નવું નાણાકીય વર્ષ શરૂ થતાની સાથે જ આવકવેરા વિભાગ સક્રિય બન્યું છે. ગત સપ્તાહે રાજકોટ ડેરીને રોકડમાં વ્યવહારો કરવા માટે નોટિસ પાઠવી હતી. વેપારી, બિલ્ડર, ઉદ્યોગપતિના રોકડમાં વ્યવહારો ખૂલતા તેની પાસેથી પણ રાજકોટ આવકવેરાએ ખુલાસો માગ્યો છે અને તેને નોટિસ આપી છે. એસેસમેન્ટમાં વ્યવહારો સામે આવ્યા હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી જેમના રોકડમાં વ્યવહારો છે તે તમામને આવકવેરાએ નોટિસ આપી છે. નોટિસમાં રોકડમાં ખુલાસો કરવાનું કારણ, આવક- જાવકના દસ્તાવેજો, કરેલ ખર્ચ વગેરે સહિતની વિગતો માગવામાં આવી છે. આવકવેરા તરફથી નોટિસ મળતા જ જેમને રોકડમાં વ્યવહારો કર્યા છે તે સાવધ થઇ ગયા છે અને પોતાના વ્યવહારો છુપાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.
જોકે આ તપાસમાં અન્ય લોકો પણ ઝપટે ચડે તેવી સંભાવના સેવાઈ રહી છે. નોટબંધી અને જીએસટી બાદ હવે અત્યારે મોટા પાયે રોકડના વ્યવહારો ખુલ્યા હોવાનું આવકવેરા વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. નવું નાણાકીય વર્ષ શરૂ થઇ ગયું છે અને આગામી દિવસોમાં રાજકોટ આવકવેરાને નવો ટાર્ગેટ અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.