હવામાન:15 નવેમ્બર પછી ઠંડી પડવાની શરૂઆત થશે, ઓક્ટોબરમાં આખો માસ ગરમી રહેશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો પારો 33 ડિગ્રીએ પહોંચ્યો છે. જેને કારણે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ઓક્ટોબર આખો માસ આવી જ ગરમી રહેશે. 15 નવેમ્બર પછી શિયાળાની શરૂઆત થશે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર આ દર વર્ષે થતી પ્રક્રિયા છે. આ સમયગાળા દરમિયાન પવનની દિશા પણ બદલાઇ શકે છે. તેમજ દિવસે ગરમી અને રાત્રે ઠંડક જોવા મળશે. રવિવારે રાજકોટમાં 34.1 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું હતું અને પવનની ઝડપ માત્ર 5 કિલોમીટર રહી હતી જ્યારે ગરમીનો પારો વધુ હોવાને કારણે લોકોએ બફારો અનુભવ્યો હતો.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસું પૂરું થયા બાદ એક મહિનો સુધી આ રીતનું વાતાવરણ હોય છે. સૂર્યનું દક્ષિણતરફ પ્રયાણ થાય છે અને ઋતુ બદલાતા વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. 15 નવેમ્બર બાદ શિયાળાની શરૂઆત થશે. તેમજ આ દિવસો દરમિયાન પવન નોર્થ વેસ્ટ - નોર્થ તરફના પણ ફૂંકાઈ શકે છે. જેને હિસાબે રાત્રે ઠંડી અને દિવસમાં ગરમી જેવો માહોલ રહેશે. રવિવારે સવારે લઘુતમ તાપમાન 25.1 ડિગ્રી રહ્યું હતું. આ સમયે હવામાં ભેજનું પ્રમાણ 93 ટકા હતું અને દિવસભર આ પ્રમાણ 60 ટકા રહ્યું હતું. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર હવે ચોમાસું 6 તારીખથી વિડ્રોલ થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...