તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:ઇસ્કોન મંદિર, રામકૃષ્ણ આશ્રમે પૂરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ આપ્યા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક સંસ્થાઓએ ભોજન, ફૂડ પેકેટ્સ અને વસ્ત્રો આપ્યા

રાજકોટ અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, વીજળી પણ ન હતી. આવી વિકટ સ્થિતિમાં ઇસ્કોન મંદિર દ્વારા પૂરગ્રસ્ત લોકોને મદદ કરવામાં આવી હતી અને ભોજન પ્રસાદ અને ફૂડ પેકેટ્સ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. ઇસ્કોન મંદિરના ભક્તોએ તમામ અસરગ્રસ્ત વિસ્તારો માટે રસોઈ શરૂ કરી અને લગભગ એક હજારથી વધુ જરૂરિયાતમંદ લોકોને ગરમા ગરમ ભોજન અને ફૂડ પેકેટનું વિતરણ કરી અને તેમના ચહેરા પર થોડું સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો.

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પણ તાજેતરના અણધાર્યા વરસાદના કારણે સર્જાયેલી જળ હોનારતના પગલે જામનગર જિલ્લાના અલિયાબાડા ખાતે રાહત કામગીરી હાથ ધરાઈ હતી. રામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ સ્વામી પ્રભુસેવાનંદજી અને પૂર્ણરૂપાનંદજી તથા સ્વયંસેવકોની ટીમ મંગળવારે બપોરે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા પહોંચી ત્યારે ઠેર ઠેર કાદવ-કીચડ હતો.

લોકોએ સડી ગયેલું અનાજ ફેંકી દેવું પડ્યું હતું.અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈ જમીન પર બેસી શકે એવું પણ નહોતું તેથી શેત્રંજી તરીકે 200 નંગ પ્લાસ્ટિકની તાલપત્રી, બધું પૂર્વવત્ થાય ત્યાં સુધી ભોજન માટે ફૂડ પેકેટ અને 200 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અલિયાબાડાના લોકો માટે બુધવારે સવારે વધુ એક ટીમ જૂના કપડાં, બ્લેન્કેટ વગેરે લઈને રવાના થશે. જે લોકો પોતાનાં જૂના વસ્ત્રો આપવા માગતા હોય તે તારીખ 15 સપ્ટેમ્બર સવારે દસ વાગ્યા સુધીમાં રામકૃષ્ણ આશ્રમના કાર્યાલયમાં જમા કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...