ધૂંઆધાર બેટિંગ, શાનદાર બોલિંગ ચિત્તા જેવી ફિલ્ડિંગના પ્રદર્શનથી ટીમ ઇન્ડિયામાં સરના ઉપનામથી જાણીતા બનેલા સૌરાષ્ટ્રના રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં આઇપીએલના મેચમાં અંતિમ ઓવરમાં સટાસટી બોલાવી 37 રન ફટકારતા સૌરાષ્ટ્ર સિનિયર ટીમના કોચ સિતાંશુ કોટકે તેની ભારોભાર પ્રશંસા કરી છે અને કહ્યું કે, રવીન્દ્ર બેટિંગમાં કોઇપણ ક્રમે ઉતરે તેને ફર્ક પડતો જ નથી. એનું લક્ષ્ય બેટિંગ સમયે બેટિંગ પર જ હોય છે. હાલ તે જે રીતે તેનું ટેલેન્ટ બતાવી રહ્યો છે તે જોતા હવે તે પૂરો મેચ્યુર્ડ થઇ ગયો છે. આગામી સમયમાં તેની ધૂંઆધાર બેટિંગ અને શાનદાર બોલિંગ જોવા મળશે.
બેંગ્લુરુ અને ચેન્નાઇ વચ્ચે રમાયેલા ટી-20 મેચમાં રવીન્દ્ર જાડેજાએ બેંગ્લુરુના હર્ષલ પટેલની અંતિમ ઓવરમાં 6, 6, 7, 6, 2, 6, 4 રન ફટકારી 37 રન કર્યા હતા. આઇપીએલમાં એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ 2011માં બેંગ્લુરુ વતી રમતા ક્રિસ ગેઇલે કોચી તસ્કર કેરેલાના પ્રાશનાથ પરમેશ્વરની બોલિંગમાં 6, 7, 4, 4, 6, 6, 4 ફટકારી 37 રન કર્યા હતા. ક્રિસ ગેઇલે 2010માં મનોજ તિવારી સાથે કોલકાતા વતી રમીને પંજાબના રવિ બોપારાની ઓવરમાં 1, 6, 6, 6, 6, 5, 2, 1 રન કરી 33 રન કર્યા હતા. 2012માં ક્રિસ ગેઇલે વધુ એક વખત સૌરભ તિવારી સાથે મળી પૂણે વોરિયરના બોલર રાહુલ શર્માની બોલિંગમાં 1, 6, 6, 6, 6, 6 ફટકારી 31 રન કર્યા હતા.
2014માં ચેન્નઇ ટીમના સુરેશ રૈનાએ પંજાબના પરવિંદર આવનાની બોલિંગમાં 6, 6, 4, 4, 4, 4, 4 ફટકારી 33 રન કર્યા હતા. આઇપીએલ ટૂર્નામેન્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવામાં ક્રિસ ગેઇલ અવ્વલ છે. ત્યારે સૌરાષ્ટ્રના રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 37 રનનો દસ વર્ષ પહેલાના ક્રિસ ગેઇલના રેકોર્ડની બરાબરી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.