એક્સક્લૂઝિવ:રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી, બધી વાતો અફવા અને સત્યથી વેગળી: રિવાબાની સાફ વાત

રાજકોટ5 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં રવીન્દ્રની પત્નીએ નિવૃત્તિની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું
  • લિગામાઇટ ઈન્જરીને કારણે જાડેજા હાલ 4-6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે, આફ્રિકા પ્રવાસમાંથી બહાર

છેલ્લા બે દિવસથી ભારતીય ક્રિકેટ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ટેસ્ટ તેમજ ટી-20 અને વન-ડે ફોર્મેટમાં કેપ્ટનશિપને લગતો વિવાદ ચાલી રહ્યો છે. આ બંને ખેલાડીની વિવિધ ફોર્મેટમાં નહીં રમવાની અફવા વચ્ચે એવી પણ વાતો વહેતી થઈ છે કે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક રવીન્દ્ર જાડેજા પણ નિવૃત્તિ લઈ રહ્યો છે. જોકે દિવ્યભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં રવીન્દ્રની પત્ની રિવાબા જાડેજાએ આવી તમામ અફવા પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું હતું કે રવીન્દ્ર હાલ ક્રિકેટની કોઈપણ ફોર્મેટમાં નિવૃત્તિ વિશે વિચારતો નથી.

રવીન્દ્ર જાડેજાએ પણ અફવા ગણાવી ટ્વીટ કર્યું
આ અંગે રવીન્દ્ર જાડેજાએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું છે, જેમાં તેણે એક ફોટો શેર કર્યો છે. એમાં લખવામાં આવ્યું છે કે નકલી મિત્રો અફવાઓમાં વિશ્વાસ કરે છે, જ્યારે સાચા મિત્રો તમારામાં વિશ્વાસ કરે છે.

'જવાબદાર મીડિયાએ રવીન્દ્રની નિવૃત્તિની અફવા ફેલાવવી ન જોઈએ'
સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવા વિચારી રહ્યાના અહેવાલો બે દિવસથી વહેતા થયા છે. વિવિધ માધ્યમો ઉપરાંત સોશિયલ મીડિયામાં એવી વાતો ફેલાઈ હતી કે માત્ર ટી-20 અને વન-ડે ફોર્મેટમાં જ જાડેજા રમવાનું ચાલુ રાખશે. અમુક માધ્યમોએ તો આ અંગે તેના ખાસ મિત્ર સાથે વાત થઈ હોવાનો દાવો પણ કર્યો હતો. આ અંગેની સત્યતા જાણવા માટે દિવ્યભાસ્કરે સીધી રિવાબા સાથે ખાસ વાતચીત કરી હતી. એમાં રિવાબાએ આ વાતને સત્યથી તદ્દન વેગળી અને ગેરમાર્ગે દોરનારી ગણાવી હતી, સાથે જ જવાબદાર મીડિયાએ આવી અફવા ન ફેલાવવી જોઈએ એવી ટકોર પણ કરી હતી.

રિવાબાએ કહ્યું-જવાબદાર મીડિયા આવી અફવાથી દૂર રહે.
રિવાબાએ કહ્યું-જવાબદાર મીડિયા આવી અફવાથી દૂર રહે.

રવીન્દ્ર ક્રિકેટમાં સારામાં સારું પર્ફોર્મન્સ આપી રહ્યો છે
રિવાબાએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે હાલ કેટલાક લોકો દ્વારા આ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે, પરંતુ એમાં જરાય તથ્ય નથી. ખરેખર કોઈપણ જવાબદાર મીડિયાએ આ પ્રકારની અફવા ફેલાવવી જોઈએ નહીં. હાલ રવીન્દ્ર ટેસ્ટ ઉપરાંત વ્હાઈટ બોલ ક્રિકેટમાં સારામાં સારું પર્ફોર્મન્સ આપી રહ્યો છે, ત્યારે નિવૃત્તિ વિશે વિચારવાને કોઇ સ્થાન જ નથી. લોકોને પણ મારી વિનંતી છે કે આવી કોઈપણ અફવાથી ગેરમાર્ગે ન દોરાવો.

