ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ રાજકોટમાં:ઇટાલિયાએ કહ્યું- ગુજરાતમાં AAP ગામડાઓમાં ગ્રાઉન્ડ લેવલથી દિવસેને દિવસે મજબૂત બની રહી છે

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી. - Divya Bhaskar
ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
  • ગુજરાતને ઘણા વર્ષ પછી એક વિકલ્પની રાજનીતિ મળી છે

આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે આવનાર છે. જેને લઈને ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે રાજકોટ આવી પહોંચ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગામડાઓમાં ગ્રાઉન્ડ લેવલથી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. ત્યારે કામની રાજનીતિ કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે. પાર્ટી ગુજરાતની અંદર લોકોની આશા, વિશ્વાસ સાથે મજબૂત બની રહી છે. અરવિંદ કેજરીવાલ આવી રહ્યા હોવાથી આપના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.

ઘણા લોકોએ પરોક્ષ રીતે સમર્થન આપ્યું
ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને ઘણા વર્ષ પછી એક વિકલ્પની રાજનીતિ મળી છે. અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઇને રાજકોટ અને આજુબાજુના જિલ્લાઓમાં કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સુકતા છે. સામાજિક સંગઠનો, વેપારી એસોસિએશન અને નાના ઉદ્યોગોના સંગઠનોએ અરવિંદ કેજરીવાલને મળવાનો અમારી પાસે સમય માગ્યો છે. ઘણા લોકોએ પરોક્ષ રીતે સમર્થન જાહેર કર્યું છે અને શુભેચ્છાઓ પણ આપી છે.

અરવિંદ કેજરીવાલનો રાજકોટ પ્રવાસ
અરવિંદ કેજરીવાલ રાજકોટમાં 11 મેએ બપોરે 2.45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવશે. હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં સ્ટે કરશે. અહીં તેઓ સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે. બાદમાં સાંજે 7 વાગ્યે શાસ્ત્રીમેદાન ખાતે સભા સંબોધશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. રાત રાજકોટમાં જ રોકાશે અને 12ના રોજ દિલ્હી જવા રવાના થશે. અરવિંદ કેજરીવાલની જાહેરસભાને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠિયા, રાજભા ઝાલા સહિતના આગેવાનો તૈયારીમાં જોડાયા છે.