તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IT રેડનો ચોથો દિવસ:રાજકોટમાં આવકવેરા વિભાગની સત્તાવાર જાહેરાત, RK ગ્રુપની 42માંથી 17 જગ્યાએ તપાસ પૂર્ણ, રૂ.300 કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
RK ગ્રુપ પર ITનું સૌથી મોટું સર્ચ-ઓપરેશન. - Divya Bhaskar
RK ગ્રુપ પર ITનું સૌથી મોટું સર્ચ-ઓપરેશન.
  • રૂ.6.40 કરોડની રિકવરી, રૂ.4 કરોડની પ્રોમિસરી નોટ મળી અને રૂ.1.70 કરોડના દાગીના જપ્ત કરવામાં આવ્યા
  • 25 લોકર સીલ કરવામાં આવ્યા, રૂ.154 કરોડની જમીનની ખરીદી કરાઇ જેમાં રૂ.140 કરોડ રોકડમાં ચૂકવાય
  • આવક વેરા વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલુ

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકોટના RK ગ્રુપ પર દરોડા પાડ્યા છે. આજે દરોડાનો ચોથો દિવસ છે. હાલ ચાર દિવસ બાદ RK બિલ્ડર ગ્રુપની ઓફિસ અને રહેણાંક સિવાય મોટાભાગે તપાસ પૂર્ણ થઈ છે. આ અંગે આવકવેરા વિભાગની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં રૂ.300 કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યા છે. તેમાંથી રૂ.6.40 કરોડની રિકવરી, રૂ.4 કરોડની પ્રોમિસરી નોટ મળી છે અને રૂ.1.70 કરોડના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 25 લોકર સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.154 કરોડની જમીનની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી 140 કરોડ રોકડમાં ચૂકવાય છે. આવક વેરા વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.

મિલકતોની વેલ્યુએશન પણ હાથ ધરવામાં આવી છે
જ્યાં આવકવેરા વિભાગે કોથળા ભરીને સાહિત્ય કબ્જે કર્યું છે તથા અનેક બેંકના ખાતા સીઝ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ આવકવેરા વિભાગની સૌથી મોટી કાર્યવાહી કરાઈ છે. જ્યાં હવે તબક્કાવાર બેંકના ખાતાના તપાસ હાથ ધરાશે. આ ઉપરાંત સોનાના ઘરેણાં, બાંધકામ હેઠળની બિલ્ડીંગ,મિલકતોની વેલ્યુએશન પણ હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા કરચોરી અંગે ટૂંક સમયમાં વિગતો બહાર પાડવામાં આવશે. જેમાં કરચોરીનો આંકડો પણ મોટો હોવાની શક્યતા સેવાઈ રહી છે.

પરિવાર સાથે RK ગૃપના સર્વાનંદભાઈ સોનવાણી
પરિવાર સાથે RK ગૃપના સર્વાનંદભાઈ સોનવાણી

કરોડોની રોકડ તથા જ્વેલરી જપ્ત કરી લેવામાં આવી છે
42માંથી 17 જગ્યાએ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને હજુ પણ સર્ચ-ઓપરેશન શરૂ છે. ITનો સૌરાષ્ટ્રમાં આ સૌથી મોટો દરોડો ગણવામાં આવી રહ્યો છે. હાલ ચાલી રહેલા સર્ચ-ઓપરેશનની તમામ વિગતો અમદાવાદ સ્થિત DGITને અપાઇ છે. ટૂંક સમયમાં DGITને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે, એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. કેટલા રૂપિયાની ટેક્સચોરી ઝડપાઇ, કેટલી ગોલ્ડ જ્વેલરી, કેટલાં બેન્ક-લોકર હાથમાં આવ્યાં એ સહિતની તમામ માહિતી બહાર આવશે. થોકબંધ દસ્તાવેજ, કરોડોની રોકડ તથા જ્વેલરી જપ્ત કરી લેવામાં આવ્યાં છે. બેંક ખાતાં તથા લોકરો સીલ કરી દેવાયાં છે, એ આવતા સપ્તાહથી તબક્કાવાર ખોલવામાં આવશે.