રિવાબા સામાજિક કાર્યો સાથે જોડાયેલી છે.
રિવાબા સામાજિક કાર્યો સાથે જોડાયેલી છે.

જાડેજા ઇજાને કારણે સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર
ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક સમયથી ઇજા સામે ઝઝૂમી રહ્યો છે. એને કારણે તેને આગામી સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે. જોકે ઈજામાંથી તે ઝડપથી સાજો થઈને ત્રણેય ફોર્મેટના ક્રિકેટમાં બને તેટલી વહેલીતકે પુનરાગમન કરવા માગે છે. અત્યારે બીસીસીઆઈ પેનલના ડોક્ટર પાસેથી જ જાડેજા ઈજાની સારવાર મેળવી રહ્યો છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.

રવીન્દ્ર જાડેજા હાલ ઇજાને કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસથી બહાર છે..
રવીન્દ્ર જાડેજા હાલ ઇજાને કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસથી બહાર છે..

જાડેજાને સાજા થવામાં 4-6 મહિનાનો સમય લાગે એમ છે
જાડેજાને ન્યૂઝીલેન્ડ સામેની કાનપુર ટેસ્ટ દરમિયાન કોણીમાં ઈજા થઈ હતી. આમાં તેને લિગામાઈટ ટીયર (સ્નાયુની ઈજા) થઈ હતી, જેમાં રૂઝ આવતાં 4-6 મહિના લાગી જશે. જો તે સર્જરી કરાવશે તો તે આગામી આઈપીએલ પહેલાં ફિટ થઈ શકશે. આ અપડેટ મળતાં જ જાડેજા પોતાના ODI, T-20 અને IPL કરિયર લાંબી રાખવા માટે ટેસ્ટ છોડી દેવાનો હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે તેની પત્ની રિવાબા સાથેની વાતચીત બાદ આ તમામ અફવા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. રવીન્દ્ર આવનારા સમયમાં પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાં ચોગ્ગા-છગ્ગા ફટકારતો અને હરીફ ટીમના બેટ્સમેનોની વિકેટ પાડી પેવેલિયન ભેગા કરતો પણ જોવા મળશે એ નિશ્ચિત છે.

રિવાબા નારી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે.
રિવાબા નારી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહે છે.

રિવાબા સામાજિક સેવાકાર્યમાં જોડાયેલી રહે છે
રિવાબા સામાજિક સેવાકાર્યો સાથે પણ જોડાયેલી છે. તેના લગ્નને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેમણે ગત એપ્રિલ મહિનામાં જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા 21મા સમૂહલગ્નમાં 34 કન્યાને 4 નંગ સોનાના ખડગ ભેટસ્વરૂપે આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રિવાબા સામાજિક સેવાકાર્યમાં જોડાયેલા છે. એમાં પણ ખાસ નારી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહી કાર્ય કરી રહી છે.

ગત વર્ષે જ રિવાબાએ બાડા અને ખીરી ગામે બે બહેનને સિલાઇ મશીન આપ્યાં હતાં.
ગત વર્ષે જ રિવાબાએ બાડા અને ખીરી ગામે બે બહેનને સિલાઇ મશીન આપ્યાં હતાં.

આ પહેલાં મહિલાઓને સિલાઇ મશીન આપ્યાં હતાં
ગત વર્ષે રિવાબા દ્વારા બહેનો આત્મનિર્ભર બને એ માટે જામનગર જિલ્લાના બાડા તથા ખીરી ગામ ખાતે બે-બે સિલાઈ મશીનોનું મહિલાઓને અનુદાન પણ કર્યું હતું. આ સિલાઈ મશીન દ્વારા સીવણ ક્લાસ કરી બહેનો હુન્નર શીખી આત્મનિર્ભર બને અને હાલના સમયમાં માસ્ક તેમજ સિલાઈને લગતાં નાનાં-મોટાં કાર્યો ઘરે રહીને કરી શકે છે. આત્મનિર્ભરતાનો મંત્ર શિક્ષણ વગર સાર્થક ન થાય, આથી સ્ત્રી શિક્ષણનું મહત્ત્વ સમજાવી કન્યા કેળવણીનું પ્રમાણ વધે એ માટે પણ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...