છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.
ધૂળની ડમરી ઉડતા વાહનચાલકો પરેશાન થયા
શહેરના યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જંક્શન સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત સમગ્ર શહેરમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા.
ગઇકાલે જસદણના આંબરડીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો
ગઇકાલે જસદણ પંથકમાં મેઘરાજાએ ધામા નાખ્યા હતા. આંબરડી, ભડલી, બંધાળી, સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આંબરડીમાં દોઢ કલામાં 4 ઇંચ વરસાદ પડતા ગામના રસ્તાઓ નદીમાં ફેરવાય ગયા હતા. વાવણીલાયક વરસાદ થતા આ ગામના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.