કાલે દશેરા:શસ્ત્રપૂજન બપોરે 2.30થી 3.17ના મુહૂર્તમાં કરવું શ્રેષ્ઠ, ​​​​​​​સોના-ચાંદી, વાહનોની ખરીદી શુભ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આસો સુદ દશમને તારીખ 15ને શુક્રવારે દશેરાનો પર્વ છે. હિંદુ પંચાંગ પ્રમાણે વર્ષમાં ચાર શ્રેષ્ઠ દિવસ પૈકી એક દિવસ દશેરાનો છે જેમાં મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કરેલું કોઈપણ કામ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. આથી દશેરાના દિવસે મુહૂર્તમાં ચંદ્રબળ, નક્ષત્ર જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે નવું વાહન ખરીદવું, કળશ પધરાવવો, વાસ્તુ, ખાતમુહૂર્ત, નવી દુકાન કે પેઢીનું મુહૂર્ત, સોના-ચાંદીની ખરીદી બધું જ ઉત્તમ ગણાય છે.

શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, દશેરાએ આખો દિવસ શુભ હોવાથી મુહૂર્ત જોવાનું રહેતું નથી પરંતુ શસ્ત્ર પૂજા વિજય મુહૂર્તમાં કરવી શુભ માનવામાં આવે છે. દશેરાએ બપોરે 2.30થી 3.17 કલાક સુધી વિજય મુહૂર્ત છે. આ સમય દરમિયાન શસ્ત્રોનું પૂજન કરવું ફળદાયી ગણાય છે. જ્યારે ગરબો પધરાવવા માટે દશેરાએ સવારે 6.44થી 11.05 કલાક સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા છે. બપોરે 12.32થી 1.59 કલાક સુધી શુભ ચોઘડિયું છે અને સાંજે 4.54થી 6.21 કલાક સુધી ચલ ચોઘડિયું છે.

RSS જુદા જુદા કાર્યક્રમો ઉજવશે
આરએસએસનો મારુતિ વિસ્તારનો કાર્યક્રમ 17મીએ રવિવારે સાંજે 5-30 કલાકે ઈન્ડોર સ્ટેડિયમનું મેદાન, રેસકોર્સમાં યોજાશે. જ્યારે નટરાજ વિસ્તારમાં રવિવારે સાંજે 5-30 કલાકે નાગર બ્રાહ્મણ બોર્ડિંગ, વિરાણી હાઈસ્કૂલ સામે યોજાશે.રણછોડનગર વિસ્તારમાં સાંજે 5-45 કલાકે સરદાર પટેલ વિદ્યાલય, સંતકબીર રોડ ખાતે કાર્યક્રમ યોજાશે.