કાર્યવાહી:ટ્રાવેલ્સમાંથી યુવકની મળેલી લાશમાં ઘટના આપઘાતની હોવા મુદ્દે તપાસ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી આવેલી બસમાં ગળું કપાયેલી લાશ મળતા હત્યાનો ગુનો નોંધ્યો ’તો
  • યુવકના પ્રેમપ્રકરણ અંગેની તપાસ કરવા પોલીસની એક ટીમ સુરત પહોંચી

શહેરમાં સોમવારે સવારે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચેલી ખાનગી બસના સ્લિપર કોચમાંથી યુવકનું ગળું કપાયેલી લાશ મળી હતી, સુરતથી બેઠેલા જામનગરના ભોજાબેડીના યુવકની હત્યા થયાનો પોલીસે ગુનો નોંધ્યો હતો પરંતુ હત્યા થયા અંગેના કોઇ પુરાવા મળ્યા નહોતા, તેમજ પ્રેમમાં નિષ્ફળતા મળતાં નાસીપાસ થઇ યુવકે આપઘાત કર્યાની દૃઢ શંકા સેવાઇ રહી છે અને પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી.

જામનગરના ભોજાબેડી ગામનો વતની અને વર્ષોથી સુરત સ્થાયી થયેલો પ્રવીણ રૂપાભાઇ વાઘેલા (ઉ.વ.34) રવિવારે રાત્રે સુરતથી ક્રિષ્ના ટ્રાવેલ્સમાં બેઠો અને સવારે બસ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ત્યારે સ્લિપર કોચની કેબિનમાંથી પ્રવીણની ગળું કપાયેલી લાશ મળી હતી, પ્રવીણની લાશ જે સોફામાં હતી તે સોફા પરથી પોલીસને છરી પણ મળી હતી. બનાવ અંગે પોલીસે પ્રવીણના ભાઇની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે બસમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં પ્રવીણની કેબિનમાં અન્ય કોઇ વ્યક્તિ ગઇ હોય તેવો એકપણ પુરાવો મળ્યો નહોતો

બીજીબાજુ તપાસમાં એવું પણ ખુલ્યું કે, પ્રવીણને દશેક વર્ષથી સુરતની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને ત્રણેક દિવસ પૂર્વે જ એ યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા, પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન થતાં પ્રવીણ નાસીપાસ થઇ ગયો હતો અને સુરતથી બસમાં બેઠા બાદ તેણે તેના એક ભાઇ સાથે ફોન પર આ અંગેની વાતચીત કરી હતી, પોલીસે આ બનાવમાં હત્યાનો તો ગુનો નોંધ્યો હતો પરંતુ બનાવ આત્મહત્યાનો હોવાની દૃઢ શંકા ઉઠતાં પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી અને પ્રવીણ જ્યાં રહેતો હતો ત્યાં અને તેના આસપાસના વિસ્તારો તેમજ યુવતી સાથેના સંબંધ અંગેની તપાસ કરવા પોલીસની એક ટીમ સુરત પહોંચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...