ફરિયાદનો વળતો જવાબ:ઈટાલિયાએ રાજકોટમાં કહ્યું- ગૃહમંત્રીએ FIR કરવાનું હિત સમજ્યું હોય તો હું આશા રાખું છું કે, ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે

રાજકોટ25 દિવસ પહેલા

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને 'ડ્રગ્સ' સંઘવી તરીકે સંબોધતા ગોપાલ ઈટાલિયા સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે ગોપાલ ઈટાલિયાએ રાજકોટમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, મારી વાતને લઈને ફરિયાદ દાખલ થઈ છે. મારું એવું માનવું છે કે, ગુજરાતમાં અદાણી પોર્ટ પરથી છાશવારે અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. ગૃહમંત્રીએ નશાખોરો કે નશો વેચનારને પકડવાને બદલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પર FIR કરવાનું હિત સમજ્યું હોય તો હું આશા રાખું છું કે, ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે.

ગુજરાતના માધ્યમથી આખા દેશમાં ડ્રગ્સ સપ્લાય થાય છે
ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના માધ્યમથી આખા દેશમાં ડ્રગ્સ સપ્લાય થાય છે. દર વર્ષે 20 હજાર કરોડનો ગેરકાયદેસર દારૂનો ધંધો ભાજપના નેતાઓ કરી રહ્યા છે. લઠ્ઠાકાંડની અંદર પણ આપણે જોયું કે જિલ્લા ભાજપના પ્રમુખની સીધેસીધી સામેલગીરી હતી. મારા પર FIR કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. એના માટે ઈન્ટરનેશનલ ડ્રગ્સ પેડલરો છે, તેમાં સંડોવાયેલા ભાજપના નેતાઓ છે, દારૂ વેચવાવાળા ભાજપના નેતાઓ છે તેમની પર FIR કરવી જોઈએ. મેં જીવનમાં નશો કર્યો નથી અને નશો વેચ્યો નથી.

ડ્રગ્સ પકડાય છે તેના માટે પહેલા તો પોલીસને હું અભિનંદન પાઠવું છું
ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ પકડાય છે તેના માટે પહેલા તો પોલીસને હું અભિનંદન પાઠવું છું. પણ દર વખતે ગુજરાતમાં જ કેમ ડ્રગ્સ આવે છે. ડ્રગ્સ વેચવાવાળાને કેમ એવું લાગે છે કે ગુજરાતમાં જ ડ્રગ્સ લઈ જવું છે. વારંવાર પકડાય છે એનો મતલબ એ છે કે, વારંવાર આવે છે. શું અહીં સરકારી કે નેતાનો સપોર્ટ મળી રહ્યો છે. શા માટે ડ્રગ્સ માફિયાઓને એવું લાગે છે કે ગુજરાતના પોર્ટ પર ડ્રગ્સ લઈ જવું આસાન રહેશે. કેમ ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. મને એવું લાગે છે કે, ગૃહ મંત્રીના ક્યાંક ને ક્યાંક કાળા હાથ હોઇ શકે. ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગવા લાગ્યો છે. પરંતુ અમે અરવિંદ કેજરીવાલના સૈનિક છીએ.

અક્ષરશઃ ફરિયાદ
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' કહેતા સુરતમાં રહી સોના-ચાંદીના દાગીના બનાવવાનો વેપાર ધંધો કરતા પ્રતાપભાઈ ચોડવડિયા(જીરાવાલા)એ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, 2012થી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સમાજ સેવાના કામ કરતો આવેલ છું. ગત 30 ઓગસ્ટના રોજ સીમાડા નાકા ખાતે મનોજ સોરઠિયા ઉપર કેટલા ઈસમોએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાનો બનાવ બનેલ છે. જે બનાવને અમો તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે અને આ બનાવની તટસ્થ તપાસ થવી જોઈએ તેમજ આ બનાવમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ એવો અમારો અભિગમ છે.

ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય
આ બનાવ બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો વાઇરલ કરેલ છે અને તેમાં ગોપાલ ઈટાલિયા આમ જનતાને સંબોધીને આ કહેવાતી ઘટના બાબતે કોઈપણ જાતના આધાર પુરાવા વગર ભારતીય જનતા પાર્ટી જે બુદ્ધિજીવી લોકોની પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટીને લુખ્ખાઓ-ગુંડાની પાર્ટી છે તેવા શબ્દોનો ઉપયોગ કરી મનોજ સોરઠિયા ઉપરનો હુમલો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ગુંડાઓ દ્વારા આચરવામાં આવી છે તેવી ખોટી જાહેરાત કરી ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે.

રાજકીય સ્તરે મોટું સ્વરૂપ આપવાનું કૃત્ય
આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને 'બુટલેગર' તથા ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' જેવા શબ્દોનો ઉપયોગ કરી તેઓની વ્યક્તિગત પ્રતિષ્ઠાને તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને હાનિ પહોંચાડવાના ઈરાદાથી આ ખોટો ઈલેક્ટ્રોનિક વીડિયો વાઇરલ કરી ગોપાલ ઈટાલિયા દ્વારા જાહેર જનતાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ઉપર એકઠાં થવા અપીલ કરવામાં આવેલ. આ રીતે ગોપાલ ઈટાલિયા દ્વારા આ બનાવને રાજકીય સ્તરે મોટું સ્વરૂપ આપવાનું કૃત્ય કરેલ છે.

અપમાનજનક અને બદનક્ષીકારક શબ્દનો વારંવાર પ્રયોગ
તેઓ પોતાના આ વાઇરલ વીડિયોમાં 'લોહીના એક એક ટીપાનો હિસાબ લઈશું' તથા 'બેટાઓ કરી લ્યો હુમલા, ચૂંટણી સુધી હુમલા કરી લ્યો. ચૂંટણી પછી નાની યાદ કરાવી દેવાની છે' તથા 'એક એક લોહીના ટીપાનો બદલો અને હિસાબ લેવામાં આવે' જેવા ઈરાદાપૂર્વકના ઉશ્કેરણીજનક વક્તવ્યથી જાહેર જનતામાં ગેરસમજ પેદા થાય અને તે થકી કોઈ વ્યક્તિ જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધનો ગુનો કરી બેસે તેવું જાણવા છતાં તેઓ દ્વારા આ વીડિયો વાઇરલ કરી પોતાનો રાજકીય હેતુ સિદ્ધ કરવા અને બદનક્ષી કરવાના આશયથી ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા-હોદ્દેદારો વિશે ભાજપના લુખ્ખાઓ-ગુંડાઓ જેવી ગાળો બોલી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશે 'બુટલેગર' તથા ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવી વિશે 'ડ્રગ્સ સંઘવી' જેવા અપમાનજનક અને બદનક્ષીકારક શબ્દનો વારંવાર પ્રયોગ કરેલ છે.

ટાર્ગેટ કરી વિવાદિત નિવેદનો કરવા ટેવાયેલા
ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવી કાર્યશીલ અને ઉચ્ચ હોદ્દા ધરાવતા તેમજ સન્માનીય વ્યક્તિ છે. જેઓ અમો ફરિયાદી સહિત ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અનેક યુવા નાના-મોટા કાર્યકરો તથા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા નાગરિકોના આદર્શ છે. આ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાનું સમર્થન મળે તે માટે અવાર-નવાર ભાજપના સત્તાધારી વ્યક્તિ-પદાધિકારી-હોદ્દેદારોને ટાર્ગેટ કરી વિવાદિત નિવેદનો કરવા ટેવાયેલા છે.