વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ કમર કસી છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે અટકળો વહેતી કરી કરી દીધી છે. પરંતુ તેઓ ક્યાં પક્ષમાં જોડાવાના છે તે અંગે હજુ સુધી તેમણે ખુલાસો કર્યો નથી. પરંતુ દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. હાલ પ્રશાંત કિશોર અને નરેશ પટેલ દિલ્હીમાં મળ્યા છે. જ્યાં તેઓ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરશે. આ પહેલા રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. પરંતુ મુખ્યમંત્રી પદના ચહેરા અંગે અંતિમ નિર્ણય સોનિયા ગાંધી કરવાના હોવાથી એમને આજે જ મળશે.
કોંગ્રેસના હેમાંગ વસાવડાએ કહ્યું નરેશ ફાઇનલ કોંગ્રેસમાં જોડાશે
આ મુદ્દે રાજકોટ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ મીડિયાને જણાવ્યું છે કે, નરેશ પટેલ ચોક્કસપણે કોંગ્રેસમાં જ જોડાશે એ વાત ફાઈનલ છે. તેમને કોંગ્રેસમાં એક મોટું પદ આપવામાં આવશે, જેની ચર્ચા હાલ કોંગ્રેસમાં ચાલી રહી છે. નરેશ પટેલ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓને સાથે રાખીને બેઠક થઈ છે.
તેની અસર ગુજરાતના રાજકારણ પર પડી શકે છે
ડો. હેમાંગ વસાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, CM પદનો ચહેરો જાહેર કરવો કે ન કરવો આ બાબતની ચર્ચા ગુજરાત કોંગ્રેસમાં થઈ નથી અને દિલ્હી લેવલે પણ થઇ નથી. તેનો નિર્ણય યોગ્ય સમયે હાઈકમાન્ડ લેશે. પરંતુ મહત્વની વાત એ છે કે, કોંગ્રેસમાં નરેશ પટેલ ફરી સક્રિય થયા છે અને તેઓના કોંગ્રેસમાં જોડાશે એ વાત ફાઈનલ છે. ગુજરાત કોંગ્રેસમાં પાંચ પદ એવા મહત્વના છે કે જેના પર કોઇપણ વ્યક્તિ મુકાઇ તો તેની અસર સમગ્ર ગુજરાતના રાજકારણ પર પડી શકે છે, પણ જો તેઓ પ્રદેશ પ્રમુખ અને પ્રભારી સાથે મળીને ચૂંટણીની વ્યૂહરચના કરે તો અનોખું કોમ્બિનેશન બની જાય છે.
રાજસ્થાનમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે એક બેઠક મળી હતી
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં રાજસ્થાનમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે એક બેઠક મળી હતી અને એમાં ગુજરાતના રાજકારણના જાણકાર 2017માં કોંગ્રેસને વિજયની નજીક ખેંચી જવામાં સફળ રહેલા પૂર્વ પ્રભારી તથા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભૂમિકા મહત્ત્વની રહી છે. હવે તેમના શિષ્ય જેવા જ રાજસ્થાન કોંગ્રેસના નેતા ડો.રઘુશર્મા ગુજરાતનું સુકાન સંભાળી રહ્યા છે.
ચહેરો રજૂ કરવા પ્રશાંત કિશોરનો આગ્રહ હતો
કોંગ્રેસનાં આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરનો આગ્રહ હતો કે ગુજરાતમાં જનતા સમક્ષ એક ભરોસાપાત્ર ચહેરો રજૂ કરવો જરૂરી છે જેના થકી મોટા પાયે ધ્રુવીકરણ થઈને મતો કોંગ્રેસની જોળીમાં આવી શકે. તેના માટે એક ચહેરાની શોધમાં હતી અને એ હવે નરેશ પટેલના રૂપમાં આઇડેન્ટિફાઈ કર્યો છે. આ અંગે રાજસ્થાનમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક પણ મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.