યાંગોને ડિગ્રી જ નહીં તાલીમબદ્ધ કરી રોજગારી માટે પણ મદદ કરાય છે. દર વર્ષે 60થી 70 દિવ્યાંગ પ્રેવશ મેળવે છે.

દર મહિને 5થી 7 હજાર જેટલી રકમ હું કમાય લઉં છું: દિવ્યાંગ
‘જન્મથી જ મારે પગની સમસ્યા છે. હું વ્યવસ્થિત ઉભી રહી શકતી નથી. પરંતુ મારા રોજિંદા કાર્યો સારી રીતે કરી શકું છું. મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે પગભર થવા માટે મે ડિસેબલ આઇ.ટી.આઇ.માંથી કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો. ત્યાંના શિક્ષકોએ મને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કોમ્પ્યુટર વસાવવા માટે 38 હજારની સહાય મેળવવામાં મદદ કરી. જેમાંથી મેં મારૂ કોમ્પ્યુટર વસાવ્યું. અને બેંક ઓફ બરોડાનું મીની બેંક બ્રાંચ (કિયોસ્ક) ખોલ્યું છે. જેના થકી અનેક લોકોને જરૂરી બેંક સેવા પુરી પાડુ છું. જેનું કમિશન અને સરકારની વિવિધ યોજનાઓ માટેના ઓનલાઈન ફોર્મ, પરીક્ષાના ફોર્મ, પ્રિન્ટિંગ અને સ્કેનિંગના નાના-મોટા કામ ઘરેથી જ કરીને દર મહિને 5થી 7 હજાર જેટલી રકમ હું કમાય લઉં છું.’ આ શબ્દો છે રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં વસવાટ કરતા પ્રભાબેન શિયાળના.

ITIમાં 7 કોર્સ રાખવામાં આવ્યા છે.
ITIમાં 7 કોર્સ રાખવામાં આવ્યા છે.

ITI કેમ્પસમાં 7 જેટલા કોર્સ ચલાવવામાં આવે છે
ડિસેબલ આઇ.ટી.આઇ.ના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અને ટેકનિકલ ઓફિસર માનસી તેરૈયાએ જણાવ્યું હતું કે, અમારા કેમ્પસમાં 7 જેટલા કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, કટિંગ એન્ડ સ્યુઈંગ, ડેસ્કટોપ પબ્લિસિટી ઓપરેટર, હેર એન્ડ સ્કિન કેર જેવા કોર્ષનો સમયગાળો એક વર્ષનો છે, જ્યારે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટોર ઓપરેશન આસિસ્ટન્ટ, રીટેલ સ્ટોર એસોસિએટ જેવા 3 મહિનાનો સમયગાળો ધરાવતા કોર્ષનો ચાલુ વર્ષથી સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ કોર્ષમાં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસની છે.

કોમ્પ્યુટરનો કોર્સ કરી મહિલા 5થી 7 હજાર મહિને કમાય છે.
કોમ્પ્યુટરનો કોર્સ કરી મહિલા 5થી 7 હજાર મહિને કમાય છે.

દર વર્ષે 60-70 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લે છે
માનસીએ ડિસેબલ આઇ.ટી.આઇ.માં એડમિશનની પ્રક્રિયા બાબતે જણાવ્યું હતું કે, એડમિશન માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વોકેશનલ રીહેબીલીટેશન કમિટી (વી.આર.સી.)ની સ્થાપના કરવામાં આવે છે. જે અંતર્ગત એડમિશન માટેની અરજીના પ્રમાણમાં ડોક્ટરો અમદાવાદથી આવીને વિદ્યાર્થીઓની ડિસેબિલિટી ચેક કરીને તે ક્યાં કોર્ષમાં એડમીશન મેળવવા માટે સક્ષમ છે તે નક્કી કરે છે. ત્યારબાદ જ એડમિશન આપવામાં આવે છે. એડમીશન મેળવનાર તમામ વિદ્યાર્થીને આઈ.ટી.આઈ. તથા સમાજ કલ્યાણ વિભાગ તરફથી 200થી લઈને 400 રૂ. સુધીનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. દર વર્ષે 60-70 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે.

દર વર્ષે 60થી 70 દિવ્યાંગ પ્રવેશ મેળવે છે.
દર વર્ષે 60થી 70 દિવ્યાંગ પ્રવેશ મેળવે છે.

વડોદરામાં પણ ડિસેબલ ITI કાર્યરત
માનસીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આમારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવું મારા અને અમારા શિક્ષકો માટે ખૂબ જ કપરૂ હતું. અમારા દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં મુંગા બહેરા તથા અંધજનોનો સમાવેશ થાય છે. અમારા શિક્ષકો વીડિયો બનાવીએ તેઓને વોટ્સએપ પર મોકલીને અભ્યાસ કરાવતા હતા. અમારા વિદ્યાર્થીઓ વીડિયો જોઈને-સાંભળીને અભ્યાસ કરતાં હતા. જે વિદ્યાર્થીઓ વીડિયો જોઈ-સાંભળી શકતા નહોતા તેમને તેમના વાલીઓ સાઈન લેંગ્વેજ વડે વીડિયોની માહિતી આપી અભ્યાસ કરાવતા હતા, રાજકોટ ઉપરાંત હાલમાં ડિસેબલ આઇ.ટી.આઇ. વડોદરામાંમાં કાર્યરત છે, જ્યારે સુરત ખાતે ડિસેબલ આઇ.ટી.આઇ. માટેની મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...