સોનીઓને હાલાકી:સોનાના દાગીનામાં હોલમાર્ક માટે રાજકોટના સેન્ટરમાં વારો નથી આવતો એટલે વેપારીઓ ગોંડલ, જૂનાગઢ, જેતપુરથી અમદાવાદ સુધી જાય છે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્થાનિક રિટેઈલર વેપારીએ ખરીદી બંધ કરી, સમયસર હોલમાર્ક થાય તે માટે દોડધામ

સોનાના દાગીના પર ફરજિયાત એચ.યુ.આઇ.ડી. હોલમાર્કનો નિયમ જૂન માસથી લાગુ કરવામાં આવ્યો છે. જ્યારથી આ નિયમ લાગુ થયો છે ત્યારથી સ્થાનિક હોલમાર્ક સેન્ટરમાં 15-20 દિવસનું વેઈટિંગ જોવા મળે છે. રાજકોટમાં પૂરતા પ્રમાણમાં હોલમાર્ક સેન્ટર નહિ હોવાથી રાજકોટના સોની વેપારી દાગીનામાં હોલમાર્ક કરાવવા માટે ગોંડલ, જૂનાગઢ, જેતપુર, અમદાવાદ સુધી જાય છે. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના જણાવ્યા મુજબ નવા નિયમને કારણે હાલ હોલસેલર વેપારીઓ પાસેથી રિટેઈલર વેપારીઓ ખરીદી કરતા નથી.પોતાના દાગીનામાં સમયસર હોલમાર્ક થઇ જાય તે માટે સોની વેપારીઓમાં હાલ દોડધામ જોવા મળે છે.

કેટલાક સોની વેપારીઓ દુકાન બંધ કરીને અન્ય વ્યવસાય તરફ વળી ગયા
હાલ એચ.યુ.આઈ.ડી. નિયમને કારણે હાલમાં સોનાનો વેપાર પ્રભાવિત થયો છે. જેને કારણે કેટલાક સોની વેપારીઓએ હાલમાં તેની દુકાન બંધ કરી દીધી છે અને એફ.એમ.સી.જી, હેન્ડલૂમ, કિચનવેર, પરફ્યૂમ સેક્ટરના વેપારમાં વળી ગયા હોવાનું સોની વેપારીઓ જણાવે છે. વધુમાં સોની વેપારીઓએ એવી માગણી કરી છે કે, હોલમાર્કની પ્રથામાંથી ફાયર એસે સિસ્ટમ કાઢી નાખો કારણ કે, તેનાથી દાગીનો બગડે છે. આવો ફાયર એસે થયેલો દાગીનો કોઇ લેતું નથી. જેથી આવા દાગીનાને ફરજિયાત ગાળવો પડે છે જે નુકસાનકારક છે.

ફરજિયાત હોલમાર્કથી અસર અને પડતી મુશ્કેલી

  • રિટેઈલર્સ તરફથી થતી ખરીદી ઘટી જતા સોનીબજારમાં અંદાજિત રૂ.100 કરોડનું ટર્નઓવર ઠપ થયું છે.
  • તહેવાર-લગ્નની ખરીદી નજીક હોવા છતાં ઉત્પાદકો નવા દાગીના બનાવવાનું ટાળે છે.
  • જે દાગીનામાં એચ.યુ.આઈ.ડી. હોલમાર્ક નથી તેનો નિકાલ કરવા માટે વેપારીઓ રિ- સાઇક્લિંગ કરી રહ્યા છે.
  • હાલ નવા કોઇ ઓર્ડર નહિ હોવાથી પરપ્રાંતીયો મજૂરો ફરી પોતાના વતન તરફ જવા લાગ્યા છે.
  • રાજકોટની સોનીબજારમાંથી અન્ય રાજ્યોના વેપારીઓ ખરીદી કે નવા ઓર્ડર આપે છે તે બંધ કરી દીધા છે.
  • બી.આઈ.એસ.નું પોર્ટલ યોગ્ય રીતે કામ કરતું નથી. ક્યારેક સર્વર ધીમું ચાલે છે.