રાજકોટમાં કેજરીવાલના આડકરતા પ્રહાર:'બોટાદમાં ક્યા પક્ષ તરફથી અવારા તત્વોને દારૂ વેચવાની છૂટ મળી એ તપાસનો વિષય છે'

રાજકોટ23 દિવસ પહેલા

ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે રાજકોટ આવ્યા હતા. આજે તેઓએ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ પૂર્વે રાજકોટ એરપોર્ટ પર તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, બોટાદની ઘટના દુઃખદાયી છે. જેમાં 25થી વધુના લોકોના મૃત્યુ થયા છે. તેમના આત્માને ભગવાન શાંતિ અર્પે તેમજ સારવારમાં ગંભીર અવસ્થામાં રહેલા તમામ લોકો સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. બોટાદમાં ક્યાં પક્ષ તરફથી અવારા તત્વોને સરાજાહેર દારૂ વેચવાની છૂટ મળી એ તપાસનો વિષય છે.

ગુજરાતમાં સરળતાથી દારૂ મળી જાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદાકીય રીતે દારૂબંધી છે. અહીં દારૂ વેચવો પ્રતિબંધિત છે તો આ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કઈ રીતે થઈ રહ્યું છે. ગુજરાતના કોઈ પણ સ્થળે તમારે દારૂ જોઈતો હોય તો એ સરળતાથી તમને મળી જાય છે, એ કોઈ મોટી વાત નથી. મને તો એવું જાણવા મળ્યું છે કે, અહીં કરોડો રૂપિયાનો દારૂનો વ્યવસાય ચાલે છે તો તેનું વેચાણ થઈ કેવી રીતે રહ્યું છે તેની પણ તપાસ કરવી જોઈએ.

અહીં પ્રજા દુઃખી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી કે, નકલી દારૂના કારણે લોકોના મોત થયા હોય. ગુજરાતમાં આ પૂર્વે પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તંત્ર જો ઈચ્છે તો પણ દારૂને રોકી નથી શકતું અથવા તંત્રની ઈચ્છા જ નથી કે તે દારૂબંધીના કાયદાનો કડક પણે અમલ કરે, અહીં પ્રજા દુઃખી છે.

કેજરીવાલે સોમનાથ મંદિરે દર્શન કર્યા હતા
કેજરીવાલે સોમનાથ મંદિરે દર્શન કર્યા હતા

વેપારીઓ ખૂબ જ ડરેલા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે આ ઘટના પછી ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કડક પણે અમલ થશે. મેં તો આજે સોશિયલ મીડિયામાં જોયું કે, ઘણા ગામના લોકોએ સરકારને પત્રો પણ લખ્યા છે કે, અમારા ગામમાં જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ મામલે તમે કોઈ પગલાં લો. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. આવું શું કામ થઈ રહ્યું છે? એ હું નથી જાણતો. હાલ હું વેપારીઓ સાથે મિટિંગ કરવા જઈ રહ્યો છું. ગુજરાતના વેપારીઓ ખૂબ જ ડરેલા છે. એ લોકોની એક જ સમસ્યા છે કે, તેમને કઈ પણ કરવાની છૂટ નથી. તેમના વેપારને પ્રોત્સાહન નથી મળતું એટલે આજે હું રાજકોટના વેપારીઓને મળીશ અને તેમની સમસ્યાઓને જાણીશ.

સોમનાથ મંદિરે દર્શન કર્યા
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોના નેતાઓના પ્રવાસ વધી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સોમવારની રાત્રીના સોમનાથ પહોંચી રોકાણ કર્યુ હતુ. બાદ આજે સવારે રાજ્યના આપ પાર્ટીના નેતાઓ સાથે કેજરીવાલ સોમનાથ મંદિરે પહોંચી મહાદેવની પૂજા-અર્ચના સાથે ધ્વજાપુજા કરી દેશ અને દેશવાસીઓની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યાંથી કેજરીવાલ તેમના કાફલા સાથે રાજકોટ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...