વિઠ્ઠલભાઈ જેવો હુંકાર:RDC બેંકના ભરતીકૌભાંડનો આક્ષેપ કરનારાઓને કહી દીધું, 'આવાને જવાબ આપવાના ન હોય, સામનો કરવા જયેશ રાદડિયા એકલો સક્ષમ’

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • ભૂતકાળમાં આવા જ આક્ષેપો સાથે બેંકની અંદર તપાસો થઈ ગઈ
  • ક્યાંય ગેરરીતિ મળી નહોતી, આથી અમને કોઈ ફેર પડતો નથી
  • કોંગ્રેસમાં ઘરવાપસીનો કોઈ સવાલ જ નથી, એ એનું કામ કરે

રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સામે ભરતીકૌભાંડનો આક્ષેપ સહાકારી જગતના જ ભાજપના નેતાઓએ કર્યો છે. આ મામલે જયેશ રાદડિયાના હરીફ જૂથે કોર્ટ સુધી જવાની પણ તૈયારી કરી છે. ત્યારે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આવા લોકોના આક્ષેપોના જવાબ આપવાના ન હોય અને આપતો પણ નથી. આવા આક્ષેપોનો સામનો કરવા જયેશ રાદડિયા એકલો સક્ષમ છે.

દિવ્ય ભાસ્કરના સવાલોના જયેશ રાદડિયાએ આપ્યા આવા જવાબ
દિવ્ય ભાસ્કરઃ તમારી પર આક્ષેપો થયા એના વિશે શું કહેશો?

જયેશ રાદડિયાઃ મેં આની પહેલાં પણ જવાબ આપ્યો હતો કે આક્ષેપો પાયાવિહોણા છે, રાજકોટ જિલ્લા સહકારી બેંક સમગ્ર દેશમાં નમૂનેદાર ખેડૂતોના હિતમાં કામ કરતી સંસ્થા છે. લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ બેંક પર જળવાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કરઃ એ લોકો કોર્ટમાં જવાની વાત કરે છે તો શું કહેશો?

જયેશ રાદડિયાઃ આ તેનો પ્રશ્ન છે, એમાં મારે કઈ કહેવાનું ન હોય, રાજકોટ જિલ્લા સહકારી બેંકની વાત થઇ એમાં સવાબે લાખ ખેડૂત તો ધિરાણ લેતા સભાસદો છે. એ સિવાયના મધ્યમ કદના 8 લાખથી વધુ સભાસદનાં બેંકમાં એકાઉન્ટ છે. 31 માર્ચ 2021થી 31 માર્ચ 2022 સુધીમાં એક વર્ષમાં બેંકે 160 કરોડનો નફો કર્યો છે. ગત વર્ષે 129 કરોડનો નફો હતો, આથી બેંકનો 31 કરોડનો નફો વધ્યો છે. મંડળીમાં અને બેંકમાં આક્ષેપો પછીનો પણ સભાસદોમાં ભરોસો વધ્યો છે, જેમાં નવા સભાસદો ઉમેરાયા છે અને બેંકની ડિપોઝિટ પણ વધી છે. જ્યાં આક્ષેપો થતા હોય ત્યાં ડિપોઝિટો ન વધે.

દિવ્ય ભાસ્કરઃ આવું કરવા પાછળનો એ લોકોનો ઉદ્દેશ શો છે?

જયેશ રાદડિયાઃ એવું તો એ લોકોને ખબર હોય, આ મારો પ્રશ્ન નથી.

દિવ્ય ભાસ્કરઃ સૌરાષ્ટ્રના રાજકારણમાં પાટીદાર મતદારોનું મહત્ત્વ કેટલું?

જયેશ રાદડિયાઃ રાજકારણની અંદર દરેક સમાજના અને દરેક મતદારના મતનું મહત્ત્વ હોય છે. ગુજરાતમાં તમામ મતદારોનું મહત્ત્વ હોય છે, માત્ર સમાજ પૂરતું ન હોય.

દિવ્ય ભાસ્કરઃ હાર્દિક પટેલ ચૂંટણી લડવાના છે એવું કહે છે તો તમારું શું માનવું છે?

જયેશ રાદડિયાઃ પટેલ સમાજ હંમેશાં ભાજપ સાથે રહ્યો છે અને હરહંમેશ સાથે જ રહેવાનો છે. એટલા માટે જ રાજ્યની અંદર છેલ્લાં 25 વર્ષથી ભાજપની સરકાર બનતી આવી છે.

દિવ્ય ભાસ્કરઃ પાટીદાર ભાજપથી નારાજ છે એવું માનો છો?

જયેશ રાદડિયાઃ પાટીદારોએ જ મત આપ્યા ત્યારે ભાજપની સરકાર બની છે. પાટીદારોનો કાયમી સરકારની અંદર મહત્ત્વનો ફાળો રહ્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો ભાજપને જ મત આપશે.

દિવ્ય ભાસ્કરઃ 100ને ભાજપ રિપીટ નહીં કરે એમાં તમારો સમાવેશ થાય તો અન્ય પાર્ટીમાં જોડાશો?

