રાજકોટ SOGની કાર્યવાહી:મેફેડ્રોન ડ્રગ્સ સાથે કચ્છનો વતની ઝડપાયો, 3 માસથી નશાનો કારોબાર કરતો’તો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મુસ્તાક કેટલાક સમયથી રાજકોટમાં રહેતો’તો
  • સોમનાથ વેરાવળથી લાવ્યાની કેફિયત, અન્ય કેટલાક લોકોની સંડોવણીની શંકા

શહેરમાંથી વધુ એક ઇસમ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મળી આવ્યો હતો. રેલનગર વિસ્તારમાં રહેતો કચ્છનો વતની અગાઉ ડ્રગ્સનું સેવન કરતો હતો અને ત્રણેક મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર કરવા લાગ્યો હતો. રૂ.70 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આ ઇસમે વેરાવળથી લાવ્યાની કેફિયત આપતા પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

રેલનગરની છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતો કચ્છના માંડવી તાલુકાના ગુંદિયારી ગામનો મુસ્તાક અબ્દુલ ઘીસોરા (ઉ.વ.38) કેટલાક સમયથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોવાની પોલીસને માહિતી મળી હતી. એસઓજીના પીએસઆઇ ટી.બી.પંડ્યા સહિતનો સ્ટાફ શુક્રવારે પેટ્રોલિંગમાં હતો ત્યારે રેલનગરમાં ટાઉનશિપની બાજુમાં જ મુસ્તાક ઘીસોરા શંકાસ્પદ હાલતમાં દેખાતા પોલીસે તેને સકંજામાં લઇ તલાશી લેતા તેની પાસેથી શંકાસ્પદ પાઉડર મળી આવ્યો હતો.

પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતા મુસ્તાક પાસેથી મળેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. પોલસે મુસ્તાક પાસેથી રૂ.70 હજારનું 7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી મુસ્તાકને સકંજામાં લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છનો વતની મુસ્તાક કેટલાક વર્ષોથી રાજકોટ સ્થાયી થયો હતો અને અગાઉ રિક્ષા ચલાવતો હતો અને હાલમાં મચ્છીનો વેપાર કરતો હતો. મુસ્તાકને માદક પદાર્થનો નશો કરવાની કુટેવ હતી અને ત્રણેક મહિનાથી ડ્રગ્સનો વેપલો કરવા લાગ્યો હતો. મુસ્તાક વેરાવળથી ડ્રગ્સ લાવ્યાનું ખૂલતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. મુસ્તાક અગાઉ કેટલી વખત ડ્રગ્સ લઇ આવ્યો હતો અને કોને કોને આપ્યું હતું તે સહિતના મુદ્દે પણ પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...