કામગીરી ગોકળ ગાયની ગતિએ:સિંચાઇમાં 134ના મહેકમ સામે 33નો સ્ટાફ, બજેટ છે છતાં કામો થતા નથી!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેકડેમ, તળાવો ઊંડા કરવાની ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરી
  • રૂ.2.86 કરોડની ગ્રાન્ટ મળી પરંતુ કામગીરી સંલગ્ન ​​​​​​​આયોજનનો અભાવ

રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નાના ડેમ, ચેકડેમ અને તળાવો ઊંડા કરવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે ત્યારે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થશે કે નહીં, તે અંગે સવાલો ઊભા થઇ રહ્યા છે.

ખાટલે મોટી ખોડ એ છે કે, સિંચાઇ વિભાગ પાસે વિકાસ કામોને લઇને કરોડોની ગ્રાન્ટ તો છે પરંતુ ઝડપી કામગીરી ખોરવાઇ રહી છે, જે ગતિએ કામ થવા જોઇએ તે ગતિએ નથી થઇ રહ્યા તેની પાછળનું કારણ કચેરીમાં સ્ટાફનું સંપૂર્ણ મહેકમ ન હોવાનું આપવામાં આવી રહ્યું છે. ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે ખૂટતા સ્ટાફની ભરતી કરવા ડીડીઓને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કાર્યવાહી થતી નથી.

જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગમાં કુલ 134 કર્મચારીનું મહેકમ છે તેની સામે માત્ર 33 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. એકંદરે 85 ટકા સ્ટાફની ઘટ છે. ખુદ કાર્યપાલક ઇજનેરની ખુરશી પર છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ અધિકારી દ્વારા કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં 56 નાના ડેમ, 840 ચેકડેમ અને 1200થી વધુ તળાવોમાં રિપેરિંગ-ઊંડા કરવાની કામગીરી ખોરવાઇ રહી છે.

તાજેતરમાં 2.86 કરોડની ગ્રાન્ટ મળી છે, ચોમાસા પહેલા સુજલામ સુફલામ હેઠળ 236 ચેકડેમ, તળાવો ઊંડા કરવાનો લક્ષ્યાંક છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, હજુ સુધી કોઇ અસરકારક આયોજન કે, તૈયારી કરવામાં આવી નથી. ચોમાસા વચ્ચે ગણતરીના જ દિવસો બચ્યા છે ત્યારે કોઇ ખાસ પ્લાનિંગ હજુ કરાયું ન હોવાનો, તેમજ વધુ માહિતી મેળવાઇ રહી છે તેવો નિર્દેશ ખુદ અધિકારીએ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...