જયેશ રાદડિયાઃ પાર્ટીનો નિર્ણય કાયમી માટે માન્ય રહેતો હોય છે, અમે ભાજપના કાર્યકર્તાઓ છીએ.

દિવ્ય ભાસ્કરઃ હાર્દિક પટેલે તમને ઘરવાપસી કરવી જોઇએ એવું કહ્યું છે, તો તમારી ઇચ્છા ખરી?

જયેશ રાદડિયાઃ અમે ભાજપમાં છીએ, કોંગ્રેસ એનું કામ કરે, અમે અમારું કામ કરીએ છીએ.

દિવ્ય ભાસ્કરઃ મહેશ આસોદરિયામાં તમારું નામ ઊછળ્યું, એ અંગે શું કહેશો?

જયેશ રાદડિયાઃ રાજકોટ જિલ્લા સહકારી બેંકની હેઠળ 800થી વધુ મંડળીઓ છે, એમાં રાજકોટ-લોધિકા સંઘ હોય કે અન્ય કોઈ. એમાં એક પ્રતિનિધિ મૂકવાનો રાજકોટ જિલ્લા બેંકને અધિકાર છે. આવી રીતે 800થી વધુ મંડળીઓમાં અલગ અલગ પ્રતિનિધિઓ મૂકેલા છે. કઈ વ્યક્તિ કેવી છે તેનો બેંક સાથે કોઇ નિસ્બત નથી. મહેશ આસોદરિયાનું રાજીનામું પણ મેં લઇ લીધું છે.

દિવ્ય ભાસ્કરઃ નરેશ પટેલ વિશે શું કહેશો?

જયેશ રાદડિયાઃ નરેશભાઈ સમાજના આગેવાન છે, ખોડલધામના પ્રમુખ છે. નરેશભાઈને રાજકારણમાં જોડાવું જોઇએ કે નહીં એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કરઃ વિઠ્ઠલભાઈ હોત તો અત્યારે આક્ષેપો થયા તે કરી શકત?

જયેશ રાદડિયાઃ ભૂતકાળમાં પણ આક્ષેપો થયા છે, કલમ 86 અને 93 હેઠળ બેંકની અંદર તપાસો થઈ ગઈ છે. ભૂતકાળમાં તપાસમાં ક્યાંય પણ ગેરરીતિ મળી નથી. આ જ કલમ હેઠળ જ ફરી તપાસ કરી છે. આથી અમને કોઈ ફેર પડતો નથી. આવા લોકોના આક્ષેપોના જવાબ ન હોય, આનો સામનો કરવા જયેશ રાદડિયા એકલો સક્ષમ છે.

જયેશ રાદડિયા સામે આક્ષેપ કરનારા ભાજપના આગેવાન નીતિન ઢાંકેચા (ડાબી બાજુ), રાજકોટ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન હરદેવસિંહ જાડેજા (વચ્ચે) અને પુરુષોત્તમ સાવલિયા (જમણી બાજુ)
જયેશ રાદડિયા સામે આક્ષેપ કરનારા ભાજપના આગેવાન નીતિન ઢાંકેચા (ડાબી બાજુ), રાજકોટ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન હરદેવસિંહ જાડેજા (વચ્ચે) અને પુરુષોત્તમ સાવલિયા (જમણી બાજુ)

શું છે બેંકના ભરતીકૌભાંડના આક્ષેપનો સમગ્ર મામલો
રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, ભાજપના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ નીતિન ઢાંકેચા અને પુરુષોત્તમ સાવલિયા જૂથે મોરચો માંડ્યો છે. આ જૂથે ગાંધીનગરમાં રાજકોટ જિલ્લા બેંકમાં ભરતીકૌભાંડને લઇ જયેશ રાદડિયા વિરુદ્ધ રજૂઆત કરી હતી. ભાજપના જ પુરુષોત્તમ સાવલિયા, નીતિન ઢાંકેચા અને વિજય સખિયાએ ગાંધીનગરમાં સહકાર રજિસ્ટ્રારને જણાવ્યુ હતું કે હાલમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં 900 જેટલા કર્મચારીઓની ભરતીમાં મોટું કૌભાંડ આચરાયું છે. આ નિયમથી વિરુદ્ધ ભરતી કરવામાં આવી હતી. એ પછી કોઈ જાહેરખબર આપ્યા વગર રોજગાર કચેરીમાંથી નામ મગાવ્યા વગર કે કોઈ પ્રકારના ઇન્ટરવ્યુ યોજ્યા વગર દરેક ઉમેદવારની 3 માસના રોજમદાર તરીકે પટ્ટાવાળા તરીકે ભરતી કરાઈ છે. એક વર્ષ બાદ તેને કાયમી કરાતા હતા અને પાંચ વર્ષ પછી તેને ક્લાર્ક તરીકે પ્રમોશન આપી આગળ વધારી દેવાતા હતા. બેંકના ચેરમેન જયેશ રાદડિયા વર્ષે 60થી 70 કર્મચારીની ભરતી કરી ઉમેદવારદીઠ 45 લાખ વસૂલતા હોવાનો ભાજપના આ જૂથે આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...