બે દિવસમાં 100 કરોડના બેનામી હિસાબો મળ્યા
રાજકોટમાં મોટા ગજાના બિલ્ડર આર.કે. ગ્રુપ તથા તેમના કનેક્શન ધરાવતા બિલ્ડરોનાં 45 સ્થળે હાથ ધરાયેલું મેગા દરોડા-ઓપરેશન આજે સતત ચોથા દિવસે ચાલુ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં 100 કરોડના બેનામી હિસાબો મળી આવ્યા છે, સાથોસાથ ઈન્કમટેક્સને બિનહિસાબી તથા અંડરવેલ્યુએશન ધરાવતા દસ્તાવેજો, સાહિત્યનો ભંડાર હાથ લાગ્યો છે. બેથી ત્રણ જગ્યાનો ઉપયોગ કાળા-ધોળાના વ્યવહારો કરવા તથા એને લગતા સાહિત્ય સાચવવા માટે જ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એમાં તપાસનીશ અધિકારીઓ પણ મોઢામાં આંગળાં નાખી ગયા છે.

આર.કે. ગ્રુપ ફાઇનાન્સના વ્યવસાય સાથે પણ જોડાયેલું છે.
આર.કે. ગ્રુપ ફાઇનાન્સના વ્યવસાય સાથે પણ જોડાયેલું છે.

આર.કે. ગ્રુપ કોણ છે? ક્યાં અને કેટલું નેટવર્ક ફેલાયેલું છે!
રાજકોટમાં આર.કે. ગ્રુપના માલિક સોનવાણી બ્રધર્સ છે, જેમાં સર્વાનંદ સોનવાણી, કમલ સોનવાણી અને જગદીશ સોનવાણી સહિત 6 ભાઇનો સમાવેશ થાય છે. આર.કે. ગ્રુપ ફાઇનાન્સના વ્યવસાય સાથે પણ જોડાયેલું છે. દાણાપીઠમાં તેમની આર.કે. ફાઇનાન્સ નામની પેઢી કાર્યરત છે, જ્યાં અનાજ -કઠોળનું પણ મોટું કામકાજ થાય છે. તો આર.કે. ટ્રેડિંગના નામે હડમતાળામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ આવેલું છે. આ સાથે કુવાડવા રોડ પર 1થી લઇને 11 સુધી ઇન્ડસ્ટ્રિયલ ઝોન તથા અનેક ફાર્મહાઉસ પ્રોજેક્ટ તેમણે તૈયાર કર્યા છે. આર.કે. ગ્રુપના નેજા હેઠળ આ પહેલાં જમીન, મકાન અને પ્લોટિંગનું કામ થતું હતું. જોકે છેલ્લાં ઘણાં વર્ષોથી બિલ્ડિંગ તૈયાર કરે છે. મોટે ભાગે ભાગીદારી પેઢીમાં કામ કરે છે, જેથી દરોડામાં તેની ભાગીદારી પેઢી પર પણ દરોડા હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ITના નિશાને આવેલું આર.કે. ગ્રુપ કોણ છે? કેવો છે તેનો કારોબાર? 100 કરોડના બેનામી હિસાબો મળ્યા

RK ગ્રુપ ઘણાં વર્ષોથી બિલ્ડિંગલાઇનમાં છે.
RK ગ્રુપ ઘણાં વર્ષોથી બિલ્ડિંગલાઇનમાં છે.

છેલ્લા 20 દિવસમાં 150 કરોડના સોદા
ઇન્કમટેક્સ વિભાગનાં સૂત્રોના કહેવા પ્રમાણે, આર.કે ગ્રુપ છેલ્લા ઘણા સમયથી આઇટીના નિશાના પર હતા. એમાં પણ આ ગ્રુપ દ્વારા છેલ્લા 20 દિવસમાં માધાપર ચોકડી અને અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં 150 કરોડની જમીનના સોદા કર્યા હતા, જેને કારણે આઇટીની નજરે ચડ્યા હોવાનું માલૂમ પડ્યું છે. તપાસ દરમિયાન આર.કે. ગ્રુપના સાથી બિલ્ડરોને ત્યાં તપાસ આગળ વધી શકે છે, સાથે સાથે આર.કે બિલ્ડિંગમાં રોકાણ કરનારને પણ નોટિસ મળી શકે છે, જેથી આ તપાસ હજુ પણ બે દિવસ ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે.