ચોમાસુ નજીક છે ત્યારે સિંચાઇ વિભાગમાં માત્ર 15 ટકા સ્ટાફથી જ ચાલતી કામગીરી અંતર્ગત સેંકડો તળાવોમાંથી કાંપ કાઢવા સહિતની કામગીરી ખોરવાઇ રહી છે ત્યારે જ તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કામ દેખાડવા નવા 75 તળાવો બનાવવાની કવાયત હાથ ધરતા ખેડૂતોમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું છે !
રાજકોટ જિલ્લામાં 594થી વધુ ગામડાંઓ આવે છે જે ગામોમાં વડાપ્રધાન કહે છે તે રીતે વિકાસ કરવો, સરકારની પાયાની યોજનાઓ પહોંચાડવી તે સહિતની તમામ પ્રકારની જવાબદારી જિલ્લા પંચાયત તંત્રની છે. આ સ્થિતિ વચ્ચે સિંચાઇ વિભાગના અધિકારીઓ એવું કહે છે કે, 85 ટકા સ્ટાફ નથી, અનેક રજૂઆતો કરી, ચોમાસું માથા પર છે છતાં સ્ટાફની નિમણૂક થતી નથી.
ખેડૂતોમાં એવો ગણગણાટ છે કે, જિલ્લા પંચાયતના મોભીઓ ગામડાંનો વિકાસ થાય તેવો પ્રયત્ન કરતા હશે, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ અનુસાર છેવાડાના ગામડાંમાં પાયાની સ્થિતિ કંઇક અલગ જ છે. અધિકારીઓ સરકારી ખર્ચે વિમાનમાં ઉડી દિલ્હી કોન્ફરન્સમાં જાય તેની સામે કંઇ વાંધો નથી, પરંતુ દિલ્હીથી આવ્યા બાદ ગામડાંને ઉત્તમ લાભ મળે તેવા પગલાં ભરવામાં આવે તે પણ જરૂરી છે.
ચેમ્બર્સ ખાલીખમ, અરજદારોને ધક્કા
રાજકોટ જિલ્લા પંચાયતમાં અગાઉ કોંગ્રેસનું શાસન હતું, હાલ ભાજપનું શાસન છે. વર્તમાન સ્થિતિ મુજબ ખેડૂતો એવું લાગી રહ્યું છે કે, ભાજપે જ્યારે શાસન મેળવ્યું ત્યારે ગામડાંના પાયાના વિકાસની જે વાતો કરી હતી તે એક તરફ રહી ગઇ હોય તેવું દ્દશ્ય સર્જાઇ રહ્યું છે. ગણતરીની સમિતિઓ બાદ કરીએ તો ટોચની સમિતિઓના મોભીઓની ચેમ્બરો ખાલીખમ ભાસતી હોઇ અરજદારોને અસરકારક ન્યાયની બાબતે ધક્કા થઇ રહ્યા હોવાની છાપ ઉપસી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.